યાદગાર પ્રસંગ.. જ્યારે અમિતાભ બચ્ચન આવ્યા હતા ‘ચિત્રલેખા-જી’ કાર્યાલયમાં..!!

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનાં પ્રભાવનો જાદુ તેઓ જ્યારે રૂપેરી પડદાના સુપરસ્ટાર હતા ત્યારે જેટલો હતો એટલો જ આજે તેઓ આયુષ્યના ૭૫મા વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે પણ યથાવત્ છે.

૧૧ ઓક્ટોબર એટલે ‘મહાન’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘નમકહલાલ’ અમિતાભનો જન્મદિવસ. હિન્દી ફિલ્મોના આ અતિ લોકપ્રિય કલાકાર આજે એમનો ૭૫મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે ઘણા લોકો એમની સાથેના પ્રસંગોના સંભારણાઓને મમળાવશે. ‘ચિત્રલેખા’ ગ્રુપ પણ આ દંતકથાસમા અભિનેતા સાથેની નિકટતાના એક યાદગાર પ્રસંગને આજે તાજો કરીને એના વાચકો-પ્રશંસકો સમક્ષ પ્રસ્તુત કરે છે.

‘ચિત્રલેખા’ ગ્રુપનું ફિલ્મ મેગેઝિન ‘જી’ એક સમયે વાચકો તથા ફિલ્મી હસ્તીઓમાં બેહદ લોકપ્રિય હતું. અમિતાભ બચ્ચન પણ એમની વિશેના લેખ તથા મુલાકાતો વાચકો સાથે સંપર્કમાં હતા. પણ એમને એક દિવસ એવી ઈચ્છા થઈ હતી કે ‘ચિત્રલેખા’માં મેગેઝિન તૈયાર કરવાની કામગીરી થાય છે કેવી રીતે? અને એ દિવસ આવી ગયો જ્યારે એમણે ‘જી’ મેગેઝિનનાં એ વખતનાં તંત્રી ભાવના સોમૈયાને ફોન કર્યો અને સૌનાં આશ્ચર્ય વચ્ચે એમણે ‘ચિત્રલેખા’ની ઓફિસમાં પધરામણી કરી હતી.

એ તારીખ હતી, ૨૮ એપ્રિલ, ૧૯૯૨.

‘જી’ મેગેઝિનના તારીખ ૧૬-૩૧ જુલાઈ, ૧૯૯૨ના અંકમાં તંત્રી ભાવના સોમૈયાએ અમિતાભની ‘ચિત્રલેખા-જી’ કાર્યાલય મુલાકાત વિશે લખેલા લેખની વિગત અહીં આપની સમક્ષ પ્રસ્તુત છે, એમનાં જ લખેલા શબ્દોમાં:

સામાન્ય રીતે મેગેઝિનના પત્રકારો કલાકારોની મુલાકાત લેવા જતા હોય છે, પરંતુ એપ્રિલની ૨૮મીએ ‘ચિત્રલેખા-જી’ કાર્યાલયમાં પ્રવાહ પલટાયો. હા, એ દિવસે ‘જી’ની મુલાકાતે ચડી આવ્યા ખુદ અમિતાભ બચ્ચન! આ રહી એ યાદગાર પ્રસંગની ઝલક.


‘હું તમારી ઓફિસે આવી તમે લોકો કેવી રીતે કામ કરો છો એ જોવા માગું છું.’ ઘણી વાર એણે મને કહેલું. જોકે અમે એની વાતને મજાક ગણી હસી કાઢતાં. એ અવારનવાર કહેતો: ‘હમેં કમ ન સમઝના. મારું કંઈ જ ઠેકાણું નહીં. એક બપોરે અચાનક હું આવી ચડવાનો અને તમને સૌને સરપ્રાઈઝ આપવાનો.’

૨૮ એપ્રિલનો દિવસ આમ તો રોજના જેવો જ ઊગ્યો. પરંતુ સાંજે અમે ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે ફોનની ઘંટડી રણકી ઊઠી…

આપણા ફેવરિટ સ્ટાર અમિતાભનો ફોન હતો. એણે કહ્યું, ‘દસ મિનિટ મેં હમ આ રહે હૈં.’ અમને લાગ્યું કાં મોડે મોડે એ અમને એપ્રિલફૂલ બનાવતો હશે. પરંતુ દસ મિનિટ પછી એટલે કે આશરે છના સુમારે નીચે ગોકીરો થયો! અમારો ટેલિફોન ઓપરેટર આનંદના આવેશમાં ચીસ પાડી ઉઠ્યો.

અમિતાભ બચ્ચન! બીજી જ પળે આખું મકાન ધમધમી ઉઠ્યું. જોતજોતામાં તો પ્યૂનો, ચાઈવાલા, કેન્ટીનના છોકરાઓ બધા જ ટોળે વળી એને તાકવા લાગ્યા. પ્રેસના કર્મચારીઓ અને આસપાસની ઓફિસવાળાઓ પણ એમાં સામેલ થઈ ગયા. આ મેગા સ્ટારને નજીકથી નીરખવા બધાએ એવી પડાપડી કરી કે કામકાજ ખોરંભાઈ ગયું અને રેલવે સ્ટેશન જેવો માહોલ સર્જાઈ ગયો. ફોટોગ્રાફર ઝટપટ કામે લાગી ગયો. ભીડને ભેદીને એણે કેટલાક સરસ ફોટા ઝડપી લીધા. ‘હું તો મારો નાઈટ સૂટ પહેરીને આવ્યો છું એટલે ફેન્ટાસ્ટિક ફોટાની આશા રાખતા નહીં.’ અમિતાભે થોડા શરમાઈ જતા કહ્યું. એક હાથમાં ચશ્મા અને અંગત કોમ્પ્યુટર રાખીને બીજે હાથે એણે ડઝનબંધ ઓટોગ્રાફ્સ સહી કર્યા. અંધાધૂંધી વચ્ચે ઉત્તેજના વ્યાપી ગઈ. તંત્રીઓ, વ્યવસ્થાપકો અને ઓફિસના કર્મચારીઓને એ મળ્યો ત્યારે સર્વત્ર આનંદનો માહોલ છવાઈ ગયો. કોમ્પ્યુટર વિભાગ હોય કે મશીન વિભાગ અમિતાભની અદ્યતન જાણકારીથી અમે ગર્વ અનુભવ્યો. સતર્ક અને એકાગ્ર ચિત્તે એણે લાગતાવળગતાને રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. બહાર સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો છતાં ભીડ ઓછી થતી નહોતી. કદાચ આજે કોઈને મોડું થતું નહોતું.

થોડોક આરામ આપવા અમિતાભને અમે પ્રેસ પરથી ફરી પાછા અમારી ઓફિસમાં લઈ ગયા. દરવાજો નીચો હોવાથી લંબૂજીને વાંકા વળીને દાખલ થવું પડ્યું. છતને માથું અડાડતા એણે તરત જ ટકોર કરી-‘આને ઊંચી કેમ નથી કરતા?’ કેબિનમાં બીજી સમસ્યા ખડી થઈ. તંત્રીની ખુરશી સિવાય બીજી એકેય ખુરશીમાં એ સમાઈ ન શક્યો. એટલે એણે એ ખુરશીમાં ગોઠવાયા પછી આજ્ઞાવાહી સ્વરે સ્ટાફને કહ્યું: ‘હું તમારો નવો બોસ છું. મારો આદેશ છે કે આજે દરેકે શેમ્પેઈન પીવો.’ સાચે જ ઉજવણીનો દિવસ હતો. એટલે અમે આ વિશેષ અતિથિના માનમાં ‘ટોસ્ટ’ આપ્યો. જોકે આ અતિથિ સ્કૂલના હેડમાસ્ટરની અદાથી વર્તતો હતો. પાછળ હાથ વાળીને એણે કેબિનનું નિરીક્ષણ કર્યું. ફાઈલો અને ફોટોગ્રાફ્સ ક્યાં રાખવામાં આવે છે એની પૃચ્છા કરી. ધીમે ધીમે સીટી વગાડતા એણે જીનો એપ્રિલ અંક ઉથલાવવા માંડ્યો. પોતાના ફોટા ધ્યાનપૂર્વક નિહાળ્યા.

સાડા ત્રણ કલાક પછી છેક સાડા નવના સુમારે અમારા આ નવા બોસને જવાનો સમય થયો ત્યારે અમારાથી બોલ્યા વિના ન રહેવાયું. ‘અમને અમારા આ નવા બોસ પસંદ છે. ભલેને એ અમારી પાસે ઓવરટાઈમ કરાવે.’

(અમિતાભ બચ્ચનની ‘ચિત્રલેખા-જી’ મુલાકાતની પીડીએફ આવૃત્તિ આ સાથે જોડેલી છે)

https://chitralekha.com/Amitabh_Jee_office.pdf

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને આજે એમના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ‘ચિત્રલેખા’ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા.