પહલી પહલી બાર કી વો સારી બાતેં યાદ હૈ: અક્ષયકુમાર

બોલીવૂડનો ‘ખિલાડી’ એક્ટર અક્ષય કુમાર 9 સપ્ટેંબર, સોમવારે તેનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એ ફિલ્મોમાં એક્શન, કોમેડી અને રોમેન્ટિક ભૂમિકાઓમાં કરેલી એક્ટિંગ ઉપરાંત ફિટનેસ માટે પણ જાણીતો છે. 1967ની 9 સપ્ટેંબરે અમૃતસરમાં જન્મેલો અક્ષય કેનેડિયન નાગરિક છે. એની આગામી ફિલ્મો છે – સૂર્યવંશી, લક્ષ્મી બોમ્બ, હાઉસફૂલ 4, ગૂડ ન્યૂઝ.


‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ બે લેખ છે 1-15 ફેબ્રુઆરી, 1995ના અંકનો.


દરેક ઈન્સાનના જીવનમાં પહેલો અનુભવ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. એના ખટમીઠા કે કડવા સંભારણા વાગોળવા ગમે જ છે. પહેલી જ વાર એક પત્રકાર સમક્ષ અક્ષયકુમાર એના સંભારણા કહે છે.
– નરેન્દ્ર ઉપાધ્યાય

પ્રથમ સ્કૂલ: હું ત્રણ વર્ષનો હતો ત્યારે મારા પિતા મુંબઈની ડૉન બૉસ્કો સ્કૂલમાં ઍડ્મિશન માટે મને લઈ ગયેલા. એ સ્કૂલમાં ઍડ્મિશન મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું. હું પિતાજી સાથે પ્રિન્સીપાલના ઓરડામાં ગયો ત્યારે મને એક કાગળનો ટૂકડો જમીન પર પડેલો દેખાયો એટલે મેં ઊંચકીને કચરાના ટોપલીમાં નાંખી દીધો. મારી આ ક્રિયાથી પ્રિન્સીપાલ એટલા પ્રભાવિત થઈ ગયા કે મને તરત જ ઍડ્મિશન આપી દીધું. પિતાજી મને ક્લાસમાં મૂકીને જવા માંડ્યા ત્યારે દોડીને હું એમની પાછળ ગયો અને રડવા લાગ્યો. ટીચરે મને પ્રેમથી સમજાવીને બેસાડ્યો.

પ્રથમ સ્વપ્ન: મારા પહેલા સ્વપ્નમાં જ મેં મારી જાતને ફિલ્મસ્ટારરૂપે જોયેલો. કૅમેરા સામે હું અભિનય કરતા કરતા સ્ટાર બની ગયો છું. આ જ સ્વપ્ન વારંવાર આવતું અને સાકાર પણ થયું.

પ્રથમ રસોઈ: બેંગકૉકમાં પહેલીવાર એક રેસ્ટોરામાં મુખ્ય રસોઈયાના સહાયક તરીકે સમોસા ભરીને મેં તૈયાર કરેલા.

પ્રથમ શૂટિંગ: ‘સૌગંધ’ ફિલ્મ માટે પહેલી જ વાર કૅમેરાનો સામનો કર્યો. પ્રથમ શૂટિંગ હતું. પહેલો જ શૉટ મારી મા બનતી રાખી સાથે હતો. કૅમેરા શરૂ થતા જ જેવો હું પહેલો સંવાદ બોલ્યો કે મારા જીવનનો આ પ્રથમ શૉટ એક જ ટેકમાં ઓકે થઈ ગયો અને તુરંત રાખીએ મને ચૂમી લીધો.

પ્રથમ હવાઈ પ્રવાસ: હું સાત વર્ષનો હતો ત્યારે પહેલીવાર વિમાનમાં પ્રવાસ કર્યો. મુંબઈથી દિલ્હી જતા પ્લેનમાં મને એકલો જ બેસાડી દેવામાં આવ્યો. મારી પાસે નાનકડી બેગ હતી. એર હૉસ્ટેસે પ્લેન સુધી મને જ્યારે ટ્રૉલીમાં બેસાડ્યો ત્યારે મને લાગ્યું કે એ જ વિમાન છે અને મને દિલ્હી લઈ જશે. પરંતુ વિમાન સામે આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એ ટ્રૉલી બસ હતી જે પ્રવાસીઓને વિમાન સુધી લઈ જતી હતી.

પ્રથમ ચુંબન: થાઈલેન્ડમાં હું વેટર હતો ત્યારે એક છોકરી થોડો સામાન લેવા આવેલી. મેં સામાનનું પેકેટ એના હાથમાં મૂક્યું ત્યારે ટીપ રૂપે એણે મારા ગાલે ચુંબનની નવાજીશ કરેલી. મારા જીવનનું એ જ પહેલું ચુંબન હતું.

પ્રથમ પૅન્ટ: હું સાતમાં ધોરણમાં પહોંચ્યો ત્યારે મારા માટે પહેલીવાર પિતાજીએ પૅન્ટ શીવડાવ્યું હતું. ત્યાં સુધી હું હાફ પૅન્ટ જ પહેરતો. પહેલે દિવસે એ પાટલૂન પહેરીને સ્કૂલે ગયો તો ખરો પરંતુ આખો દિવસ હેરાન થઈ ગયો.

પ્રથમ મોટી ભૂલ: સાતમા ધોરણમાં સરખો અભ્યાસ ન કરવાથી હું નાપાસ થઈ ગયો.

પ્રથમ પાર્ટી: આઠમાં ધોરણમાં હું ભણતો હતો. સ્કૂલ છૂટ્યા પછી મેદાનમાં રમત ગમત ચાલતી. એક સાંજે મેદાનમાંથી થાક્યો પાક્યો બહાર નીકળ્યો ત્યારે કકડીને ભૂખ લાગી હતી. ખિસ્સામાં પૈસા નહોતા. એ જ વખતે સામે એક મંડપ દેખાયો. ત્યાં કોઈ ગુજરાતી લગ્નનો સમારંભ ગોઠવાયો હતો. એકેકથી ચડિયાતી વાનગીઓ ટેબલ પર સજાવેલી હતી. મારા મોઢામાં તો પાણી છૂટ્યું એટલે ચૂપકીદીથી મંડપમાં દાખલ થયો. અને જાતજાતની વાનગીઓ પેટ ભરીને ખાધી. મારી જિંદગીની એ જ પહેલી પાર્ટી હતી.

પ્રથમ પિકનિક: પહેલીવાર હું માતા-પિતા સાથે મુંબઈના ગોરાઈ બીચ પર ગયેલો. આખો દિવસ સાગર સ્નાન કર્યું. ધમાચકડી મચાવી. ખાધું અને પિકનિકનો આનંદ ઉઠાવ્યો.

પ્રથમ સજા: ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે ભારે તોફાની હતો. એક દિવસ મેં મારા દોસ્તને કહ્યું કે હું ટીચરનું ચુંબન લેવા માગું છું. મેં તો મજાક જ કરી હતી પરંતુ એ દોસ્તે ટીચરને ફરિયાદ કરી. એટલે ટીચરે ક્લાસમાં સૌ સમક્ષ મને ધમકાવ્યો. સ્ટૂલ પર ઊભા રહેવાની સજા કરી અને બીજે જ દિવસે પિતાજીને બોલાવીને ટીચરે મારી શિકાયત કરી ત્યારે આખી વાત સાંભળીને પિતાજી હસી પડ્યા.

પ્રથમ ડાન્સ: ત્યારે હું બેંગકૉકમાં હતો અને મુંબઈથી મારો એક ખાસ દોસ્ત આવેલો. ગ્રેસ હોટલમાં મારા એ દોસ્તની પાર્ટીમાં મને નૃત્ય કરવાની ફરમાઈશ કરવામાં આવી. ત્યારે મેં પ્રથમ ડાન્સ કરેલો.

પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ: હું છ વર્ષનો બાળક હતો ત્યારે સ્કૂલના એક સ્ટેજ પ્રોગ્રામમાં મારે ભાગ લેવાનો હતો. એક અંગ્રેજી નાટકમાં મને ચિપાન્ઝી બનાવીને સ્ટેજ પર ઊભો કરી દીધો. આખા નાટક દરમિયાન હું ચિપાન્ઝી વાનર બનીને ઊભો જ રહ્યો.

પ્રથમ કાર પ્રવાસ: મેં પહેલીવાર મોટર ડ્રાઈવિંગ સ્કૂલના માસ્ટર સાથે ડ્રાઈવિંગ કર્યું અને શીખ્યા પછી પહેલી કાર ફિયાટ ખરીદી. આજે પણ એ કાર મારી પાસે છે.

પ્રથમ સાઈકલ સવારી: પહેલીવાર સાઈકલ પર બેઠો તો નોકરે પાછળથી સાઈકલ પકડી રાખી હતી. સીટ પર બેસીને મેં પેડલ પર પગ જમાવ્યા. નોકરે જેવી સાઈકલ છોડી એટલે હું ધડામ દઈને ફૂટપાથ પર જઈને પડ્યો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે સાઈકલ તૂટી ગયેલી. મને ખાસ વાગ્યું નહોતું.

પ્રથમ તરણ: મુંબઈના શિવાજી પાર્કના મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલમાં પિતાજી મને લઈ ગયા ત્યારે ખૂબ નાનો હતો. ઉંમર તો યાદ નથી. બસ એટલું યાદ છે કે પિતાજીએ એમના બન્ને હાથ પર મને આડો સુવડાવીને પાણી પર મૂકી દીધો હતો. હું ખુશ થતો હાથ પગ હલાવવા લાગ્યો. પિતાએ જ મને તરતા શીખવ્યું છે.

પ્રથમ નિર્દેશક: કેરિયરના પ્રથમ નિર્દેશક પ્રમોદ ચક્રવર્તી. ‘દીદાર’ માટે એમણે મને કરારબદ્ધ કર્યો પરંતુ ‘સૌગંધ’નું શૂટિંગ પહેલા શરૂ થઈ ગયેલું.

પ્રથમ ઘોડેસવારી: પ્રમોદ ચક્રવર્તીએ જ મને ‘દીદાર’ માટે ઘોડેસવારી શીખવી અને જીતુ વર્માએ ટ્રેનિંગ આપી. પહેલે દિવસે જે ઘોડા પર બેસાડ્યો એ વક્ર સ્વભાવનો હતો અને મને વારંવાર ગબડાવવાની કોશિશ કરતો હતો. એ ઘોડાનું નામ હતું કમાન્ડો અને પંદરમે દિવસે મને એણે પીઠ પરથી સાચે જ ગબડાવી દીધેલો. પછી તો એની સાથે દોસ્તી કરીને સીધો દોર કરી દીધો.

પ્રથમ પુરસ્કાર: પહેલી જ વાર મેં સ્કૂલની વૉલીબૉલ સ્પર્ધામાં ભાગ લીધો અને ઈનામ મેળવેલું.

પ્રથમ દુર્ઘટના: મુંબઈના લીડો સિનેમા પાસેથી હું મારી ફિયાટ કારમાં જતો હતો ત્યારે એક કાગડો વિન્ડસ્ક્રીન પર ચરક્યો. ચાલતી કારે બારીમાંથી હાથ બહાર કાઢીને કાચ સાફ કરતો હતો ત્યારે એક મોટર સાઈકલ મારી કાર સાથે અથડાઈ. જો કે ટક્કર એટલી જોરદાર નહોતી તેથી મને થોડા ઊઝરડાં જ પડ્યાં.

પ્રથમ વિદેશ પ્રવાસ: મારો પ્રથમ વિદેશ પ્રવાસ મુંબઈ-બેંગકોંકનો.

પ્રથમ પ્રીમિયર: ‘ખિલાડી’. મુંબઈનું સત્યમ સિનેમા.

પ્રથમ ટુર્નામેન્ટ: જીવનની પ્રથમ ટુર્નામેન્ટ થાઈલેન્ડની હતી. માર્શલ આર્ટ્સના મુકાબલામાં થાઈ બૉક્સર સાથે મે દ્વન્દ્વ યુદ્ધ કર્યું હતું. હરીફ મજબૂત ચીનો હતો. અને એણે મને ખૂબ જ ખોંખરો કર્યો હતો કેટલાયે દિવસો સુધી હાડકા દુખતા હતા.

પ્રથમ કૉલેજ: મુંબઈની ખાલસા કૉલેજ એની સામેની જ ડૉન બૉસ્કો સ્કૂલમાં હું ભણી ચૂક્યો હતો અને કૉલેજના ઘણા દોસ્ત મારા પરિચિત હતા તેથી જ જ્યારે કૉલેજમાં ગયો ત્યારે હું રેગિંગમાંથી બચી ગયો.

પ્રથમ એડવેંચર: સ્કૂલમાં ભણતો હતો ત્યારે એકવાર દોસ્તો સાથે પહાડો પર હાઈકિંગ માટે ગયો ત્યારે મુંબઈની પાસે જ ખંડાલાની પહાડી પર એડવેન્ચરનો આનંદ માણ્યો હતો.

પ્રથમ ઝગડો: મારા એક ખાસ દોસ્તનો ઝગડો કેટલાક છોકરાઓ સાથે થયો હતો અને તેઓ ભેગા મળીને એને મારતા હતા. ત્યારે મેં અને મારા મિત્રે મળીને પેલા છોકરાઓને બરાબર ખોખરા કર્યા. એ માર ખાનારાઓમાં એક છોકરો સ્થાનિક દાદાનો ભાણેજ હતો. ખબર પડતા જ હું સીધો એ દાદાને મળ્યો અને માફી માંગીને સુલેહ કરી લીધી.

પ્રથમ ઉધારી: પહેલીવાર મેં મારા પિતા પાસેથી જ થોડા રૂપિયા ઉધાર લીધા હતા. મારે ગર્લફ્રેન્ડને લઈને ઈરોસમાં ફિલ્મ જોવા જવું હતું. એટલે એ ઉધાર પૈસામાંથી ડેટિંગનો આનંદ ઉઠાવ્યો.

પ્રથમ ચોરી: જીવનમાં પહેલીવાર મેં એક મિત્રની ઘડિયાળ ચોરેલી. પરંતુ વારંવાર મારું મન ગ્લાનિ અનુભવતું હતું. તેથી બીજે જ દિવસે મિત્રને એ ઘડિયાળ પાછી આપીને કદી ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી.

પ્રથમ જુઠ્ઠાણું: હું પિતાજી સાથે બજારમાં જઈ રહ્યો હતો ત્યારે એક પર્સ દેખાયું. મેં ગુપચૂપ ઊંચકીને ગજવામાં સેરવી દીધું. પિતાજીએ પૂછ્યું ત્યારે જુઠ્ઠું બોલ્યો કે કાંઈ જ નથી. એ પર્સમાં આઠસો રૂપિયા હતા. એ રૂપિયાથી કેટલાયે દિવસો મોજમજા કરી. મારા પિતા પાસે બોલેલું આ મારું પહેલું અને છેલ્લું જુઠ્ઠાણું હતું. પછી કદી જુઠ્ઠું બોલ્યો નહોતો.