અંબાણી પરિવારમાં એક વધુ રોયલ વેડિંગ; આકાશ-શ્લોકા બન્યાં પતિ-પત્ની

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને ભારતનાં સૌથી શ્રીમંત મુકેશ અંબાણી તથા નીતા અંબાણીનાં મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્ન 9 માર્ચ, શનિવારે મુંબઈમાં હિરાનાં ઉદ્યોગપતિ રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી શ્લોકા સાથે સંપન્ન થયાં.

બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં રિલાયન્સ ગ્રુપના નવા બંધાયેલા જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ લગ્નપ્રસંગ ભવ્યતાસભર વાતાવરણમાં અને ઝાકઝમાળ રીતે, ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

લગ્નપ્રસંગે રાજકારણ, ફિલ્મ, ખેલકૂદ સહિત ઘણા ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, સંયુક્ત રાષ્ટ્રોના ભૂતપૂર્વ મહામંત્રી બાન કી મૂન, દક્ષિણી સુપરસ્ટાર રજનીકાંતનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વારસદાર આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી લગ્ન સંપન્ન થયા બાદ અંબાણી અને મહેતા પરિવારોએ 10 માર્ચ, રવિવારે સાંજે જિઓ વર્લ્ડ સેન્ટર ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

આ પાર્ટીને ‘મંગલ પર્વ’ નામ આપ્યું હતું. એમાં પણ બોલીવૂડ, ક્રિકેટ તથા અન્ય ક્ષેત્રોની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

અંબાણી પરિવારમાં આકાશના લગ્ન પહેલાં ગયા વર્ષના ડિસેંબરમાં એમના બહેન ઈશાનાં લગ્નનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. ઈશાનાં લગ્ન ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે થયા છે.

(તસવીરો અને વિડિયોઃ મૌલિક કોટક)httpss://youtu.be/GVe8CjROvO0

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]