ભારત માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ!

બે બળીયા બાથે વળગે એમાં ત્રીજો ખાટે એવું સાંભળવા મળે અને વેપારના મામલામાં જોવા પણ મળે.હજી તો ટ્રેડ વૉરની શરૂઆત થઈ હોવાનું ચર્ચાય છે. આ ટ્રેડ વૉર વચ્ચે ભારત માટે ખૂબ જ આનંદના સમાચાર મળી રહ્યાં છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહી છે, બંને બળિયા બાથે વળગ્યાં છે, આમાં બંને દેશોની ઈકોનોમીને નુકશાન થઈ રહ્યું છે. પણ અમેરિકા માને છે કે ‘નેશન ફર્સ્ટ’. તો સામે ચીન અમેરિકાને તેની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે. અમેરિકા અને ચીન બંને ભલે વિકસિત દેશ હોય પણ બંને દેશોની આર્થિક સ્થિતિ ધીમેધીમે કથળી રહી છે. આ સમાચાર એ છે કે અમેરિકાએ ભારતને સ્ટ્રેટજિક ટ્રેડ ઓથોરાઈઝેશ-1(એસટીએ-1)ની યાદીમાં સામેલ કર્યું છે. તેનાથી ચીનને મોટો ઝટકો વાગશે તે નક્કી છે. અમેરિકા શા માટે આમ કરી રહ્યું છે, તેની ચર્ચા કરીશું. પણ ભારત માટે તો ગૌરવની વાત છે, અને આર્થિક વિકાસ અને પ્રગતિની દિશામાં નવા પગલા માંડવા બરાબર છે. તેમજ લશ્કરી તાકાત મજબૂત થશે, તે પણ છે.

ભારત એસટીએ-1ની યાદીમાં સામેલ થનાર દક્ષિણ એશિયાઈ દેશમાં સૌપ્રથમ પ્રથમ દેશ બને છે. હવે ભારત હાઈ ટેકનોલોજી પ્રોડક્ટ્સના વેચાણ માટેનો રસ્તો સરળ બની જશે. ભારત ખુબ જ આસાનીથી સિવિલ અને સંરક્ષણ ક્ષેત્રમાં હાઈ ટેકનોલોજીની ચીજવસ્તુઓ અમેરિકામાં વેચી શકશે. જાપાન અને દક્ષિણ કોરિયા પછી ભારત ત્રીજો એશિયાઈ દેશ બને છે કે જેને અમેરિકાએ આ દરજ્જો આપ્યો હોય. પુરા વિશ્વમાં ભારત 37મો દેશ છે કે જેને એસટીએ-1નો દરજ્જો મળ્યો હોય. ખાસ કરીને અમેરિકા નાટો તેના સહયોગીઓને જ આ દરજ્જો આપે છે. હજી તો ભારત ન્યૂકલ્યિર સપ્લાયર્સ ગ્રુપ (એનસીજી)માં સભ્ય બન્યું નથી, તે પહેલા જ તેને એસટીએ-1નો દરજ્જો મળ્યો છે.

અમેરિકાએ માની લીધું છે કે ભારત એનએસજીનું સભ્ય થાય તેવી તમામ શરતો સ્વીકારી છે, અને તે ધરાવે છે. જો કે ભારત એનએસજીનું સભ્ય ન બને તે માટે ચીન વિલનનો રોલ ભજવી રહ્યું છે, તે બાબત પણ અમેરિકા સારી રીતે જાણે છે.અમેરિકાએ ભારતને એસટીએ-1નો વિશેષ દરજ્જો આપવાનું કારણ શું? ચીનની વધતી જતી દાદાગીરી અને લશ્કરી તાકાતને અંકુશમાં રાખવા માટે જ અમેરિકાએ ભારતને આર્થિક અને લશ્કરની રીતે તાકાતવર બનાવવાનું મનોમન નક્કી કરી નાંખ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ રક્ષા વિધેયક પસાર કર્યું ત્યારે ભારત સાથે સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત કરવાની દરખાસ્ત કરી છે. જેનો સીધો અર્થ એ થાય કે ચીનને આગળ વધુ અટકાવવા માટે ભારતને મજબૂત બનાવવાની ચાલ છે. ભારત મજબૂત થશે તો પાકિસ્તાન શાંત રહેશે. મોદી અને ટ્રમ્પના ઉષ્માભર્યા સંબધો કામ કરી રહ્યા હોય તેમ હાલ તો દેખાઈ રહ્યું છે, પણ તેની સાથેસાથે ટ્રમ્પ બાજી ગોઠવી રહ્યા છે. ભારત ખુબ મોટો લોકશાહી ધરાવતો દેશ છે, તેને લશ્કરી તાકાત મજબૂત કરવા માટે રક્ષા સાધનોની જરૂર છે, જેથી ભારત સાથે અમેરિકા વધુ ઘનિષ્ઠ સંબધો બનાવી રહ્યું છે. ભારતીયો વગર અમેરિકા પણ અઘુરુ છે.

ચીન સાથેનું ટ્રેડ વૉર એપ્રિલમાં શરૂ થયું હતું, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા અનેક વસ્તુઓ પર ટેરિફ(ઈમ્પોર્ટ ડયૂટી) લાદી છે, તો સામે ચીને પણ આયાત ડયૂટી લાદી છે. હાલમાં જ અમેરિકાની સરકારે 200 અબજ ડૉલરની કિમતની ચીનમાં ઉત્પાદન થતી પ્રોડક્ટ પર આયાત ડયૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરવાનો વિચાર કરવાનો આદેશ આપ્યો છે. જો આનો અમલ થશે તો અમેરિકા અને ચીન વચ્ચેનું વૉરમાં નવો વળાંક આવશે. ચીને તો ધમકી પણ આપી દીધી છે. અમેરિકાએ ચીનની ખોટી નીતિઓને આગળ કરીને ટ્રેડ વૉરની શરૂઆત કરી હતી, પણ ચીન જરાય નમતુ જોખવા તૈયાર નથી. જ્યારે ચીન એમ કહે છે કે અમેરિકા અમને બ્લેકમેલ કરી રહ્યું છે, અને પ્રેશર ઉભુ કરીને તે ધારે તે કરાવા માંગી રહ્યું છે, પણ અમે યોગ્ય જવાબ આપીશું.આ ટ્રેડ વૉર વચ્ચે અમેરિકાએ ચીનને ઝાટકો આપવા માટે થઈને જ ભારતને એસટીએ-1નો દરજ્જો આપ્યો છે. ભારત માટે બન્ને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે.