ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ માટે કોણ વિલન બની શકે છે?

2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે ભારતની ઈકોનોમી કેવી વૃદ્ધિ નોંધાવશે, તે સવાલ સર્જાયો છે. કેમ કે 2019ના વર્ષમાં સરકાર વધુ ખર્ચ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક છૂટછાટો આપશે. તે પહેલા અનેક મુદ્દાઓ પરની પૉલીસીની જાહેરાત કરાશે. તેમજ મતદારોને આકર્ષવા માટે સરકાર દ્વારા છૂટછાટોની જાહેરાત કરાશે. 2019માં જંગી ચૂંટણી ખર્ચ થશે, જેની ભારતની ઈકોનોમી પર વિપરીત અસર પડી શકે છે. પણ સામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ સતત વધી રહ્યો છે. જે પણ ઈકોનોમી માટે નેગેટિવ ફેકટર છે. જીએસટીના અમલ પછી આર્થિક વૃદ્ધિ ઝડપી થઈ છે, ત્યારે હવે 2019ના વર્ષમાં જીડીપી ગ્રોથ યથાવત રહેશે કે વધુ આગળ વધશે? તે અંગે આજે ચર્ચા કરીશું.ફ્રાન્સને પાછળ છોડીને વિશ્વમાં છઠ્ઠું સ્થાન મેળવનારી 13 લાખ કરોડની ભારતીય ઈકોનોમી 2019 સુધીમાં 7.4 ટકાની વૃદ્ધિ નોંધાવી શકે છે. અને 2020માં 7.6 ટકાની વૃદ્ધિ નોંધાવે તેવું અનુમાન રજૂ કરાયું છે. પણ 2019ની લોકસભાની ચૂંટણીમાં સરકાર ખર્ચ વધશે, તો આટલી વૃદ્ધિ નોંધાવશે નહી. બીજી તરફ નેગેટિવ ફેકટરની વાત કરીએ તો ચૂંટણીમાં જંગી ખર્ચ થશે. કેન્દ્ર સરકાર સહાયની લહાણી કરી શકે છે. જીએસટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરી ને લોકપ્રિયતા મેળવશે. તો આ સંજોગોમાં ઈકોનોમી ધારણા મુજબ વૃદ્ધિ નોંધાવી શકે નહી.

હા… બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના કિમત વધે તો આયાત મોંઘી થશે. તેમજ ડૉલર સામે રૂપિયો વધુ તૂટશે તો પણ ક્રૂડની આયાત મોંઘી થશે. વિદેશી રોકાણકારો ભારતીય મૂડીબજારમાંથી રોકાણ પાછુ ખેંચી રહ્યા છે, જેને લઈને રૂપિયા પર પ્રેશર છે. પણ હાલ આરબીઆઈના ઈન્ટરવેન્શનથી ડૉલર સામે રૂપિયો સ્થિર રહ્યો છે. હજી તો 2019 પહેલા રૂપિયાનું શું થશે, તે કોઈ આગાહી કરી શકાય તેમ નથી. ક્રૂડની કિમત વધે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ વધે તેમ છે. અને જો પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો ફુગાવો વધુ વકરી શકે છે. આ સંજોગોમાં ભારતીય અર્થવ્યવસ્થા પર 100 ટકા નેગેટિવ અસર પડી શકે છે.

અર્થશાસ્ત્રીઓના ગણિત મુજબ ક્રૂડની કિમતમાં 10 ડૉલરનો વધારો થાય તો ભારતના વિકાસમાં 30થી 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધી કરી ત્યારે ઈકોનોમીની ગતિ મંદ પડી હતી. અને તે પછી જીએસટીનો અમલ કર્યો હતો. જેની વિપરીત અસર પડી હતી, પણ પાછળથી રેવન્યૂ વધીને આવતાં અને ફુગાવો અંકુશમાં આવી જતાં આર્થિક વૃદ્ધિમાં વધારો થયો હતો. જે મોદી સરકાર માટે આનંદના સમાચાર હતા.

આઈએમએફ દ્વારા ચાલુ વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનું અનુમાન મુક્યું છે, તે સિધ્ધ થશે પણ 2019માં વિકાસ દર વધુ વધી શકે તેમ દેખાતું નથી. કારણ કે અનેક વિપરીત પરિબળો સામે ઉભા છે. તેને નાથવા માટે મોદી સરકારના આર્થિક નિષ્ણાતોની ટીમ સામે આ યક્ષ પ્રશ્ન બનીને રહેશે. જો કે ચીન અને અમેરિકા દ્વારા શરૂ કરાયેલ ટ્રેડ વૉરની વાત તો આપણે હવે કરી રહ્યા છીએ. પણ જો આ ટ્રેડ વૉર વધુ લાંબુ ચાલશે તો તેની ભારતની અર્થવ્યવસ્થા પર વિપરીત અસરો જોવા મળશે.

ભારતીય અર્થતંત્ર માટે 2019નું વર્ષ લોકસભાની ચૂંટણીને કારણે આકરું રહેશે. પણ સમય અને સંજોગો અનુકુળ હશે તો વિકાસ દરમાં વૃદ્ધિ નોંધાશે.