આરબીઆઈ અને સરકાર વચ્ચે મડાગાંઠમાં કેટલી સચ્ચાઈ?

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે ખાઈ વધી છે, તેવા સમાચાર ચમકી રહ્યા છે. ગમે ત્યારે આરબીઆઈ ગવર્નર ઊર્જિત પટેલ રાજીનામું ધરી દેશે તેવી વાતો પણ વહેતી થઈ છે. આઈએમએફ પણ આરબીઆઈ અને સરકાર વચ્ચેના સંબધોને લઈને સતર્ક થઈ ગઈ છે, અને આ ઘટના પર સતત ચાંપતી નજર રાખી રહી છે. બેંકો દ્વારા આડેધડ ધીરાણ અપાયું અને અધધધ… કહી શકાય તેટલી નોન પર્ફોમિંગ એસેટ્સ(એનપીએ)માં વધારો થયો છે, તેની પાછળ કોણ જવાબદાર ? શું આરબીઆઈની કોઈ જવાબદારી જ નથી ? બેંકો પર આરબીઆઈનો હોલ્ડ જ નથી રહ્યો ? બેંકો ગમે તેમ ધીરાણ આપે પછી હાથ ઊંચા કરે, તપાસ સમિતિ રચાય અને પછી વર્ષો પછી ક્લીનચીટ… પણ બેંકોના નાણા ડુબ્યા તેનું શું ? બેંકો ગ્રાહકો પાસેથી આડેધડ ચાર્જિસ વસુલે છે તો પણ આરબીઆઈ ચુપ છે ? આવા તો અનેક સવાલો છે કોણ જવાબદાર… સરકાર કે આરબીઆઈ….વિજય માલ્યા, નિરવ મોદી, સહારા, મેહુલ ચોકસી જેવા અનેક નામો છે જે બેંકોનું દેવું કરીને વિદેશ જતા રહ્યા છે. હજી સુધી તેમની સામે કોઈ જ કાર્યવાહી થઈ શકી નથી… આમને ધીરાણ આપનાર બેંકો અને બેંકોના અધિકારીઓની મીલીભગત બહાર આવી તો પણ શું… આરબીઆઈ તરફથી કોઈપણ પ્રકારના પગલા લેવાયા નથી. અને અત્યારે આરબીઆઈની સ્વાયતાનો મુદ્દો છેડાયો છે. આરબીઆઈ સ્વાયત જ છે, બેંકોની એનપીએમાં જંગી વધારો થયો તો પણ આરબીઆઈ સ્વાયતપણે બેંકો સામે કે તેના અધિકારીઓ સામે કોઈ જ પગલા નથી ભર્યા. કડક નિયમો નથી કર્યા. ખરેખર તો આરબીઆઈની રચના બેંકો પર દેખરેખ અને નિયમો ઘડવા માટે થઈ છે. રેગ્યુલેટરી તરીકેની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. તો હવે કેન્દ્ર સરકાર સવાલ ઉઠાવે ત્યારે આરબીઆઈએ 100 ટકા વિચારવા જેવું છે. કે ક્યા કચાશ રહી ગઈ છે. સરકાર આરબીઆઈની ટીકા કરે તો તે સાચી છે, તે સત્ય સ્વીકારવું જોઈએ.

હવે તો આરબીઆઈએ મૌન તોડવું જ જોઈએ. અને સ્પષ્ટ કહી દેવું જોઈએ કે તેમને સરકાર તરફથી પ્રેશર છે. દરેક નિર્ણયો લેવામાં સરકારની ડખલગીરી છે કે નહી, તેની સ્પષ્ટતા કરે તો જ સાચી સ્થિતી બહાર આવશે. પોલિટિકલ વીંગ તો જાહેરમાં કહી રહી છે, તો આરબીઆઈ કેમ સ્પષ્ટતા નથી કરી રહી તેવો જનતા સવાલ પુછે તે સ્વભાવિક છે.

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ 2008થી 2014 દરમિયાન આડેઘડ લોન આપવાના મુદ્દે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જાહેરમાં ટીકા કરી હતી. 30 ઓકટોબરે જેટલીએ કહ્યું હતું કે બેંકો દ્વારા આડેઘડ લોન આપવાને કારણે આજે એનપીએનું સંકટ વધ્યું છે, અને આરબીઆઈની સુસ્તીને કારણે જ તે ખરબોમાં પહોંચી ગયું છે. ખરેખર તો જેટલીનું આ નિવેદન ત્યારે આવ્યું કે જ્યારે આરબીઆઈની સ્વાયતાને લઈને નાણા મંત્રાલય અને સેન્ટ્રલ બેંક વચ્ચે ટકરાવ વધવાના સમાચાર આવ્યા હતા. જેટલીના નિવેદનથી આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધી હોવાની વાતને પુષ્ટિ મળે છે.

ઈન્ડિયા લીડરશીપ સમિટમાં જેટલીએ કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક સંકટ પછી આપ જોઈ શકો છો કે 2008થી 2014ની વચ્ચે અર્થવ્યવસ્થાને કૃત્રિમરૂપથી આગળ લઈ જવા માટે બેંકોએ પોતાના દરવાજા ખોલી નાંખ્યા હતા, અને આડેઘડ લોન આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે આરબીઆઈની નજર બીજી તરફ હતી. આ દરમિયાન જ બેંકોએ બેફામ રીતે મોટા ઉદ્યોગપતિઓને લોન આપી. તેને કારણે એક વર્ષમાં લોનમાં 31 ટકાનો વધારો થયો હતો. જ્યારે અગાઉના વર્ષોમાં લોન સરેરાશ 14 ટકાના દરે વધતી હતી.

બીજી તરફ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતાની ઉપેક્ષા કરવી ઘાતક પુરવાર થઈ શકે છે. બેંકો પર વધુ સારુ નિયમન કરી શકાય તે માટે વધુ શક્તિઓ આપવાની માંગ કરી હતી. અને મોટાપ્રમાણમાં નાણાકીય અને આર્થિક સ્થિરતા માટે સ્વતંત્રતા જરૂરી છે. હાલમાં આરબીઆઈ બેંકોના નબળા ખાતા પર જોર આપી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 31 માર્ચ, 2018ની સ્થિતીએ 9.61 લાખ કરોડ રૂપિયાથી વધુની એનપીએ સર્જાઈ છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે આટલી મોટી એનપીએ સર્જાઈ ત્યારે આરબીઆઈએ શું ધ્યાન રાખ્યું.?

એનપીએ પરના સવાલ પછી ઉદ્યોગપતિઓની બેઠકમાં આરબીઆઈ સામેલ થયું ન હતું, જેથી આરબીઆઈ અને સરકાર વચ્ચેની મડાગાંઠ વધી હોવાનું કન્ફર્મ થયું હતું. જો કે મીડિયામાં એવા પણ રીપોર્ટ આવ્યા હતા કે આરબીઆઈએ એનપીએને લઈને તમામ બેંકોની એક સર્કયુલર પાઠવ્યો છે, જેમાં લોન નહી ચુકવનાર સામે સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. જેને કારણે ઉદ્યોગપતિઓમાં નારાજગી વધી છે, અને તેમણે સરકારને કહ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે આરબીઆઈના આ પગલાથી કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે ટકરાવ ઉભો થયો છે. પણ મને નથી લાગતું કે આવું કારણ હોઈ શકે. લોન નહી ચુકવનારનો પક્ષ કેન્દ્ર સરકાર કેવી રીતે લઈ શકે.આરબીઆઈની સ્વાયતાને લઈને સવાલ થાય છે તો સાથે એ પણ સવાલ થવો જોઈએ કે બેંકો પર આરબીઆઈનું નિયમન છે કે નહી.? બેંકો ગ્રાહકો પાસેથી આડેઘડ ચાર્જિસ વસુલ છે. સેવીંગ્સ બેંક ખાતામાં મીનીમમ બેલેન્સ ન હોય તો ચાર્જિસ ડેબિટ કરે છે, કોઈ કારણસર ચેક રીટર્ન થાય તો જંગી ચાર્જ વસુલે છે. વધારે બેંક ટ્રાન્ઝકશન થાય તો પણ ચાર્જિસ આ તો કેવું… ગ્રાહક હશે તો બેંક ચાલશે. ગ્રાહક બેંકમાં નાણા નહી મુકે તો બેંક ચાલશે ખરી… ગ્રાહકો પાસેથી વિવિધ ચાર્જિસના નામે લૂંટ ચાલી રહી છે, તો આરબીઆઈએ નવી નીતિ બનાવવી જરૂરી છે.

બીજી તરફ બેંક સામાન્ય વ્યક્તિને લોન આપે તે પહેલા કેટલા બધા ડોક્યુમેન્ટ મંગાવીને ચેક કરે છે ખરાઈ કરે છે, પછી તેની આવકના પ્રમાણમાં લોન આપે છે, જો બેંકો આટલી ચોકસાઈથી લોન આપતી હોય તો પછી એનપીએ વધે જે કેવી રીતે ? કયાંક કોઈ કચાશ રહી છે અથવા તો બેંકના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની મીલીભગત રહી છે. તો જ લોન ન ચુકવી શકે તેવા લોકોને જંગી રકમની લોન અપાઈ છે. તે વાત તો બેંક અને આરબીઆઈએ સ્વીકારવી જ જોઈએ. એનપીએ વધવા પાછળ બેંકો અને આરબીઆઈની નિષ્ફળતા જ જવાબદાર છે.

જોઈએ આગામી દિવસોમાં આરબીઆઈ કેવા બોલ્ડ પગલા લે છે, અને સરકાર સાથે બેસીને કેવા કડક નિયમો બનાવે છે. અથવા તો સરકાર આરબીઆઈને સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની કેટલી સત્તા આપે છે. જો આમ થશે તો જ બેંકો પણ સખતી આવશે અને નવી લોનમાં એનપીએનું સર્જન નહી થાય.