‘ટાઈમ’ મેગેઝિન 19 કરોડ ડોલરમાં વેચાઈ ગયું

અમેરિકાના જગપ્રસિદ્ધ ‘ટાઈમ’ મેગેઝિનને મેરેડિથ કોર્પોરેશને સેલ્સફોર્સ ડોટ કોમને વેચી દીધું છે. ટેક્નોલોજી કંપની સેલ્સફોર્સ ડોટ કોમના સહસ્થાપક માર્ક બેનોફ અને એમના પત્ની લાઈની બેનોફે 19 કરોડ ડોલર (આશરે રૂ. 1,378 કરોડ)માં ‘ટાઈમ’ મેગેઝિન ખરીદ્યું છે. આ સોદો રોકડમાં થયો છે.

એક નિવેદનમાં, મેરેડિથે કહ્યું છે કે, બેનોફ દંપતી રોજિંદી કામગીરીમાં કે પત્રકારોના નિર્ણયોની બાબતમાં સામેલ થશે નહીં.

મેરેડિથે આ વર્ષના જાન્યુઆરીમાં ટાઈમ મેગેઝિનની પ્રકાશક કંપની ટાઈમ ઈન્કોર્પોરેશનને 1.8 અબજ ડોલરમાં ખરીદી હતી.

માર્ક બેનોફ અને એમના પત્ની લાઈની બેનોફ

માર્ક બેનોફની સંપત્તિ 6.5 અબજ ડોલર છે. તેઓ ક્લાઉડ કોમ્પ્યુટિંગ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની સેલ્સફોર્સના સહ-ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર છે. ટાઈમ મેગેઝિનના આ સોદાને સેલ્સફોર્સ કંપની સાથે કોઈ લેવાદેવા નથી. બેનોફ દંપતીએ અંગત રીતે આ મિડિયા બ્રાન્ડને ખરીદી છે.

‘ટાઈમ’ મેગેઝિનની સ્થાપના 1923માં કરવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં એના પ્રિન્ટ એડવર્ટાઈઝિંગમાં ઘટાડો થયો છે. જોકે પ્રિન્ટ અને ઓનલાઈનમાં એના 10 કરોડથી પણ વધારે વાચકો છે.

‘ટાઈમ’ની ‘પર્સન ઓફ ધ યર’ સહિત તમામ સ્પેશિયલ આવૃત્તિઓના અસંખ્ય વાચકો હોય છે.

મેરેડિથની મેનેજમેન્ટે કહ્યું છે કે તે ફોર્ચ્યૂન, સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડ અને ટાઈમને એટલા માટે વેચી રહ્યું છે કે ગ્રુપના અન્ય મેગેઝિન્સની સરખામણીમાં આ ત્રણેયના વાચકો અને એડવર્ટાઈઝર્સ અલગ છે.

httpss://twitter.com/Benioff/status/1041459167876149248

‘ટાઈમ’ મેગેઝિનનો સોદો 30 દિવસમાં પૂરો થશે. એ પૂરો થઈ ગયા બાદ કોઈ અગ્રગણ્ય ટેક્નોલોજી કંપની દ્વારા નામાંકિત પ્રકાશની લેટેસ્ટ ખરીદીનો સોદો બનશે. 2013માં, એમેઝોનના જેફ બેઝોસે ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબાર ખરીદ્યું હતું અને ગયા વર્ષે લોરીન પોવેલ જોબ્સે ‘એટલાન્ટિક’ મેગેઝિન ખરીદ્યું હતું.