બજેટમાં શું હશે? આર્થિક સર્વેક્ષણે ઘણું કહી દીધું છે!

વખતે બજેટ કેવું હશે, તેની દિશા શું હશે, તેના પગલાંમાં શેના પર ફોકસ યા ધ્યાન કેન્દ્રિત કરાયું  હશે, આપણા દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, વગેરે વિશે સોમવારે આર્થિક સર્વેક્ષણ (ઈકોનોમીક સર્વે)માં ઘણાં બધાં સંકેતો આપી દેવાયા છે, અર્થાત બજેટના દિવસે બજાર ઉછાળા મારશે એ લગભગ નિશ્ચિત બની ગયું છે.

દોસ્તો, આ મુજબની તૈયારી અત્યારથી કરી લેવામાં સાર રહેશે. જો કે શેરો પર કેપિટલ ગેઈન ટેકસ આવ્યો તો સંભવતઃ બજારનો મૂડ બગડી શકવાની શકયતા ઊંચી રહેશે. આ એક પરિબળ એવું છે, જેની શેરબજારને સૌથી વધુ ચિંતા છે. અલબત્ત, આવું બનવાની સંભાવના બહુ જ જૂજ જણાય છે. કારણ કે બજારનો મૂડ બગડે, તેજી અટકે અને ઉત્સાહ પડી ભાંગે એ સરકારને પોષાય એમ નથી.

પાંચ સારા સંકેત

n આર્થિક સર્વેક્ષણમાં આર્થિક વિકાસનો દર 7 થી 7.5 ટકા જેવો ઊંચો મૂકાયો છે, જે સૌથી મોટી સારી નિશાની છે. હાલ આ દર આ વર્ષે 6.75 ટકા છે.

n બીજી વાત, આ સર્વેમાં કહેવાયા મુજબ જીએસટીને કારણે કરદાતાઓની સંખ્યામાં પચાસ ટકાનો વધારો થયો છે, આમ કર માળખું વ્યાપક બને અને કરવસુલી વધે એ પણ સારા સંકેત છે.

n ત્રીજી વાત, સરકાર બેંકોની બેડ લોન્સની સ્થિતીને મજબૂત રીતે હાથ ધરી રહી છે, જેમાં સરકારની પોતાની મૂડી સહાય, નાદારી અંગેના  નવા કાનુનની અસર, બેંકોની કાર્યક્ષમતામાં સુધારાની વાતો બેંન્કિગ સેકટર માટે બહુ મોટી આશા છે.

n ચોથી વાત, વિદેશી રોકાણ પ્રવાહનો ધોધ ચાલુ રહેવાના નિર્દેશ છે.

n અને પાંચમી વાત, ભારત વિશ્વમાં  સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સ્થાન પામી રહયું છે.

પાંચ ચિંતાના વિષય

n બજાર માટે ચિંતાના વિષય ગણીએ તો, ક્રુડના વધતા ભાવ અને હજી વધવાની ધારણા.

n બીજું, કરન્સીની વધઘટ પણ કંઈક અંશે ચિંતાની બાબત ગણાય.

n ત્રીજી બાબત, શેરોના વધુ પડતા વધી ગયેલા ભાવો હવે વધુ ચિંતા કરાવે છે, કારણ કે આ ઊંચા ભાવે પ્રવેશ્યા બાદ અટવાઈ જવાનો ભય રહે છે, બજેટના ઉછાળા બાદ નફા બુકિંગનો ડર રહે છે, જેમાં બજાર સારું એવું ઘટી પણ શકે.

n જો કે ચોથી બાબત એ છે કે આ કરેકશન આવે  અને બજાર ઘટે તો એ લાંબા ગાળાના રોકાણકારો માટે એક જબરદસ્ત ખરીદીની તક બની શકે.

n પાંચમી બાબત, સરકારની ફિસ્કલ ડેફિસીટ (રાજકોષીય ખાદ્ય )ની  ચિંતાની છે.

(લેખક જાણીતા આર્થિક પત્રકાર છે)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]