બજેટને બજેટ પહેલાં સમજી લો, રોકાણ આયોજન માટે આ અગમચેતી રૂપી સરળ માર્ગ છે!

કંપનીઓના ફંડામેન્ટલ્સને આધારે રોકાણ કરનારને બજેટની બહુ ચિંતા રહેતી નથી!
બજેટ પરના તાત્કાલિક પ્રતિભાવ નહીં, તેની ફાઈનપ્રિન્ટ સમજીને આગળ વધવામાં સાર

બજેટ દર વરસે આવે છે, તેની અસર કેટલાં દિવસ ચાલે છે? બજેટના દિવસો પણ બજાર માટે વોલેટાઈલ હોય છે, પરંતુ આ સમયમાં ગામ કે ટોળાં સાથે બજેટને સમજયા વિના કેવળ વાતો અને જાહેરાતોથી રોકાણ કરી બેસનારા જોખમમાં મુકાઈ શકે છે, બજેટના તાત્કાલિક પ્રતિભાવ કરતા તેની ફાઈન પ્રિન્ટ સમજવી પણ આવશ્યક હોય છે. જો કે ફંડામેન્ટલસના આધારે નિયમિત શિસ્તબધ્ધ થતું રોકાણ બજેટ પહેલા કરો કે બાદ કરો તેમાં સફળતાની શકયતા વધુ હોય છે. બચતકારો- રોકાણકારો આટલું સમજી લે તો બજેટને સમજવામાં સાર છે.વાસ્તે બજેટને તેની જાહેરાત પહેલાં પણ સમજવું પડે, ભુતકાળના અનુભવોને પણ યાદ કરવા જોઈએ.

જો રોકાણ કરવાની તક આવે તો એ ઝડપી લો, ઘણીવાર એવું બને છે કે લાંબા સમય સુધી તક ન મળે, તો શાંતિથી બેસી રહેતા શીખો,મને ઘણીવાર ખોટા સમયે ઈન્વેસ્ટમેન્ટ કરવાનું મન થઈ જાય છે, કિંતુ હું રાહ જોવામાં દઢપણે માનું  છું… આ શબ્દો છે ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ અને વિશ્વના ટોચના સંપત્તિવાન વોરેન બફેટના. ભારતનું બજેટ જેવું  પણ આવે તેને માત્ર એક- બે દિવસમાં મુલવવાને બદલે સમજવાની કોશિશ પહેલા કરજો. બજેટ દર વરસે આવે છે, પરંતુ રોકાણકારે તેમનું રોકાણ એક વરસ કરતા વધુ વરસ માટે પ્લાન કરવું જોઈએ, જેથી બજેટના ટુંકા પ્રતિભાવોને ધ્યાનમાં રાખી બજારમાં કુદી પડાય નહીં  કે બજારમાંથી નીકળી જવાય પણ નહીં, વાસ્તવમાં બજારમાં નહીં કંપનીઓમાં રોકાણ કરવાનું હોય છે, જેથી બજેટ અને બજાર કરતા પણ તમે જે કંપનીમાં રોકાણ કર્યુ છે તેને અને જેમાં કરવા ચાહો છો તેને જોવા-સમજવામાં વધુ શાણપણ છે.

બજેટ કેવું લાગ્યું? આ સવાલ બજેટના દિવસથી  શરૂ થઈને દિવસો સુધી  લોકોમાં ફરતો રહેશે. જેના જુદા-જુદા જવાબમાં કહેવાતું હશે, બજેટ સારું લાગ્યું, ખરાબ લાગ્યું, ઠીક લાગ્યું, આશા ફળી નહીં, માત્ર વાતો ને વાતો જ થઈ, નકકર કંઈ નથી, મોદીએ કંઈ ગ્રેટ કર્યુ નહીં, ઘણાં કહેશે  મોદીના એજન્ડાનું બજેટ છે, ચૂંટણીલક્ષી બજેટ હતું,  કોઈ ક્હેશે મોદી આકરાં પગલા લેવાની  હિંમત ન કરી શકયા, તેમણે ભલે પોપ્યુલર બજેટ ન આપ્યું, કિંતુ તેમણે લોકોને નારાજ કરવાનું સાહસ પણ કર્યુ નહીં. બજેટને પગલે બજાર વધી જાય તો કંઈક કહેવાય અને ઘટી જાય તો કંઈક કહેવાય. બજાર વધે એટલે બજેટ સારું, બજાર ઘટે તો બજેટ  ખરાબ ગણાય,  અરૂણ જેટલી હજી ઘણું કરી શકયા હોત, મોદીએ આપેલા  બધાં વાયદા પૂરાં થયા નહીં, વગેરે જેવા અનેકવિધ અભિપ્રાય વ્યકત થતા રહેશે. જો કે આ બધાં પરંપરાગત ઉપરછલ્લા અભિપ્રાયોમાંથી બહાર આવી જરાં જુદી દ્રષ્ટિ રાખી વિચારવું જોઈએ .  વાસ્તવમાં બજેટ એ એક દિવસથી લઈ એક સપ્તાહની રમત કે ચર્ચાનો વિષય બની  રહેતું હોય છે. ખરેખર તો બજેટ  વિશે મોટી-મોટી ચર્ચાઓ ભલે ચાલતી, આપણે આ બજેટને ધ્યાનમાં રાખીને અથવા ધ્યાનમાં નહીં રાખીને પણ લેવા જેવા  પગલાં  વિશે વાત કરીએ જે  ખરાં અર્થમાં આપણી  માટે અચ્છે દિનના કારણ બની  શકે. આપણે અહીં આમ આદમી થી લઈ રોકાણકાર વર્ગ માટે કેટલીક  વાત કરવી છે.

બજાર ઘટે એટલે બજેટ ખરાબ માની લેવાય?

રોકાણકારોએ એક વાત ખાસ લખી રાખવી જોઈએ કે  બજેટ ભારત માટે  આર્થિક  સંજોગો અને દિશાના સંકેત સમાન હોય છે.  અગાઉના ત્રણ બજેટમાં  દિશા નકકી થતી ગઈ , પગલાં આવતા ગયા, અમલમાં મુકાતા ગયા, આ  બજેટમાં   તેના  વધુ નકકર પ્લાન્સ બનશે અને અમલની દિશામાં આગળ વધાશે. હવે આ બજેટ તે પ્લાનનો  નકકર અમલ કઈ રીતે કરે છે તે જોવાનું   આવશે. બજાર માટે બોલ્ડ રિફોર્મ્સનો અર્થ થાય લોકોને ન ગમે એવા અથવા લોકોને મોંઘા -આકરાં લાગે એવા આર્થિક સુધારા. કિંતુ શું બજાર તે પચાવી શકવા કે  સ્વીકારવા તૈયાર હોય છે? એવો સવાલ કાયમ હોય છે. કારણ કે  આમ કહેવું સહેલું હોઈ શકે, પરંતુ બોલ્ડ રિફોર્મ્સ બજારને   નીચે પણ  પાડી શકે, જેનો અર્થ લોકો  એવો કરે કે બજેટ સારું નથી,પણ  બજાર  ઘટી જાય એટલે બજેટ ખરાબ છે એમ ન કહી શકાય, બલકે આગળ જતા આ પગલાને લીધે જ ઈકોનોમી વધુ સારી કામગીરી કરવાની હોય, જેને  લીધે બજાર વધુ સુધરવાનું હોય , કિંતુ બજારની  માનસિકતા  કે સેન્ટીમેન્ટ અપેક્ષાઓ પર ચાલતા હોય છે.

બજેટની ફાઈન પ્રિન્ટ સમજવી જરૂરી

આમ તો  દરેક બજેટ પાસે આપણને ઊંચી અપેક્ષા હોય છે, આ વખતે બજેટ પાસે સૌથી વધુ ઊંચી અપેક્ષા બંધાઈ. કારણ કે મોદી અને જેટલીએ  બોલી-બોલીને સતત આશા જગાવી, એટલું જ નહીં, બજેટ પહેલા જ  સરકારે  ઢગલો વચન અને મિશન  પણ આપી દીધા છે. અલબત્ત, બજેટ પહેલા જ જીએસટી લાવીને સરકારે એક મોટી ક્રાંતિ કરી દીધી છે, એ પહેલાના વરસે ડિમોનેટાઈઝેશન મારફત તોફાન મચાવ્યું હતું, કાળા નાણાંની પાછળ પડી ગભરાટ  ફેલાવાયો હતો.  જો કે સરકાર સામે આ બધાંનો અમલ સામે હજી ઘણાં  પડકારો ઊભા છે. બજેટને આપણે કાયમ ઉપરછલ્લુ જ  જોવા-સાંભળવા-સમજવા  ટેવાયેલા છીએ.  એ પછી બજેટની ફાઈન પ્રિન્ટ સમજાતી જાય કે આપણને  વાસ્તવિકતા સમજાવાની શરૂ થાય છે. કમનસીબે બજેટની સારી વાતો આપણે તરત ભુલી જઈએ છીએ અને નરસી વાતો લાંબો સમય આપણા મનમાં છવાયેલી રહે છે. જેની અસર આપણા રોકાણ નિર્ણય પર થાય છે. અને આપણે પાછાં ટોળાના માણસો તેથી બજેટને પુરું સમજયા વિના કાં તો ખરીદવા અથવા વેચવા દોડી જઈએ અને ટોળામાં ભળી જઈએ છીએ.

શિસ્તબધ્ધ-નિયમિત  રોકાણનો અભિગમ રાખો

શેરબજારને અને તેના તમામ ખેલાડીઓને બજેટ વિશે  ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે, પરંતુ માત્ર બજેટને ધ્યાનમાં રાખી અથવા બજેટને આધારે જ રોકાણ પ્લાન કરનારાઓએ પોતાના આ ટુંકા અભિગમને છોડી દઈ નવસેરથી વિચારવાની જરૂર હોય  છે.  બજેટ એ કંપનીની બેલેન્સ શીટની જેમ દેશની બેલેન્સ શીટ સમાન છે. અર્થાત બજેટ પહેલા કે બાદ રોકાણ કરવું જોઈએ એવી વિચારધારાને બદલે માત્ર  નિયમિત શિસ્તબધ્ધ રોકાણની વિચારધારા વિકસાવવી જોઈએ, આ રોકાણ બજારને બદલે   કંપનીઓમાં, તેમના મેનેજમેન્ટમાં, તેમના બિઝનેસમાં, તેમના ભાવિમાં થવું જોઈએ. અને આમ કરતી વખતે  વેલ્યુએશન પર ખાસ  ધ્યાન રાખવું જોઈએ. બજારના સમયને કોઈ પારખી કે તેની આગાહી કરી શકતું નથી, હા, ધારણા માટે કારણો જરૂરી હોય છે. બજેટ આવા જ કારણો લઈને આવતું હોય છે. બજેટ દેશના આર્થિક -સામાજિક વિકાસ માટે અઢળક પગલાં લઈને  આવે છે, પરંતુ તેને પણ સમય તો આપવો જ પડે છે.

બજેટ સિવાયના આ ભુતકાળના વરસોને સમજવા જોઈએ

બજારને સમજવા માટે માત્ર બજેટ સમજવું જ જરૂરી નથી, કિંતુ  બદલાતા રહેતા સંજોગો અને તે સંજોગોમાં જોવા મળતી બજારની વધઘટને પણ સમજવી પડે. આ સમજ મેળવવા માટે થોડું દુરના અને થોડું  નજીકના ભુતકાળને જોઈએ  વર્ષ 2008 થી 2014 સુધીમાં દર વરસે બજેટ તો જાહેર થયા જ છે, કિંતુ  વર્ષ 2008માં શેરબજારનો સેન્સેકસ  21000 થી તુટીને 8000 આસપાસ આવી ગયો હતો,  એ પછી બજાર 8000થી 29000 ઉપર  પણ આવી ગયું હતું. એ પછી સેન્સેકસ 30000 થી 33000 પર પહોંચી જવાની વાતો પણ જોરમાં ચાલી . બજેટના બે ત્રણ વરસ બાદ સેન્સેકસ 45-50 હજાર થવાની આશા પણ વ્યકત થતી રહી છે. અહીં એ નોંધવું મહત્ત્વનું એ છે કે બજારે આ 8000થી 29000ની મુવમેન્ટ માત્ર સાત વરસમાં હાંસલ કરી હતી . જો કે કરૂણતા એ રહી  કે   8000 ના લેવલે મહત્તમ રોકાણકારો બજાર છોડી ગયા  હતા, જયારે 20-21000 વખતે મહત્તમ રોકાણકારો બજારમાં પ્રવેશ્યા હતા, પરંતુ નોંધવાની  વાત એ કે છેલ્લા એક વરસથી પણ ઓછાં સમયમાં બજાર સાતેક હજાર પોઈન્ટ ઉપર ગયું છે. આ સમયમાં  મોડે-મોડે પ્રવેશેલાને ઊંચા ભાવે પ્રવેશ મળયો છે, કિંતુ વહેલા પ્રવેશી જનાર અનેકની અગાઉની લોસ પણ રિકવર થઈ ગઈ છે.  અત્યારે  સેન્સેકસ 36 હજાર ઉપર અને નિફટી  11હજાર ઉપર ચાલી રહયો છે. બજેટને પગલે બજાર  હજી ઊંચે જઈ શકે , એ વાત સાચી , કિંતુ આમ કરવા માટે બજાર સમય પણ લેશે એ યાદ રાખી  રોકાણકારોએ લોંગ ટર્મના અભિગમ રાખવામાં જ સાર રહેશે

ફાઈનાન્સીયલ સાધનોમાં રોકાણ વધે એ માટે વિશ્વાસ અને સુરક્ષાનો માહોલ બનવો જોઈએ

માત્ર મોદી સરકાર નહીં, બલકે દરેક સરકાર વરસોથી કહેતી રહી છે કે ગોલ્ડ-પ્રોપર્ટીઝ જેવા ફીઝિકલ સાધનોમાં રોકાણ બંધ કરી લોકોએ બેંકો અથવા શેર-સિકયોરિટીઝ જેવા સાધનો તરફ વળવું જોઈએ.  અર્થાત, સરકાર બચત અને રોકાણને ફાઇનાન્સીયલ એસેટસ તરફ વાળવા મહત્તમ પ્રયાસ કરતી રહી છે, કિંતુ આ માટેનો જરૂરી માહોલ અને વિશ્વાસ ઊભો કરી શકાયો નથી. આ માટે મ્યુચ્યુઅલ ફંડ થી લઈ વિવિધ યોજના-સાધનોને પ્રોત્સાહન તો જરૂરી છે, પણ તેનાથી વધુ અવેરનેસ, શિક્ષણ અને રિઅલ પ્રોટેકશન આવશ્યક બને છે. લોકોના હાથમાં વધુ નાણાં બચત થાય એવી વ્યવસ્થા સાથે લોકોનો ફાઈનાન્સીયલ સિસ્ટમમાં ટ્રસ્ટ બેસવો જોઈએ.
યુવા અને નવી  રોજગારી વધે તેના નકકર પ્રયાસો થવા જોઈએ, સરકારી બચતો, પ્રોવિડન્ટ ફંડ-પેન્શન જેવા નાણાં પણ મુડીબજાર તરફ  વધુ  વહેતા એવા  પ્રયત્નોમાં માત્ર વાતો નહીં નકકર થવું જોઈએ. કોર્પોરેટસને મુડીબજાર નાણાં પુરા પાડે, એટલું જ નહીં, જાહેર સાહસોને પણ મુડીબજાર ભંડોળ પુરું પાડે એવું વાતાવરણ બને તો વાત જામે ,અલબત્ત, સરકાર સ્થાનિક ઉપરાંત વિદેશી   રોકાણકારોને આકર્ષવા આ વખતે વધુ નકકર પગલા ભરશે એવું લાગે  છે, ત્યારે રોકાણકારોએ સમજી જવું જોઈએ કે ભવિષ્યમાં મુડીબજારમાં કયાંથી અને કેટલું ભંડોળ આવતું રહેવાનું છે.  શેરબજારમાં સારા શેરોની અછત સર્જાઈ શકે છે, જેઓ સારા શેરો જમા કરતા જશે અને જેઓ જમા કરેલા સારા શેરો જાળવી શકશે તેમને  અવશ્ય લાભ થશે.

બજેટની 15 મુખ્ય ધારણા, આશા  અને  સંકેત

1.ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં ઊંચા રોકાણની જરૂર

2. રોજગાર સર્જનની નકકર યોજના અને તેનો અમલ થવા જોઈએ

3. મુડીબજારને તંદુરસ્ત વેગ મળે અને તેમાં રોકાણકારોની સલામતી વધે એવા પગલા આવવા જોઈએ

4. સિનીયર સિટીઝન્સને રાહત થાય એવી યોજના લાવવી જોઈએ. આ વર્ગે જોખમ લેવા ન પડે એવું આયોજન થવું જોઈએ.

5. મધ્યમ વર્ગ પોતાની બચત અને રોકાણનું  યોગ્ય આયોજન કરી શકે એવી જોગવાઈઓ કરવી જોઈએ. તેમને માત્ર શેરબજારના ભરોસે છોડી દેવા જોઈએ નહીં.

6. સીધા વેરાની ગુંચવણો અને અનિશ્રિંતતા દુર કરવી જોઈએ

7. જીએસટી સામેની દરેક સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ

8. સરકારે પોતાના તરફથી પણ ખર્ચ  અને રોકાણ વધારવા જોઈએ

9. ખાનગી ક્ષેત્રને રોકાણ માટે પ્રોત્સાહન આપવા ઘટે

10. વિદેશી રોકાણ આકર્ષવાનું  પણ જરૂરી

11. નિકાસ ક્ષેત્રને વેગ આપવાની બહુ જ જરૂર

12. રિઅલ એસ્ટેટ સેકટરનાં મંદ પડેલા વિકાસને વેગ આપવા વ્યવહારું નીતિ  આવશ્યક

13. બેંક ગ્રાહકોને વર્તમાનમાં માત્ર એક લાખ સુધીનો વીમો ઉપલબ્ધ છે, જે રક્ષણ  આ વખતે બજેટમાં વધારાય એવી શકયતા અને આશા છે.

14. આ માટે ફાઈનાન્સીયલ રિઝોલ્યુશન બિલ લાવવાનો પ્રસ્તાવ છે, કિંતુ તેની ગેસરમજથી ફેલાયેલા ગભરાટ વિશે બજેટ સ્પષ્ટતા કરશે એવા સંકેત છે.

15. શેરોના એક વરસ બાદ થતા વેચાણ પર  કેપિટલ ગેઈન ટેકસ  શુન્ય છે, જેનેઆ વખતે કરપાત્ર બનાવવાની શકયતા પણ છે, જે બજારને  નિરાશ કરી શકે, જો કે બજેટ તેની માટે એકઝેકટલી કેવી જોગવાઈ લાવે છે તેના પર આધાર રાખે છે. માત્ર અમુક પેની સ્ટોકસ કે ટી અને ઝેડ ગ્રુપ જેવા શેર માટે આમ કરાય તો વાંધો નહીં આવે.

(લેખક જાણીતા આર્થિક પત્રકાર છે)