PNB કૌભાંડઃ બેંકિંગ સીસ્ટમની ખામી સુધરે ખરી ?

પંજાબ નેશનલ બેંકમાં 11,300 કરોડનું મહાકૌભાંડ… સોશિઅલ મીડિયામાં અને ખાસ કરીને વ્હોટ્સઅપ પર રમૂજો ફરી રહી છે. દેશમાં આટલું મોટુ કૌભાંડ થાય અને બધા સોશિઅલ મીડિયામાં મઝા લઈ રહ્યા છે, કયારે દેશ જાગશે..? દેશની પ્રજામાં કયારે અવેરનેશ આવશે..? કયા સુધી બેંકિંગ સીસ્ટમની પોલમપોલનો લાભ લેવાશે..? ગુજરાતની માધવપુરા મર્કેન્ટાઈલ કો.ઓપરેટિવ બેંકના ડિફોલ્ટને યાદ કરો… તે તો કોઓપરેટિવ બેંક હતી, કેતન પારેખ જેવા લોકો કોઓપરેટિવ બેંકની સીસ્ટમનો ગેરલાભ લઈને પૈસા ઉઠાવી ગયા, અને પછી ભર્યા જ નહી, અંતે બેંક ડિફોલ્ટ થઈ. તે પછી આરબીઆઈએ સખત પગલા લીધા અને બેંકિંગની ખોખલી સીસ્ટમ સામે વાંધા ઉઠાવ્યા હતા, આરબીઆઈએ કોઓપરેટિવ બેંકો સામે સખ્તી કરી હતી, પણ આ પંજાબ નેશનલ બેંક તો શિડ્યુલ બેંક હતી, તો પછી કેવી રીતે કૌભાંડ આચાર્યુ..? તમારા આધારકાર્ડને બેંકના નાના ખાતા સાથે જોડવાની ઝુંબેશ ચાલે છે, નાના ખાતેદારને હેરાન કરાય છે, તો નીરવ મોદી જેવાના આધાર કાર્ડ બેંકના ખાતા સાથે એટેચ થયા કે નહીે તે કોણ જોશે.

પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડ પછી એવા અનેક સવાલો ઉભા થયા છે, કે તેનો કોઈની પાસે જવાબ નથી. સીબીઆઈ, સીવીસી, નાણાં મંત્રાલય, આરબીઆઈ જેવી તપાસ એજન્સીઓ તપાસ કરશે, અને કૌભાંડીઓ તો દેશ છોડીને ભાગી ગયા છે. હવે શું… સીસ્ટમની ખામીઓ સુધરશે ખરી ? તે પણ અતિમહત્વનો સવાલ છે.

નીરવ મોદીની ‘મોદી’ અટકને કારણે કોંગ્રેસ ગેલમાં આવી જઈને આક્ષેપો કરી રહી છે, તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ પણ હલ્લો કર્યો છે. દર વખતે આવા કૌભાંડ બહાર આવે ત્યારે રાજકીય રીતે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થાય છે, પણ કોઈ તે કૌભાંડ કેમ થયું, કેવી રીતે થયું, તેની શું ખામી હતી, નિયંત્રક સંસ્થા તરીકે આરબીઆઈએ શું ધ્યાન રાખ્યું, પંજાબ નેશનલ બેંકના ઓડિટમાં કેમ આ બાબત બહાર ન આવી, આવી બધી બાબત વિસરાઈ જાય છે. કૌભાંડની બે દિવસ ચર્ચા ચાલશે, પછી બધાં ભૂલી જશે. પણ હાલ તો કોંગ્રેસ અને ભાજપ આમનેસામને આવી ગયા છે.કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલીને જાણકારી વગર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીની બરાબર ચુટકી લીધી હતી. તો સામે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને વળતો હૂમલો કર્યો હતો. રાહુલ ગાંધી આ જ્વેલરી ગ્રુપના પ્રમોશન ઈવેન્ટમાં સામેલ થયા હતા. નીરવ મોદીએ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને ફાયદો પહોંચાડ્યો છે. નિર્મલા સીતારમને વધુમાં કહ્યું હતું કે ફાયર સ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રા.લી. નીરવ મોદીની કંપની હતી, તેમણે તેને અદ્વેત હોલ્ડિંગમાં ખરીદી કરી હતી. અદ્વેત હોલ્ડિંગમાં 2002માં કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીની પત્ની અનિતા સિંઘવી શેરહોલ્ડર હતી. કોંગ્રેસના નેતાઓએ ગીતાજંલી કંપનીને પ્રમોટ કરી છે, અને તેને બિલ્ડીંગ પણ આપી હતી. નીરવ મોદીની કંપનીને લોન આપવાની શરતો હળવી પણ કોંગ્રેસે જ કરી આપી હતી.

જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે આપણા દેશનો ચોકીદાર છે તે પકોડા બનાવવાની સલાહ આપી રહ્યા છે. આજ પરિસ્થિતિમાં ચોકીદાર સૂઈ ગયો છે, અને ચોર ભાગી ગયો છે. પીએમ મોદી તેમની સાથે સત્તાવાર ટ્રાવેલ કરનારાના નામ કેમ જાહેર કરતાં નથી. શું ઈઝ ઓફ ડુંઈગની વાત પીએમ કરશે. દાવોસમાં પીએનબી સ્કેમના મુખ્ય આરોપી નીરવ મોદીનો ફોટો પીએમ મોદી સાથે છે, તે ખુલાસા પછી આ ફોટા વાયરલ થયો હતો. અને આ ફોટાને આધારે કોંગ્રેસે ભાજપ પર હૂમલો કર્યો હતો.

આ તો થઈ ભાજપ અને કોંગ્રેસના રાજકારણની… પણ હવે સીરીયસ વાત. પીએનબી કૌભાંડ જેવું બહાર આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તપાસ એજન્સીઓએ ફટાફટ તપાસ શરૂ કરી છે. સીબીઆઈ, ઈન્ટરપોલ, ઈડી, સીવીસી, આરબીઆઈ, ફાઈનાન્સ મીનીસ્ટ્રી વિગેરે એક્શનમાં આવી ગયા છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટ રદ કર્યા છે, અને તેના આઉટલેટ્સ પર દરોડા પાડ્યા છે. સેબી પણ તપાસમાં જોડાઈ છે. સીબીઆઈએ પીએનબીના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ તો એક્શનની વાત, પણ શું નીરવ મોદી અને મેહુલ ચોકસી પકડાશે ખરા… પીએનબીના ડુબેલા પૈસાનું શું થશે. બેંકિંગ સીસ્ટમની ખામીઓનું શું થશે, આ મુદ્દા પર રાજકીય પક્ષો વિચારે અને કડક કાયદા બનાવે.આરબીઆઈનું કોઈપણ બેંક પર નિયંત્રણ નથી. ખાનગી બેંકો અને સરકારી બેંકો ખાતેદારો પાસેથી આડેધડ ચાર્જિસ વસુલ કરે છે, ખાતેદાર રજૂઆતો કરીને થાકી ગયા, કોઈ સાંભળનાર નથી. નાના નાના ખાતેદારો પાસેથી અનેકવિધ ચાર્જિસ વસુલે છે, અને આવા માટા કૌભાંડીઓ બેંકોનું કરી ગયા, તો શું થયું. દેશ જાણે છે, અને આગામી દિવસોમાં શું થશે, તે પણ જાણવા મળશે. ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવો ઘાટ ઘડાયો છે.

હજી તો સૌથી મોટી વાત સામે આવી છે તે એ છે કે રોઇટર્સનો રીપોર્ટ છે કે આ બેંકોનું કૌભાંડ 11,000 કરોડ નહીં પણ 60,000 કરોડનું છે. પીએનબીનું કૌભાંડ બહાર આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. પીએનબી અને ગીતાજંલી જેમ્સ સહિત જ્વેલર્સ ઉદ્યોગના શેરમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને સતત ત્રણ ટ્રેડિંગ સેશનમાં કડાકો બોલી ગયો હતો, જેને પગલે રોકાણકારોની રુપિયા 9500 કરોડની મૂડીનું ધોવાણ થયું છે. રોકાણકારો સવાલ પુછી રહ્યા છે કે આની ભરપાઈ કોણ કરશે ?

અગાઉના વર્ષોમાં વિદેશમાં બેંકો ડિફોલ્ટ થઈ ત્યારે તમામ દેશ પર તેની વિપરીત અસર થઈ હતી, ભારત જ એક એવો દેશ હતો કે તેની બેંકિંગ નીતિના વખાણ થયા હતા, ત્યારે આરબીઆઈએ મૂંછ પર તાવ આપ્યો હતો. પણ હવે ભારતમાં જ બેંક ફ્રોડ થયો છે, તો હવે આરબીઆઈ શું કહેશે.?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]