પેપ્સીકોનાં CEO પદેથી ઈન્દ્રા નૂયી વિદાય લેશે

અમેરિકાની વિશ્વવિખ્યાત ફૂડ એન્ડ બેવરેજ કંપની પેપ્સીકો કંપનીએ જાહેરાત કરી છે કે એમનાં ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ઈન્દ્રા નૂયી આવતી 3 ઓક્ટોબરે હોદ્દા પરથી રાજીનામું આપશે.

62 વર્ષનાં અને ભારતીય મૂળનાં નૂયી 12 વર્ષ સુધી આ હોદ્દા પર રહ્યા બાદ રાજીનામું આપશે.

ઈન્દ્રા નૂયી કંપનીના ચેરમેન પણ છે અને 2019ના આરંભ સુધી આ પદે ચાલુ રહેશે.

નૂયી આ કંપની સાથે 24 વર્ષથી છે.

સીઈઓ પદે એમનાં અનુગામી બનશે પ્રેસિડન્ટ રેમન લેગ્વાર્ટા. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે એમને નૂયીનાં અનુગામી તરીકે ચૂંટી કાઢ્યા છે. તેઓ 3 ઓક્ટોબરથી એમનો હોદ્દો સંભાળી લેશે.

ઈન્દ્રા નૂયી અને એમનાં અનુગામી બનશે રેમન લેગ્વાર્ટા

લેગ્વાર્ટા 22 વર્ષથી પેપ્સીકો સાથે છે અને ગયા સપ્ટેંબરથી કંપનીના પ્રેસિડન્ટ પદે છે. તેઓ ગ્લોબલ ઓપરેશન્સ, કોર્પોરેટ સ્ટ્રેટેજી, પબ્લિક પોલિસી અને સરકારને લગતી બાબતોની કામગીરી સંભાળે છે.

નૂયીની વિદાય છતાં પેપ્સીકોની બાકીની સિનિયર લીડરશિપ ટીમ યથાવત્ રહેશે, એમ કંપનીએ નિવેદનમાં કહ્યું છે.

નૂયીએ કહ્યું છે કે હું ભારતમાં ઉછરી છું અને પેપ્સીકો જેવી અસાધારણ કંપનીનું નેતૃત્ત્વ મળવાની તક મને સાંપડશે એવી મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. પેપ્સીકો આજે મજબૂત સ્થિતિમાં છે. એનો વૃદ્ધિવિકાસ યથાવત્ છે અને એનું ભવિષ્ય ઉજ્જવળ છે.

ઈન્દ્રા નૂયીએ 1976માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (MBA) પૂરો કર્યો હતો. એમણે 1978માં યોલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી પબ્લિક એન્ડ પ્રાઈવેટ મેનેજમેન્ટ ડિગ્રી હાંસલ કરી હતી. ત્યારબાદ તેઓ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપમાં જોડાયાં હતાં અને તે પછી મોટોરોલા અને એશિયા બ્રાઉન બોવેરી કંપનીઓમાં સ્ટ્રેટેજી હોદ્દાઓ સંભાળ્યા હતા. ત્યારબાદ તેઓ પેપ્સીકોમાં જોડાયાં હતાં.