જીડીપી તો વધ્યો, પણ તૂટતો રુપિયો અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવનું શું?

મામ એજન્સીઓની ધારણાને ખોટી પાડીને ભારતનો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરનો જીડીપી શાનદાર રીતે વધીને 8.2 ટકા રહ્યો છે. મોદી સરકાર માટે ખૂબ જ આનંદના સમાચાર છે, તેની સામે વિરોધ પક્ષો પેટ્રોલ-ડીઝલ, રૂપિયાની નબળાઈ અને નોટબંધીના મુદ્દે મોદી સરકાર પર માછલાx ધોઈ રહી છે, ત્યાં જીડીપીનો આંક જાહેર થયો, જેથી વિપક્ષોની હવા નીકળી ગઈ છે. વિપક્ષોએ વિરોધ કરવા માટે નવા મુદ્દા શોધવા પડશે. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા દેશનો જીડીપી ગ્રોથ રેટ આ રીતે ધારણા કરતાં વધુ વધી 8.2 ટકા આવે તો વિપક્ષોમાં તો સોપો જ પડી જાય ને… પણ જીડીપી વધીને આવ્યો તે તો દેશ માટે સારી જ વાત છે, પણ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે ચર્ચા કરવી જોઈએ કે ભારતીય ઈકોનોમી કેટલી મજબૂત છેઈકોનોમીના પેરામીટર્સમાં સૌપ્રથમ જીડીપી ગ્રોથ આવે છે, તે તો પોઝિટિવ આવ્યો છે, પણ તેની સાથે સાથે અનેક બાબતો એવી છે, કે જે ઈકોનોમીને બુસ્ટ આપી શકે છે, અને નુકશાન પણ કરી શકે છે. જેથી આપણે જીડીપી ગ્રોથ જોઈએ હરખાવા જેવું નથી. કેમ કે ભારતમાં હજીય કેટલાક ફેકટર્સ નેગિટિવ છે, જેને કેન્દ્ર સરકારે ટેક્લ કરીને સુલઝાવવા પડશે, નહી તા લાંબાગાળે આ ફેકટરની નેગેટિવ અસર જીડીપી ગ્રોથ પર પડી શકે છે.

જીડીપી ગ્રોથ વધ્યો પણ સામે નેગેટિવ ફેકટર છે….

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા જતા ભાવઃ હાલ ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલની કિમત 69.80 ડૉલર છે અને બ્રેન્ટ ક્રૂડ 77.42 ડૉલર છે. ક્રૂડના ભાવ પાંચ મહિનાની ટોચે પહોંચ્યાં છે.

(2) ક્રૂડના ભાવ વધે એટલે ક્રૂડની આયાત કરતા દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધે.

(3) ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. દિલ્હીમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ રુપિયા 78.57 અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ રુપિયા 85.98 છે. (આ ભાવ 30 ઓગસ્ટ, 2018ના રોજના છે)

(4) ડીઝલનો લીટર દીઠ ભાવ દિલ્હીમાં રુપિયા 70.26 અને મુંબઈમાં રુપિયા 74.59 છે. (આ ભાવ 30 ઓગસ્ટ, 2018ના રોજના છે)

(5) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રુપિયો વધુ ઝડપી તૂટીને 71ના ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે.

(6) ભારતીય રુપિયામાં એક વર્ષમાં 10 ટકા ધોવાણ થયું છે, અને છેલ્લાં 4 વર્ષમાં 15 ટકાનો કડાકો બોલી ગયો છે.

(7) આરબીઆઈના રીપોર્ટ અનુસાર નોટબંધીમાં 99 ટકા કરન્સી પાછી આવી ગઈ છે, જેથી એમ કહેવાય કે રુપિયા 500 અને 1000ની નોટબંધી નિષ્ફળ ગઈ છે.

(8) અમેરિકા અને ચીનના ટ્રેડવૉરને કારણે કરન્સી વૉર પણ જોવા મળ્યું છે, જેથી જ ભારતીય રુપિયો તૂટયો છે.

(9) અમેરિકા હજી વ્યાજદરમાં વધુ વધારો કરે તેવી શકયતા જોવાઈ રહી છે.

(10) જ્યારે જ્યારે રુપિયો નબળો પડ્યો છે, ત્યારે મોંઘવારી વધી છે. વિદેશમાં એજ્યુકેશન લેવા જવાનું મોંઘુ થશે, ફરવા જવાનું મોંઘુ થશે, ટ્રાવેલિંગ વખતે શોપિંગ કરવાનું મોંઘુ થશે, આયાત થતી ઈલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ મોંઘી થશે.

(11) રુપિયો નબળો પડે તો ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો થાય અને તેની વિદેશી રોકાણ પર નેગેટિવ અસર પડે છે.

(12) ફોરેક્સ બોરોઈંગથી કંપનીઓ પર બોજો વધશે, જો કે ડૉલર મજબૂત થતાં આઈટી કંપનીઓને ફાયદો થશે

 

જો આ તમામ ફેકટર પર અંકુશ મેળવવામાં નહી આવે તો ફૂગાવો વધી શકે છે. જીડીપી ગ્રોથ વધીને આવ્યો તેનો ફાયદો ત્યારે જ મળે કે જ્યારે મોંઘવારી કાબુમાં હોય. કેન્દ્ર સરકારે આર્થિક નિષ્ણાતોની ટીમ સાથે ચર્ચા કરીને ડૉલર સામે રૂપિયાને તૂટતો અટકવવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે મિડિયા સાથેની વાતચીતમાં રૂપિયો તૂટતા મનમોહન સિંહ સરકારની ટીકા કરી હતી, તે વિડિયો હાલ વાઈરલ  થયો છે, ત્યારે હવે ખુદ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે, તો તેમણે રૂપિયાને તૂટતો અટકાવવા માટે પગલા લેવા જોઈએ. તેની સાથે પેટ્રોલ ડીઝલના ભાવની પણ વાત આવી જાય છે.

2019ની લોકસભાની ચૂંટણી પહેલા જીડીપી ગ્રોથ રેટ વધીને આવ્યો છે, તે મોદી સરકાર માટે આનંદના સમાચાર છે, પણ સામે તૂટતો રૂપિયો અને પેટ્રોલડીઝલના વધતા ભાવ એ તેમના માટે સરદર્દ છે, તેનો તેમણે તાત્કાલિક પણ ઉકેલ શોધવાની જરૂર છે. આ ઉકેલ મળશે તો ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત ગતિએ આગળ વધશે અને જીડીપી ગ્રોથ 10 ટકા ઉપર નીકળી જવામાં કોઈ કચાશ બાકી નહી રહે.

કેન્દ્રીય નાણાં સચીવે હસમુખ અઢિયાએ એમ કહ્યું હતું કે જીએસટી જેવા સંખ્યાબંધ આર્થિક સુધારા કર્યા તેના ફળ હવે મળવા લાગ્યા છે. જીએસટી કલેક્શન વધ્યું છે, પણ સામે જુલાઈ-2018માં રાજકોષીય ખાદ્ય બજેટના અંદાજના 86.5 ટકા રહી છે. જીએસટીની આવકમાં વધારો થવાથી ફિસ્કલ ડેફિસીટ થોડા ઘણા અંશે ઓછી વધી છે. જે ઈકોનોમી માટે પોઝિટિવ ગણાય છે.

જીડીપીના શાનદાર દેખાવની સાથે સાથે….

–     જીડીપી એપ્રિલથી જૂન કવાર્ટરમાં વધીને 8.2 ટકા આવ્યો, જે 15 મહિનાની ઊંચી સપાટીએ રહ્યો

–     જાન્યુઆરીથી માર્ચ 2018 દરમિયાન જીડીપી 7.7 ટકા રહ્યો હતો.

–     ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેન્યુફેકચરિંગ અને ફાર્મા સેકટરનો દેખાવ ખૂબ જ ઉજળો રહ્યો છે.

–     2015-16ના જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં જીડીપી 9.3 ટકા સૌથી ઊંચો હતો.

–     એપ્રિલ-જૂન 2017માં જીડીપી 5.6 ટકા સૌથી ઓછો હતો.

–     રોઈટર્સના અર્થશાસ્ત્રીઓના મતે જીડીપી 7.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.

–     આરબીઆઈએ 2017-18ના વર્ષ માટે બુધવારે જાહેર કરેલ વાર્ષિક રીપોર્ટમાં અનુમાન દર્શાવ્યું છે કે 2018-19માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.4 ટકા રહેશે. પણ આરબીઆઈના અનુમાન કરતાં જીડીપી વધુ ઝડપી વધ્યો છે.

–     ચીનનો બીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.7 ટકા રહ્યો છે. (ચીનમાં જાન્યુઆરીથી ડિસેમ્બરનું કેલેન્ડર વર્ષ ચાલે છે.)

–     ભારતનો ગ્રોથ રેટ ચીન કરતાં પણ આગળ રહ્યો છે, જે ભારત માટે ગૌરવની વાત છે.

–     વિશ્વ બેંકના આંકડા મુજબ જોઈએ તો આ વર્ષ ભારત 2.6 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીની સાથે ફ્રાન્સને પછાડીને દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.

 

કેન્દ્ર સરકાર જીડીપી ગ્રોથ રેટ વધે તો ગૌરવ લે છે, તેમ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડીને અને રૂપિયાને હવે વધુ તૂટતો અટકાવે તો સોને પે સુહાગા થઈ જાય તેમ છે. મોદી સરકારે આ બે જ બાબતો પણ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂરિયાત છે. જો 2019નું લોકસભાનું ઈલેક્શન જીતવું હશે તો…