ફોર્બ્સ “ઈન્ડિયા રિચ લિસ્ટ 2017″માં ટોપ અંબાણી

ફોર્બ્સ દ્વારા ઈન્ડિયા રીચ લિસ્ટ 2017 જાહેર કરવામાં આવ્યું છે. વિભિન્ન ક્ષેત્રોમાં વ્યવસાય કરનારી કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના માલિક મુકેશ અંબાણીએ સતત 10મા વર્ષે ભારતના સૌથી ધનવાન વ્યક્તિનુ સ્થાન જાળવી રાખ્યું છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વધીને 38 અબજ ડોલર એટલે કે 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આર્થિક સુસ્તી બાદ પણ 100 અમીર લોકોની સંપત્તિમાં 26 ટકાનો વધારો થયો છે.
અમીરોની સંપત્તિનું આકલન કરનારા ફોર્બ્સ મેગેઝિન દ્વારા વાર્ષિક સૂચિ ઈન્ડિયા લિસ્ટ 2017માં આ જાણકારી આપવામાં આવી છે.  દેશની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના અઝીમ પ્રેમજી 19 અરબ ડોલરના નેટવર્થ સાથે દ્વિતીય સ્થાને આવ્યાં છે. અઝીમ પ્રેમજી ગત વર્ષની તુલનામાં બે સ્થાન આગળ આવ્યાં છે. દવા બનાવનારી કંપની સન ફાર્માના દિલીપ સંઘવી 12.1 અરબ ડોલરની સંપત્તિ સાથે નવમા સ્થાન પર આવ્યાં છે. તેઓ ગત વર્ષે આ લિસ્ટમાં બીજા સ્થાન પર હતાં.

ફોર્બ્સે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન મોદીના આર્થિક પ્રયોગોની સામાન્ય અસર ભારતના અબજપતિઓ પર પડી છે. છેલ્લાં એક વર્ષની જો વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 15.3 અરબ ડોલર એટલે કે 67 ટકા જેટલો વધારો થયો છે અને એટલે જ મુકેશ અંબાણી પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવાની સાથે જ એશિયાના ટોચના પાંચ અમીર લોકોના લિસ્ટમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છે. તો મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અમીરોના લિસ્ટમાં છેક 45માં સ્થાને પહોંચી ગયા છે. અનિલ અંબાણીની સંપત્તિ 3.15 અરબ ડોલર આંકવામાં આવી છે. ગત વર્ષે તેઓ 32મા સ્થાન પર હતાં અને 2015ના લિસ્ટમાં તેઓ 29માં સ્થાન પર રહ્યાં હતાં.

તો આ સિવાય યોગગુરૂ બાબા રામદેવના સહયોગી તરીકે જાણીતા પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ મોટી છલાંગ લગાવીને 6.55 અરબ ડોલર એટલેકે 43 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 19માં સ્થાન પર પહોંચી ગયાં છે. ગત વર્ષની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે ફોર્બ્સના લિસ્ટમાં આચાર્ય બાલકૃષ્ણ 48માં સ્થાને હતાં. ફોર્બ્સે જણાવ્યું કે ભારતની આર્થિક સ્થિતિમાં નરમાશ આવી છે આમ છતાં પણ રિચ લિસ્ટ 2017માં સમાવિષ્ટ અમીરોની સંપત્તિમાં તો સંયુક્તપણે 26 ટકા જેટલો વધારો થયો છે અને તે 479 અરબ ડોલર એટલે કે 31 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે.

ફોર્બ્સે જણાવ્યું કે ભારતની તેજ ગતિથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા પર ગત વર્ષે નવેમ્બર માસમાં થયેલી નોટબંધી બાદ થોડી બ્રેક લાગી ગઈ હતી અને જૂનમાં સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદર ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તર પર એટલે કે 5.7 ટકા જેટલો થઈ ગયો હતો. આમ છતાં પણ શેરબજારોએ ઘણી નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી જેના કારણે ભારતના ટોચના 100 ધનવાન લોકોની સંપત્તિમાં વધારો થયો.