ઑનલાઈન ખરીદી વધતાં ઈ કોમર્સ કંપનીઓની દીવાળી સુધરશે

વરાત્રિના પ્રારંભ સાથે જ દિવાળીના તહેવારોની બજારોમાં ઘરાકીનો પ્રારંભ થઈ ગયો છે. ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં સારું ગયું છે, આથી દીવાળી રંગેચંગે ઉજવાશે. બજારોમાં ઘરાકી તો ખરી… પણ ઈ કોમર્સ કંપનીઓને ઑનલાઈન વેચાણમાં અનેકગણો વધારો થશે. હવે ઑનલાઈન ખરીદીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. તાજેતરમાં જ નવરાત્રિ શરૂ થતાંની સાથે જ ઈ કોમર્સ કંપનીઓનું રૂપિયા 9000 કરોડનું વેચાણ થયાના આંકડા પ્રસારિત કરાયાં હતાં. જેના પરથી સ્પષ્ટ થાય છે કે દશેરા પછી સેલેરી અને બોનસ છૂટું થતાં આ ઘરાકીમાં નોંધપાત્ર વધારો થશે.

તાજેતરમાં રીપોર્ટ આવ્યો હતો  કે ઈ કોમર્સ કંપનીઓને 20-24 સપ્ટેમ્બર સુધીના 5 દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાયું છે. રેડસીરના સર્વેમાં જાણવા મળ્યું છે કે  આ કંપનીઓને રૂપિયા 9000 કરોડનું વેચાણ થયું છે. તેમાં સરખામણી કરતાં ટાંકયું છે કે વીતેલા વર્ષની સરખામણીએ આ વેચાણ વાર્ષિક ધોરણે 40 ટકા વધારે છે. આ વેચાણમાં ફ્લિપકાર્ટનો હિસ્સો 58 ટકા રહ્યો છે. એમઝોનનો હિસ્સો 26 ટકા રહ્યો છે.

ઈ કોમર્સ કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે 20થી માંડીને 50 ટકા સુધીના લોભામણા ડિસ્કાઉન્ટ ઓફર કર્યા છે, તેમણે ગત વર્ષ કરતાં આ વર્ષે જાહેરાત ખર્ચના બજેટમાં પણ ખાસ્સો વધારો કર્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસથી અખબારો ફુલ પેઈજની જાહેરાતોથી ચમકી રહ્યા છે. ઈ કોમર્સ કંપનીઓ માટે મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝની સાથે ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ તેમજ કાપડનું ખુબ જ મોટું માર્કેટ છે, તેમાં ઑનલાઈન ખરીદી કરનારાની સંખ્યા ઉતરોત્તર વધી રહી છે. ઈ કોમર્સ કંપનીઓ દ્વારા વિવિધ કંપનીઓની અનેક પ્રોડક્ટની વિશાળ શ્રેણી મોબાઈલમા એપ દ્વારા રજૂ કરાયા છે. ગ્રાહકોને વધુ ચોઈસ પણ મળી રહે છે, તેમજ સસ્તી પણ… જેથી તેમાં કોઈ બાર્ગેઈન કરવાનો કોઈ સવાલ આવતો નથી. છેતરાવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એમઆરપી કરતાં ઓછી કીમતો… ફેસ્ટીવલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ગ્રાહકો ઈ કોમર્સ કંપનીઓ તરફ વળે તે માનવ સ્વભાવમાં છે. બીજુ દીવાળીની ખરીદી કરવા માર્કેટ અને શોપિંગ મૉલમાં ભારે ભીડ જામે છે, ભીડભાડમાં ખરીદી કરવાની અને તે સામાન ઊંચકીને ઘરે લાવવાનો… ઑનલાઈન ખરીદીમાં આ વધી ઝંઝટમાંથી મુક્તિ મળે છે. જેથી લોકો ઑનલાઈન શોપિંગનું ઓપ્શન વધારે પ્રિફર કરે છે.

દિવાળીના તહેવારો અગાઉ ઈ કોમર્સ કંપનીઓએ આપેલી ડિસ્કાઉન્ટ ઓફરને કારણે ઈ કોમર્સ કંપનીઓની તો દીવાળી સુધરી જવાની છે. પણ સામે ગ્રાહકોને ફાયદો થશે. તેની સામે બજારમાં અને શોપિંગ મૉલનો ખર્ચ લઈને બેઠેલા વેપારીઓ કે ઉદ્યોગપતિઓને આ વર્ષે માર પડશે. ઘરાકી જોઈએ તેટલી નહી મળે. તેમનો ધંધો ઈ કોમર્સ કંપનીઓ લઈ જશે. ઈ કોમર્સ કંપનીઓ સામેની હરિફાઈમાં ટકવા માટે શોપિંગ મૉલવાળાઓએ પણ ડિસ્કાઉન્ટ ઓફર આપવી જ પડશે. નહી તો દીવાળી બગડી સમજો…