નીરવ મોદીમાંથી ‘નીરવ ફ્રોડ’: પ્રતિષ્ઠિત જ્વેલરમાંથી બન્યા ભાગેડૂ…

નીરવ મોદી ને કરોડો રૂપિયાની છેતરપીંડીના કેસના સંબંધમાં ભારતની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીઓ શોધી રહી છે. પંજાબ નેશનલ બેન્કની મુંબઈ સ્થિત એક શાખા સાથે રૂ. 11,500 કરોડ જેટલી રકમની કરાયેલી છેતરપીંડી-કૌભાંડ કેસમાં 48 વર્ષીય નીરવ મોદી મુખ્ય આરોપી છે. હાલ તેઓ ભારતમાંથી ફરાર છે. આ નીરવ મોદી યુવાન વયના હતા ત્યારથી ભારતના અગ્રગણ્ય જ્વેલર તરીકે પ્રખ્યાત થયા હતા.

નીરવ મોદીને તો મ્યુઝિક કન્ડક્ટર બનવું હતું, પરંતુ ભાગ્યએ એમને હીરાનાં બિઝનેસમાં મૂકી દીધાં. જોકે આ બિઝનેસમાં આવતાવેંત એમણે સફળતાની સીડી ઝડપથી ચડવા માંડી અને ટોચ પર પહોંચી ગયા.

ત્યાં પરિસ્થિતિએ વળાંક લીધો અને હવે તેઓ રૂ. 11,500 કરોડના છેતરપીંડી-કૌભાંડમાં સંડોવાઈ ગયા છે. એમની સામે સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે તપાસ આદરી છે.

નીરવ મોદીનું સામ્રાજ્ય આટલું ઝડપથી કેમ ધ્વસ્ત થયું?

નીરવ મોદી મૂળ ગુજરાતી, પણ એમનો જન્મ અને ઉછેર થયો હતો દુનિયાના ડાયમંડ પાટનગર ગણાતા એન્ટવર્પ શહેરમાં (બેલ્જિયમ). નીરવ જાણીતા ડાયમંડ બ્રોકર પરિવારમાંથી આવે છે. એમનો પરિવાર વર્ષોથી ડાયમંડના બિઝનેસમાં છે.

19 વર્ષની વયે નીરવ વ્હાર્ટનમાંથી ડ્રોપઆઉટ થયા હતા અને એમના મામા મેહુલ ચોક્સીની સાથે ડાયમંડના બિઝનેસ (ગીતાંજલિ જેમ્સ)માં જોડાઈ ગયા હતા.

ગીતાંજલિ જેમ્સમાં 9 વર્ષ સુધી રહીને નીરવ મોદીએ પોતાની બ્રાન્ડનો પાયો નાખ્યો હતો.

આ બંને મામા-ભાણેજ અને હીરાના ઉદ્યોગપતિઓ વિદેશોમાંથી કાચા હીરાની ભારતમાં આયાત કરતા હતા.

નીરવ મોદીની પહેલી કંપનીનું નામ હતું – ફાયરસ્ટાર. ડાયમંડ સોર્સિંગ-ટ્રેડિંગ કંપનીની સ્થાપના એમણે 1999માં કરી હતી.

તે છતાં નીરવ ડિઝાઈનીંગ તરફ વળ્યા હતા અને 2009માં એક મિત્રની સલાહ પરથી એમણે પહેલી જ વાર ઈયરિંગ્સ બનાવ્યા હતા. એ પછીના એક જ વર્ષમાં નીરવ ક્રિસ્ટીઝ ઓક્શન કેટલોગમાં ચમક્યા હતા. એમણે ડિઝાઈન કરેલો ગોલકોન્ડા નેકલેસ ઓક્શનમાં 3.56 મિલિયનમાં વેચાયો હતો.

પોતાની હીરાની બ્રાન્ડને પોપ્યૂલર બનાવવા માટે નીરવ મોદીએ દેશની અનેક ટોચની મોડેલ્સ તથા બોલીવૂડની અભિનેત્રીઓને રોકી હતી. તેઓ પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર, કરીના કપૂર, નિમ્રત કૌર જેવી અભિનેત્રીઓ સાથે તસવીરો પડાવતા હતા, પોતાના ફેશન શો તથા પાર્ટીઓમાં આમંત્રિત કરતા હતા.

નીરવ મોદી એમની જ્વેલરી બ્રાન્ડ ‘નીરવ મોદી’ માટે અનેક મોડેલ્સ અને અભિનેત્રીઓ પાસે મોડેલિંગ કરાવતા હતા.

નીરવે એમની જ્વેલરી બ્રાન્ડની સ્થાપના 2010માં કરી હતી. મુંબઈ અને દિલ્હી ઉપરાંત વિદેશોમાં ન્યૂ યોર્ક, લંડન અને હોંગ કોંગ સહિત અનેક મોટાં શહેરોમાં એમના 16 જ્વેલરી સ્ટોર્સ છે.

2015ની સાલ સુધીમાં દુનિયાભરમાં 100 જેટલા સ્ટોર્સ શરૂ કરવાની એમની યોજના હતી.

નીરવ મોદીની બ્રાન્ડના ઝવેરાતની ખરીદીની શોખીન બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ ઉપરાંત ઘણા ઉદ્યોગપતિઓની પત્નીઓ પણ રહી ચૂકી છે.

જ્વેલરી બિઝનેસમાં પ્રાપ્ત કરેલી જોરદાર સફળતાને પગલે ફોર્બ્સ મેગેઝિને 2017માં બહાર પાડેલી ભારતના ટોચના ધનકુબેરોની યાદીમાં નીરવને સ્થાન આપ્યું હતું. એ યાદીમાં નીરવ મોદીનો નંબર વિશ્વમાં 1,234મો, ભારતમાં 95મો હતો.

નીરવની સંપત્તિનો અંદાજિત આંક 110 અબજ રૂપિયા છે.

ગયા જાન્યુઆરીના અંતમાં, સીબીઆઈએ એક ફરિયાદને પગલે તપાસ શરૂ કરી હતી. એ ફરિયાદમાં જણાવાયું હતું કે પંજાબ નેશનલ બેન્કની મુંબઈની બ્રાન્ચમાંથી કેટલાક અધિકારીઓ સાથે મળીને રૂ. 11,400 કરોડનું મની-લોન્ડરિંગ કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાં નીરવ મોદીનો હાથ છે. પંજાબ નેશનલ બેન્કના સૂત્રોનો દાવો છે કે નીરવ મોદીએ એમની બેન્ક પાસેથી રૂ. 2000 કરોડ લીધા હતા અને મેહુલ ચોક્સીએ રૂ. 9000 કરોડ લીધા હતા.

સીબીઆઈ દ્વારા એક કેસમાં હાલ ચલાવવામાં આવી રહેલી તપાસમાં ચોક્સી પણ એક આરોપી છે. પીએનબીનો દાવો છે કે ગીતાંજલીએ ગેરન્ટી અથવા કમ્ફર્ટ લેટર્સ હાંસલ કર્યા હતા. જોકે ગીતાંજલીનો જવાબ છે કે મેહુલ ચોકસી નીરવ મોદીના કૌભાંડમાં સંડોવાયેલા નથી.

2014ની સાલથી ઈમ્પોર્ટેડ ડ્યૂટી-ફ્રી ડાયમંડ્સના ડાઈવર્ઝન સહિત અનેક પ્રકારની છેતરપીંડીઓના કેસમાં નીરવ મોદી સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, ઈન્કમ ટેક્સ વિભાગ તથા ડીઆરઆઈ જેવી એજન્સીઓની નજરમાં હતા.

ગયા જાન્યુઆરીમાં એફઆઈઆર નોંધવામાં આવી એ પહેલાંથી જ નીરવ મોદી દેશમાંથી ભાગી ગયા હતા. એમને ભાગવામાં રાજકીય મદદ મળી હોવાની અટકળો છે.