વચગાળાના નાણાંપ્રધાન વચગાળાનું બજેટ કેવું આપશે?

હેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ થશે. વર્તમાન મોદી સરકારનું આ છઠ્ઠું બજેટ છે, મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી કેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ નહીં કરી શકે, આથી નાણાંપ્રધાન ઈન્ટરીમ બજેટ રજૂ કરશે.નાણાંપ્રધાન અરૂણ જેટલીની સારવાર ચાલુ હોવાથી તેમના સ્થાને વચગાળાના નાણાંપ્રધાન પિયુષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરે તેવી શક્યતા વધારે છે.

હવે આ બજેટ કેવું હશે, તે સવાલ સર્જાયો છે. કારણ કે એનડીએ સરકારને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળી છે, તે હાર પછી તેઓએ જે ચિંતન કર્યું છે, તે ચિંતનના પરિણામ સ્વરૂપ નવાં પગલાં કે રાહતો વચગાળાના બજેટમાં હશે. મોદી સરકારના પાંચ બજેટમાં નોંધપાત્ર કહી શકાય તેવી કોઈ રાહતોની જાહેરાત થઈ નથી, કે જેનાથી ખેડૂત કે મધ્યમવર્ગ કે ગરીબ વર્ગને સીધો ફાયદો થયો. માત્ર વિકાસની વાતો કરીને બોજો વધાર્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં યેનકેન પ્રકારેણ જીત મેળવવા માટે જનતાને રાહતો આપવી જ પડશે, તે ન્યાયે એનડીએ સરકાર વચગાળાના બજેટને ખૂબ જ લોકપ્રિય બનાવશે. એકપણ રૂપિયાનો બોજો નંખાશે નહીં, અને આગામી પાંચ વર્ષના શાસનમાં તેઓ શું કરશે તેવા વિકાસની વાતોનો ઉલ્લેખ ચોક્કસ કરશે.

જો કે બજેટ રજૂ થાય તે પહેલાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી મોદી સરકારે જીએસટીમાં રાહતોની લ્હાણી કરી હતી. જીએસટી રજિસ્ટ્રેશનની મર્યાદા 20 લાખ ટર્ન ઓવરથી વધારીને 40 લાખ ટર્ન ઓવરની કરી નાંખી છે. તેમ જ 28 ટકાના સ્લેબમાં આવતી કેટલીય ચીજવસ્તુઓને 18 ટકાના સ્લેબ મૂકી દીધી છે અને જીએસટીને વધુ સરળ કરવાનું વચન પણ આપી દીધું છે. જીએસટીના ચાર સ્લેબને બદલે ત્રણ જ સ્લેબ હેઠળ લાવવાના સમાચાર પણ આવી ગયા છે. આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા આર્થિક અનામત આપવાની અતિમહત્વની જાહેરાત કરીને મોદી સરકારે વિરોધીઓની ઉંઘ ઉડાડી દીધી છે. અનામત આંદોલન ચલાવતા નેતાઓને નવરા કરી નાંખ્યા છે. 10 ટકા આર્થિક અનામતની જાહેરાતને સંસદમાં પસાર કરાવીને રાષ્ટ્રપતિની સહી સાથે કાયદો પણ બનાવી અને તેનો સત્તાવાર અમલ કરવા નોટિફિકેશન બહાર પડાઈ ગયું છે.

વિપક્ષોએ મોદી સરકારને અનામત અને ગબરસિંહ ટેક્સ કહીને(જીએસટી) આ બે મુદ્દે ઘેર્યાં હતાં, તે બે મુદ્દા તો સરકારે જનતાને આપી દીધાં છે. જેથી હવે વિરોધ પક્ષો પાસે વિરોધ કરવાનો કોઈ મુદ્દો રહ્યો નથી. હજી સરકાર પાસે વચગાળાનું બજેટ બાકી રહ્યું છે, જનતાને લોભાવવા માટે મોદી સરકાર માટે છેલ્લું હથિયાર છે, જોઈએ મોદી સરકાર તેમાં કેટલી કામયાબ નીવડે છે.

વચગાળાના નાણાંપ્રધાન પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે, જેમાં મોદી સરકારના પાંચ વર્ષના શાસનમાં તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડી અને તેના શું ફાયદા થયાં છે, તેની વિગતોનો ઉલ્લેખ 100 ટકા આ બજેટમાં રજૂ કરાશે. વિકાસ… વિકાસ… અને વિકાસની વાતો કરતી સરકાર આગામી લોકસભાની ચૂંટણીમાં પણ વિકાસના નામે મત માંગશે, તેની સાથે રામમંદિર મુદ્દો, સ્થિર શાસન, ભ્રષ્ટાચારમુક્ત શાસન, આર્થિક પ્રગતિ વગેરે મુદ્દા રજૂ કરીને જનતા પાસેથી મત મેળવવાની તૈયારી કરી રહી છે, પણ તેના માટે હવે એક જ ઓપ્શન વધ્યો છે. અને તે છે વચગાળાનું બજેટ. લોકસભાની ચૂંટણીને આચારસંહિતા લાગુ પડી જતી હોવાથી ઇન્ટરીમ બજેટ રજૂ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થાય તેવી શક્યતા વધારે છે.

અગાઉના નાણાંપ્રધાનોએ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં વચગાળાના બજેટ રજૂ કર્યા હતા, તે બાબતને ધ્યાનમાં લઈને વચગાળાના નાણાંપ્રધાન પીયૂષ ગોયલ વચગાળાના બજેટમાં રાહતો આપશે. 2009-10માં તે વખતના નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ બજેટ ચર્ચાના જવાબમાં આંતરરાષ્ટ્રીય મંદીના માહોલમાં ભારતીય અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ ડયૂટીમાં 2 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમ જ 2014-15માં નાણાંપ્રધાન પી. ચિંદમ્બરમે વચગાળાના બજેટમાં સર્વિસ ટેક્સ અને કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર કરવાની સાથે ઓટો મોબાઈલ સેકટર માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરતી જાહેરાત કરી હતી. જો કે ભૂતકાળના આ બન્ને બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કરાયો ન હતો.

હાલ એવો આશાવાદ સર્જાયો છે કે વચગાળાનું બજેટ લોભામણું હશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર નવી રાહતો આપી શકે છે. અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારને ફોક્સમાં રાખીને પણ કૃષિ ક્ષેત્રે કેટલાક નવા સુધારા થાય તેવી જાહેરાત કરી શકે છે. કેટલાક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરાઈ છે. મોદી સરકારનું માનવું છે કે દેવા માફીએ કાયમી ઉકેલ નથી, તેના માટે નક્કર પગલા ભરવાની જરૂર છે. મોદી સરકાર તેના માટે ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં વિચારી રહી છે. જાણકારી મળ્યા મુજબ એક કૃષિ પેકેજ પર પણ કામ ચાલી રહ્યું છે. જેમાં ઈન્કમ ટ્રાન્સફર, લઘુત્તમટેકાના ભાવ અને ખેડૂતોના દ્વારા સમયસર ચુકવાતી કૃષિ લોનના વ્યાજ માફી સહિતના અનેક વિકલ્પો પર સરકાર ચર્ચા વિચારણા કરી રહી છે. મોટાભાગે ખેડૂતો માટેના આ પેકેજની જાહેરાત બજેટ પહેલા અથવા તો બજેટમાં કરાય તેવી ધારણા છે. એટલે કે એગ્રિકલ્ચર રીલીફ પેકેજના નામે જાહેરાત થશે, એવો આશાવાદ છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પ્રચારમાં વિરોધ પક્ષો દ્વારા ખેડૂતોના દેવા માફીનું વચન આપવામાં આવ્યું હતું, જેને કારણે જ ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો અને ભાજપના જ ગઢ ગણાતા એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન આવી ગયું છે, જે પછી મોદી સરકાર સફાળી જાગી ગઈ છે, અને ચિંતન કરી રહી છે કે લોકોને હવે શું પરેશાની છે. જેનો ઉપચાર આગામી બજેટમાં કરાય તેવી શક્યતા છે.

ખેડૂતોની સાથે આ વચગાળાના બજેટમાં મધ્યમવર્ગ માટે સૌથી મોટી જાહેરાત થશે. વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદા 2.50 લાખથી વધારીને 5 લાખ કરાશે. 80 સી હેઠળ ટેક્સ છૂટ માટે 1,50,000ની બચત મર્યાદા વધારીને રૂપિયા 2,50,000 કરાય તેવો આશાવાદ છે.

તેમજ બજેટમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાશે. ડિજિટલ ટ્રાન્ઝક્શન વધે તે માટે કેટલાક પ્રોત્સાહક પગલા ભરાય તેવી યોજના જાહેર કરશે. કેન્દ્ર સરકારે વેપારી સંગઠનોને કહ્યું છે કે બે કરોડથી ઓછા ટર્નઓવરવાળા વેપારીઓ માટે પ્રિઝમ્ટિવ ટેક્સ યોજનાનાં મોબાઈલ વૉલેટ, તમામ પેમેન્ટ એપ્સ અને ક્રેડિટ કાર્ડને પણ સામેલ કરાય તેવી માંગ છે. આ સ્કીમ વચગાળાના બજેટમાં જાહેર થાય તેવી શકયતા છે. કેટલીક ચીજવસ્તુઓની ખરીદી પર ડિજિટલ પેમેન્ટ કરાય ત્યારે ચાર્જિસ લેવાય છે, તે ચાર્જિસને કાઢી નંખાશે તો ડિજિટલ પેમેન્ટમાં વધારો થશે, તેવા સૂચનને કેન્દ્ર સરકાર સ્વીકાર કરશે અને બજેટમાં જાહેરાત કરાશે.

વળી નોટબંધી પછી અનેક વેપારીઓએ ડિજિટલ પેમેન્ટને સ્વીકારી લીધું છે. પણ ડિજિટલ પેમેન્ટ પર હાલ બેંકો દ્વારા ટ્રાન્ઝેક્શન પર 1-2 ટકા ચાર્જ લે છે, તેમાંથી મુક્તિ મળવી જોઈએ.

જીએસટી રજિસ્ટર્ડ ટ્રેડર્સને 5 ટકાના દરથી બેંક લોન મળવી જોઈએ અને એક મર્યાદા સુધી ટેક્સ ચૂકવનારને છૂટ પણ મળવી જોઈએ, તેમજ વેપારીઓ માટે સોશિયલ સિક્યુરિટી સ્કીમ અનુસાર વીમો અને પેન્શન પેકેજની પણ બજેટમાં જાહેરાત કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.

કેન્દ્ર સરકાર મતદારોને રીઝવવા માટે આગામી પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર વચગાળાના બજેટમાં એકપણ તક ચૂકશે નહીં. જે મુદ્દા પર કોંગ્રેસે ભાજપના ત્રણ ગઢમાં ગાબડાં પાડ્યાં હતાં, તે જ મુદ્દા પર સરકાર કામ કરી રહી છે, અને આર્થિક સુધારાની સાથે જનતાને પણ લાભ આપવા સરકારનો અભિગમ રહેશે, જેથી આગામી બજેટ શૂન્ય કરબોજ સાથેનું લોકપ્રિય બજેટ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]