નિર્દેશક ટીનુ આનંદની ફિલ્મ ‘કાલિયા’ (1981) ના કેટલાક સંવાદની પણ બહુ રસપ્રદ વાતો છે.
નિર્દેશક ટીનુ આનંદ ફિલ્મ ‘દુનિયા મેરી જેબ મેં’ બનાવી રહ્યા હતા ત્યારે મુખ્ય અભિનેતાઓ ઋષિ કપૂર અને શશી કપૂરની તારીખો ઘણા મહિના સુધી મળી શકે એમ ન હોવાથી ‘કાલિયા’ બનાવવાનું નક્કી કર્યું હતું. નિર્માતા ઇકબાલ સિંહે ટીનુને ધર્મેન્દ્ર માટે કોઈ સ્ક્રિપ્ટ હોવાનું પૂછ્યું હતું. ધર્મેન્દ્રએ વાર્તા સાંભળી પણ કોઈ કારણથી હા પાડી નહીં.
એ પછી વિનોદ ખન્નાએ વ્યસ્તતાને લીધે હા પાડી નહીં. ત્યારે ઈકબાલે ટીનુને અમિતાભ બચ્ચન સાથે વાત કરવા કહ્યું. અમિતાભ વ્યસ્ત હતા અને સ્ક્રિપ્ટ સંભળાવવા ટીનુએ ઘણા મહિના એમની પાછળ દોડવું પડ્યું. આખરે એક ફિલ્મના શુટિંગ દરમ્યાન તક મળી. અમિતાભે વાર્તા સાંભળીને તરત હા પાડી દીધી. પરંતુ એ બહુ ઓછો સમય આપી શકે એમ હોવાથી ફિલ્મ બનાવવામાં સમય લાગવાનો હતો. 1977 માં ફિલ્મનું મુર્હુત થયું અને 1981 માં રજૂ થઈ શકી હતી. ફિલ્મમાં પરવીન બોબી હતી અને એનું માનસિક સ્વાસ્થ્ય કથળતા પણ શુટિંગ લંબાયું હતું. પરવીનની અમિતાભ સાથેની આ એક જ એવી ફિલ્મ છે જેમાં તેની એન્ટ્રી એક કલાક પછી થાય છે.

‘કાલિયા’ ના સંવાદ ટીનુના પિતા ઇન્દર રાજ આનંદે લખ્યા હતા. તાળીમાર સંવાદો માટે પણ ‘કાલિયા’ બહુ લોકપ્રિય રહી હતી. તેથી ફિલ્મના સંવાદોની એક એલપી રેકોર્ડ ‘ઇલેક્ટ્રોફાઇંગ ડાયલોગ્સ ફ્રોમ કાલિયા’ નામથી અલગથી બહાર પાડવામાં આવી હતી. અમિતાભનો એક સંવાદ સૌથી વધુ જાણીતો રહ્યો છે. પણ જેમણે ફિલ્મ જોઈ છે એમને ખ્યાલ હશે કે અસલમાં સૌથી પહેલાં આ સંવાદ બોબ ક્રિસ્ટો બોલ્યો હતો.
અમિતાભે એનું પુનરાવર્તન કર્યું હતું. અમિતાભ જેલમાં હોય છે અને ભોજન લેવાની લાઇનને લઈને માઇકલ અને અન્ય કેદીઓ સાથે વિવાદ થાય છે. એક કેદી કહે છે કે, ‘તુમ તો લાઇન મેં ભી નહીં હો’ ત્યારે બોબ કહે છે કે, ‘હમ જહાં ખડે હો જાતે હૈં, લાઇન વહીં સે શુરૂ હો જાતી હૈ.’ એ પછીના જેલના એક દ્રશ્યમાં બોબ પાસેથી જમવાની થાળી અમિતાભ લઈ લે છે ત્યારે એ પૂછે છે, ‘કૌન હો તુમ?’ જવાબમાં અમિતાભ એનો જ સંવાદ બોલતા કહે છે, ‘હમ ભી વો હૈ જો કભી કિસી કે પીછે નહીં ખડે હોતે, જહાં ખડે હો જાતે હૈં, લાઇન વહીં સે શુરૂ હો જાતી હૈ.’

અમિતાભ અને ટીનુ વચ્ચે એક સંવાદ ‘તુ આતિશ-એ-દોઝખ સે ડરાતા હૈ જિન્હેં, વો આગ કો પી જાતે હૈં પાની કરકે’ ને લઈને કારકિર્દી દાવ પર મૂકવાનો વિવાદ થયો હતો. પિતા ઇન્દ્રરાજ આનંદે આ સંવાદ લખ્યો હોવાથી પ્રેક્ષકોની તાળીઓ બાબતે તે સંપૂર્ણપણે ખાતરીબદ્ધ હતા. અમિતાભે કાવ્યાત્મક સંવાદ હોવાનું કહી બોલવાનો ઇનકાર કર્યો હતો. તેમને લાગતું ન હતું કે પ્રેક્ષકો આના પર તાળી પાડશે. ટીનુએ શરત મારીને અમિતાભને કહ્યું હતું કે આ ડાયલોગ પર તાળીઓ નહીં પડે તો હું આજ પછી ક્યારેય નિર્દેશન નહીં કરું. અને જો તાળીઓ પડશે તો તમે તમારો અભિનયનો વ્યવસાય છોડી દેશો.
ટીનુનો આત્મવિશ્વાસ જોઈ અમિતાભ ચૂપચાપ ઊભા થઈ એ સંવાદ બોલવા તૈયાર થઈ ગયા હતા. ફિલ્મ રજૂ થયા પછી આ સંવાદ પર જબરદસ્ત તાળીઓ પડી હતી. ટીનુ આનંદે મુલાકાતમાં જણાવ્યું હતું કે અમિતાભને એક ઉર્દૂ સંવાદ ‘ક્યા નઝા કી તકલીફોં મેં મઝા, જબ મૌત ન આયે જવાની મેં. ક્યા લુત્ફ જનાઝા ઉઠને કા, હર ગામ પે જબ માતમ ન હોગા’ બોલવામાં પણ તકલીફ પડી હતી. કેટલાક રિટેક પછી અમિતાભ સંવાદ બરાબર બોલી શક્યા હતા.




