આ ત્રણ રાજ્યોથી આરંભાઈ જીતની બાજી

અમદાવાદઃ લોકસભાની સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાંથી દિલ્હીનો વિજયી માર્ગ પસાર થાય છે એ વાત તો સ્પષ્ટ છે. આ કારણે જ રાજકીય પક્ષો યુ.પી.માં એમની બધી તાકાત લગાવી દેતા હોય છે. ભાજપ-કૉંગ્રેસ પણ આ વખતે ઉત્તર પ્રદેશમાં પૂરી શક્તિથી પ્રચારમાં વળગ્યા હતા. નરેન્દ્ર મોદી-રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં જ સૌથી વધુ રેલીઓ સંબોધી હતી. ભાજપના વિજયરથને રોકવા સપા-બસપા દાયકાઓ પછી સાથે આવ્યા હતા. આ મહાગઠબંધન નિર્ણાયક પૂરવાર થશે એવું માનવામાં આવતું હતું, કારણ કે 2014માં ભાજપે અહીંની 80માંથી 73 બેઠકો કબ્જે કરી હતી ત્યારે અને વિધાનસભામાં પણ ત્રીજા ભાગની બેઠકો કબ્જે કરી ત્યારે રાજ્યના મહત્વના સ્થાનિક પક્ષો જુદી-જુદી ચૂંટણી લડ્યા હતા એ પરિબળ ભાજપના સૌથી વધુ લાભમાં ગયું હતું. જોકે સ્થાનિક પક્ષોના એક સાથે આવવા છતાં ભાજપને વધારે નુકસાન કરી શક્યા નથી. ઉત્તર પ્રદેશની 80માંથી 56 લોકસભા બેઠક પર ફરી સરળતાથી ભગવો લહેરાયો છે.

42 લોકસભા બેઠકો ધરાવતું પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થાનિક તૃણમૂલ કૉંગ્રેસનો (બીજા શબ્દોમાં કહીએ તો મમતાદીદીનો) દબદબો છે. 2014માં ટી.એમ.સી.ને 42માંથી 37 બેઠકો મળી હતી, જ્યારે ભારતભરમાં જીતનો જશ્ન મનાવનાર ભાજપ પશ્ચિમ બંગાળમાં માત્ર 2 જ બેઠક જીતવામાં સફળ રહ્યો હતો. અલબત્ત, આ વખતે ભાજપ માટે સૌથી મોટો ને સૌથી સકારાત્મક ફરક પશ્ચિમ બંગાળમાં જ પડ્યો છે. પહેલીવાર કેન્દ્રિય સેનાની હાજરીમાં અહીં મતદાન કરાવવામાં આવ્યા હતા. મતદાન દરમિયાન અહીં હિંસા પણ ફાટી નીકળી હતી. જોકે આ બધા પડાવો પાર કરી ભાજપ 42માંથી 20 બેઠકોને કબ્જે કરવામાં સફળ થયો એ મહત્વની વાત છે. ઉપરાંત અહીના કુલ મતદાનમાંથી લગભગ પચાસ ટકા જેટલો હિસ્સો ભાજપ મેળવી શક્યો છે એ વાત આવનારા દિવસોમાં મમતાદીદી11ની ઊંઘ હરામ કરશે એ નક્કી.

રાષ્ટ્રનું પાટનગર દિલ્હીની વિધાનસભામાં તો આમ આદમી પાર્ટીની અભૂતપૂર્વ બહુમતી છે, પણ લોકસભામાં ગયા વખતની જેમ જ મતદારોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. રાજધાનીની સાતે-સાત લોકસભા બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. આતિશી ને રાઘવ ચડ્ડા જેવા આમ આદમી પાર્ટીના સ્થાનિક રીતે લોકપ્રિય ઉમેદવારો તથા શીલા દિક્ષિત ને જે.પી. અગ્રવાલ જેવાં કૉંગ્રેસના વરિષ્ઠ ઉમેદવારો પણ ભાજપને પડકાર આપવામાં સફળ નથી થઈ શક્યા.

આમ, ઉત્તર પ્રદેશમાં મુલાયમ-માયાવતીની જોડી, અસલી નકલી પછાત વર્ગના કાવાદાવા સામે મોદીની ગંગાઆરતી વધારે પ્રભાવ પાડી શકી છે તો પશ્ચિમ બંગાળમાં મહારથી મનાતાં મમતા બેનર્જીએ વધારે સીટો જીતવા છતાં હારનો બોજ ઉપાડવો પડ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું સ્થાનિક ગણિત રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ અપાવી શક્યું નથી ને ફરી એકવાર બ્રાન્ડ મોદી સામે બીજા બધાં આકર્ષણો ફિક્કા પડી ગયા હોવાનું સાબિત થયું છે.

(અહેવાલઃ સુનીલ મેવાડા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]