વારાણસીમાં સપાએ ઉમેદવાર બદલ્યાઃ હવે મોદી સામે BSF ના પૂર્વ જવાન તેજ બહાદૂર

નવી દિલ્હી- ધીમે ધીમે રસપ્રદ બની રહેલી લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પર ઉમેદવારની ચર્ચાએ આજે એક નવો મોડ લીધો છે. સપા-બસપા ગઠબંધને અગાઉ જાહેર કરેલા ઉમેદવાર શાલિની યાદવને સ્થાને હવે BSFના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવને ટીકિટ આપી છે.

લાંબા સમયથી ચાલી રહેલા સસ્પેન્સ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠક પર કોંગ્રેસે અજય રાયના નામની જાહેરાત કર્યા પછી હવે સપા-બસપાના ગઠબંધને એમના ઉમેદવારને બદલીને શાલિની યાદવના સ્થાને તેજ બહાદુરને સમાજવાદી પાર્ટી(સપા)ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

સમાજવાદી પાર્ટીના આ નિર્ણયની સાથે જ રાજકીય ગરમાગરમી પણ સર્જાવાની શરૂઆત થઇ ચૂકી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તરત જ અખિલેશ યાદવને અભિનંદન પાઠવતાં ટ્વીટ કરીને કહ્યું કે, ‘અખિલેશ જી તમને ખુબ ખુબ અભિનંદન. PMને પડકાર આપવા માટે તેજ બહાદુરને સલામ. એક તરફ માં ભારતી માટે જીવ જોખમમાં નાખનાર અને જવાનોના હક્ક માટે પોતાની નોકરી ગુમાવનાર વ્યક્તિ. અને બીજી તરફ જવાનો માટે અવાજ ઉઠાવનારની નોકરી છીનવી અને જવાનોની લાશો પર વોટ માગનાર વ્યક્તિ.’

કોણ છે તેજ બહાદુર યાદવ…

તેજ બહાદુર યાદવે વર્ષ 2018માં BSFમાં નોકરી દરમિયાન જવાનોના ભોજનને લઈને ફરિયાદ કરી હતી. તેજ બહાદુર જવાનોને પીરસવામાં આવતા ભોજનનો એક વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. ત્યાર બાદ તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની લોકસભાની 80 સીટોમાં વારાણસી બેઠકનું અલગ જ મહત્વ રહ્યું છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર, કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલાપતિ ત્રિપાઠી, લાલ બહાદુર શાસ્ત્રીના પૂત્ર અનિલ શાસ્ત્રી અને કેન્દ્રીય પ્રધાન રહેલા બીજેપી માર્ગદર્શક મંડળના સભ્ય એવા મુરલી મનોહર જોશી પણ વારાણસીથી સાંસદ રહી ચૂક્યા છે.

વારાણસીમાં અંતિમ તબક્કામાં 19 મેના રોજ મતદાન થશે.