પશ્ચિમ બંગાળઃ ભાજપ માટે કશું નહીં, દીદી માટે બધું સહી…

લોકસભાની આ ચૂંટણીમાં જો સૌથી વધુ કોઇ રાજય પર નજર હોય તો એ છે પશ્ચિમ બંગાળ. નવી દિલ્હીમાં શાસન કરવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી નીકળે છે એ વાત સાચી, પણ આ વખતે ભાજપ બંગાળ પર મીટ માંડીને બેઠો છે. એમ જૂઓ તો, આખી ય ચૂંટણીમાં સૌથી વધુ શાબ્દિક ચડસાચડસી જો કોઇની વચ્ચે થઇ હોય તો એ નરેન્દ્ર મોદી અને મમતા દીદી વચ્ચે જ થઇ છે.

શું 2019 માં મમતા દીદીનું બંગાળ એ 2014 નું ઉત્તર પ્રદેશ બનશે? કેવાક છે પશ્ચિમ બંગાળના રાજકીય સમીકરણો? વાંચો અહીં……

(પ્રૉ. ઉજ્જવલ કે. ચૌધરી)

 

ફ્લેશબેક 2014: મીડિયામાં જોરશોરથી વાતો ચાલતી હતી કે બંગાળનો જંગ એ મોદી વિરૂધ્ધ મમતા દીદીનો જંગ છે, પણ પરિણામ જૂઓ: ભાજપ-2, કૉંગ્રેસ-4, સીપીએમ-2 અને દીદીની ટીએમસી-34.

ફ્લેશબેક 2016: મુખ્ય તમામ માધ્યમો અને સોશ્યલ મિડિયામાં છવાયેલી ભાજપની હાજરીને લીધે બંગાળ વિધાનસભાની ચૂંટણી મમતા દીદી, નરેન્દ્ર મોદી અને સીપીએમ-કૉંગ્રેસ ગઠબેધનનો ત્રિપાંખીયો જંગ હશે અને મોદીલહેર બંગાળને ધ્રુજાવવા આવી રહી છે એવી રજૂઆતો કરવામાં આવતી હતી, પણ પરિણામ?

કુલ 294 વિધાનસભા બેઠકમાંથી ભાજપ- 3 અને દીદીની ટી.એમ.સી.નો આંકડો હતો 211….

એવું લાગે છે કે મસમોટા ભેદી સૂત્રોના આધારે થતાં કેમ્પેઈન જાણે ખરેખર તળની હકીકત શું છે એ જાણવા માગતા જ નથી.

અત્યારે 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ એ જ રીતે વાતો થઈ રહી છે. ભાજપ બંગાળમાં 42માંથી લગભગ 22 બેઠક જીતવાના મિશન સાથે સક્રિય છે. સૌથી વધુ આક્રમક પ્રચાર પણ અહીં જ થાય છે. આ ચર્ચા માટે બે કારણ આગળ ધરવામાં આવે છે. એક છે બંગાળમાં ભાજપનો વધેલો વોટશેર. ભાજપનો આ વધેલો જનાધાર કુલ મતદારોના લગભગ ચોથા ભાગ જેટલો છે. બીજું કારણ છે, એકાદ વર્ષ પહેલાં યોજાએલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપનો દેખાવ. આ ચૂંટણીમાં ભાજપે કેટલીક પંચાયત બેઠકો મેળવી છે. આમ છતાં, ભાજપ હજુ તૃણમૂલ કોંગ્રેસના  વિરાટકાય માર્જિનથી હજી પાછળ છે.

જો કે અત્યારે પણ ગ્રાઉન્ડ પરની હકીકત લગભગ 2014 અને 2016 ના મિશ્રણ જેવી છે…..

બહારના લોકો અહીં મમતા દીદીના કહેવાતા લઘુમતી તૃષ્ટિકરણ સામે ભાજપને હિન્દુ મતોના ધ્રુવીકરણનો ફાયદો થશે એવી ધારણા માંડી રહયા છે, પણ હકીકત એ છે કે પશ્ચિમ બંગાળે ભૂતકાળમાં ક્યારેય સાંપ્રદાયિકતાના આધારે મતદાન કર્યું નથી. સરહદી જિલ્લાઓમાં ‘બાંગ્લાદેશી મતદારો’ ની વાત હવામાં વહેતી હોવા છતાં પણ મતદાન બાબતે વ્યાપકસ્તરે બંગાળમાં અત્યારે પણ એ જ સ્થિતિ છે જે પહેલાં હતી. બીજી તરફ, કૉંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ગઠબંધન ન થઈ શકવાને લીધે અહીં જે ત્રીજું પરિભળ સર્જાઇ શક્યું હોત એ સર્જાઇ શક્યું નથી. લાગે છે કે હાલની સ્થિતિમાં કૉંગ્રેસ માત્ર બહેરામપુર અને ઉત્તર માલ્દાના એના બે મજબૂત ગઢ જ બચાવી શકે એમ છે. બહેરામપુરમાં અધીર ચૌધરી મજબૂત ઉમેદવાર છે અને ઉત્તર માલ્દામાં ગની ખાનના ઉત્તરાધિકારી લડી રહ્યા છે. ડાબેરી પક્ષ લગભગ શૂન્યના આંક સાથે લડાઈ પૂરી કરે તો નવાઇ નહીં. બહુ બહુ તો જાદવપુર (જ્યાં કૉંગ્રેસે ડાબેરીઓના સમર્થનમાં ઉમેદવાર ઊભો નથી રાખ્યો) અને રાઈગંજ કે જ્યાં મજબૂત સીટિંગ સાંસદ મહોમદ સલીમ ઉમેદવાર છે એ બે બેઠકો પર ડાબેરીઓ સારી એવી લડત આપી શકે છે.

જો કે ભાજપ પર તો દાર્જલિંગ અને આસનસોલ બેઠક પર એના બે સીટિંગ સાંસદને જાળવી રાખવાનું પણ તીવ્ર દબાણ છે. દાર્જલિંગ બેઠકની વાત કરીએ તો ભાજપને અહીં ગઇ ચૂંટણીમાં હતો એવો નેપાળીઓનો સપોર્ટ હવે રહ્યો નથી, કારણ કે અલગ ગોરખાલેન્ડની લડાઈ માટે કેન્દ્રએ કોઈ મચક આપી નથી. બીજી તરફ, આસનસોલમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ એમના આક્રમક અને સાંપ્રદાયિક રાજકારણને લીધે સ્થાનિક સપોર્ટ લગભગ ગૂમાવ્યો છે.

અલબત્ત, પંચાયત ચૂંટણીના પરિણામો, બિન-બંગાળી મતદારો, તૃણમૂલ સરકારની ઉગ્રતાથી નારાજ એવો મતદાર વર્ગ અને બાંગ્લાદેશી સરહદ નજીકના જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક સાંપ્રદાયિકતાનું પરિબળ પ્રભાવ પાડી પણ શકે છે. એના કારણે ભાજપ બનગાંવ, બરસત, બેરેકપુર, કુચબહેર અને કદાચ પુરુલિઆ જેવા વિસ્તારોમાં સારી એવી લડત પણ આપી શકે છે. આ સંજોગોમાં ભાજપ માટે આ વખતે 4 થી 6 બેઠકની મેળવે એવી ધારણા રાખીએ તો વાસ્તવિક લાગે છે. ભાજપની બેઠકોમાં જો વધારો થાય તો એનું એક કારણ આ વખતે 95 ટકા વોટિંગ બૂથો પર કેન્દ્રીય સુરક્ષા દળોની હાજરી રહેવાની છે એને પણ ગણવું પડશે. શારદા કૌભાંડમાં બદનામ મુકુલ રૉય અને હિંસામાં સંડોવણીનો દાગ ધરાવતા અર્જૂન સિંહને સ્વીકારી ભાજપે ટી.એમ.સી.ના ભ્રષ્ટાચારનો મુદ્દો છોડી દેવો પડ્યો છે.

મમતાદીદીની તૃણમૂલ કૉંગ્રેસના ખાતામાં, ઘરે-ઘરે પહોંચીને મતદાનના દિવસે મહત્તમ મતદાન કરાવે એવા આક્રમક કાર્યકર્તાઓ, વિરોધીઓનો પ્રભાવ ધરાવતા બૂથોની આસપાસ હિંસા, લોકો માટે કલ્યાણકારી યોજનાઓ જેવી કે કન્યાશ્રી, સબુજસાથી અને સ્વાસ્થ્યોમિત્ર વગેરે જેવાં પાસાં છે. આ પાસાં દીદીનો ગઢ સાચવી શકે એમ છે. તૃણમૂલ કૉંગ્રેસના સાંસદો વધે નહીં તો પણ અગાઉની સંખ્યા (34) જાળવી રાખે જેટલા તો રહેશે જ એવું હાલના તબક્કે માની શકાય.

જો એન.ડી.એ. બહુમતી સુધી ન પહોંચી શકે તો વિરોધી દળોની સંયુક્ત સરકારમાં મમતા દીદી સર્વાનુમતે વડાપ્રધાન બની શકે છે એવી આછીપાતળી શક્યતાને પણ ટી.એમ.સી. દ્વારા મતદારોને આકર્ષવા દાવારૂપે વાપરવામાં આવી છે. કૉંગ્રેસ-સીપીએમના છૂટાછેડા પણ ટી.એમ.સી.ના પક્ષમાં છે, કારણ કે જ્યાં કૉંગ્રેસ ગણતરીમાં નથી ત્યાં એના મતો ટી.એમ.સી.ના ખાતામાં પડશે.

લડાઇ તો વર્ચસ્વની છે. મમતા દીદી માટે હોમસ્ટેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની અને ભાજપ માટે કેન્દ્રમાં પોતાની એકહથ્થુ શાસન ધરાવતી સરકાર બનાવવા જરૂરી વર્ચસ્વ મેળવવાની.

(લેખક નવીદિલ્હીસ્થિત મીડિયા એકેડેમિક અને કોલમિસ્ટ છે)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]