વલસાડઃ દિલ્હીનો રાજમાર્ગ અહીંથી નીકળે છે.

દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક એટલે આમ તો કેન્દ્રમાં કોની સરકાર રચાશે એની આગાહી કરતી બેઠક કહેવાય છે. કેન્દ્રમાં કોંગ્રસની કરકાર હતી ત્યારે ત્રણ વખત અહીં ઉત્તમભાઇ પટેલ ચૂંટાયા હતા. 1989માં જયારે કેન્દ્રમાં જનતાદળની કરકાર બની ત્યારે અહીંથી જનતાદળના અર્જુન પટેલ ચૂંટાયા હતા. 1996, 1997 અને 1998 માં વાજપેયીની સરકાર બની ત્યારે ભાજપના મોતીભાઇ ચૌધરી ચૂંટાઇને સંસદસભ્ય બન્યા હતા તો યુપીએ સરકાર વખતે કોંગ્રસના કિશન પટેલ વલસાડનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2014માં ફરીથી ભાજપના કે.સી. પટેલ ચૂંટાયા હતા. અત્યાર સુધી નવ ચૂંટણીમાં કૉંગ્રેસ અને ચાર ચૂંટણીમાંભાજપ અહીંથી જીત્યો છે.

એસ.ટી. એટલે કે અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર કુલ 16,55,727 મતદાતા છે. જેમાંથી 9.16 લાખઆદિવાસી, 1,32,000 કોળી, 61000 મુસ્લિમ અને 23000 પારસી મતદાતા છે. મુખ્યત્વે કોળી અને આદિવાસી મતદારોનું આ બેઠક પર પ્રભુત્વ છે. ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ સાત વિધાનસભા બેઠકોનેઆવરી લેતી આ બેઠક પર અત્યારે ભાજપ પાસે ધરમપુર, વલસાડ, પારડી અને ઉમરગામ એમ ચાર બેઠક છે, જ્યારે કોંગ્રેસ પાસે ડાંગ, વાંસદા અને કપરાડા એમ ત્રણ બેઠક છે.

આ વખતે અહીં લડાઇ ભાજપના સિટીંગ સંસદસભ્ય કે.સી. પટેલ અને કોંગ્રસના જિતુભાઇ ચૌધરી વચ્ચે છે. જિતુભાઇ ચૌધરી કોંગ્રેસના ધારાસભ્ય છે.  ભાજપના જ અગ્રણી અને કે.સી. પટેલના ભાઇ ડી.સી. પટેલ નારાજ હોવાની ચર્ચા છે, પણ અંતે ભાજપ એમને મનાવી લેશે. આ વખતે કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે.

યાદ રહે, વલસાડમાં આવેલા ધરમપુરનું લાલ ડુંગરી મેદાન દેશના રાજકારણમાં, ખાસ કરીને કોંગ્રેસ માટે હંમેશા  શુકનવંતા સ્થળ તરીકે મનાતું રહ્યું છે. 1980માં ઇન્દિરા ગાંધીએ અહીંથી જ  ચૂંટણી  પ્રચારની શરૂઆત કરી હતી  અને સત્તામાં પરત ફર્યાહતાં. કદાચ એટલે જ, 2019ની લોકસભા ચૂંટણીની પ્રથમ સભા 14 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધીએ આ જ સ્થળેથી સંબોધીને પ્રચારનો પ્રારંભ કર્યો છે.