સુરેન્દ્રનગરઃ સોમાભાઈનો પ્રભાવ ખાળવામાં ભાજપ સફળ થશે?

સુરેન્દ્રનગર બેઠક પર આ વખતે રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ બેઠક કબ્જે કરવા આ વખતે 31 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની જે બેઠકો જીતવા ભારે સંઘર્ષ કરવો પડશે તેમાં એક બેઠક સુરેન્દ્રનગર લોકસભા બેઠક પણ છે.

કોળી મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર કોંગ્રેસની પકડ મજબૂત રહી છે અને ગુજરાતમાં ભાજપના એકચક્રી શાસનના દિવસો શરૂ થયા એ પછી રાજ્યની બીજી લોકસભા બેઠકો પર ભાજપ સરળતાથી જીતતો રહ્યો છે પણ સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે હંમેશાં સંઘર્ષ કરવો પડ્યો છે. ગુજરાતમાં 1989 પછીની 8 લોકસભા ચૂંટણીમાં પાંચવાર ભાજપે જીત મેળવી જ્યારે 3 વાર કોંગ્રેસ જીતી છે. ગુજરાતની ગણતરીની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો રેકોર્ડ સારો હોય ને જીત માટે પ્રબળ દાવેદારી હોય, એમાંની એક બેઠક સુરેન્દ્રનગરની છે.

કેટલીક બેઠકો એવી હોય છે કે જ્યાં પક્ષ કરતાં વ્યક્તિનો પ્રભાવ વધારે હોય. સુરેન્દ્નનગર બેઠક પણ એવી જ છે. આ બેઠક પર પણ સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો પ્રભાવ ભારે છે અને છેલ્લા એક દાયકામાં યોજાયેલી લોકસભાની દરેક ચૂંટણીમાં તેમનો પ્રભાવ વર્તાયો છે. સોમાભાઈ ગાંડાભાઈ પટેલ વારંવાર પક્ષ બદલતા રહ્યા છે ને તેના કારણે આ બેઠક કોઈ વાર ભાજપની તો કોઈ વાર કોંગ્રેસની ઝોળીમાં જઈને પડતી રહી છે. 2014ની ચૂંટણીમાં મોદીલહેર દેશભરમાં હતી એમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે સોમાભાઈ ભાજપના દેવજીભાઈ ફતેપરા સામે બે લાખ જેટલા મતોથી હારી ગયા હતા. જોકે એ સિવાય આ બેઠક પર એમનો દબદબો રહ્યો છે. ભાજપે 1989થી 2014 સુધીમાં  પાંચ વાર સુરેન્દ્રનગર બેઠક જીતી તેમાંથી ત્રણ વાર તો તેના ઉમેદવાર સોમાભાઈ પટેલ જ હતા. સોમાભાઈ ગાંડાભાઈનો આ વિસ્તારમાં પ્રભાવ છે તેનું કારણ જ્ઞાતિવાદી સમીકરણો છે. સોમાભાઈ કોળી પટેલ છે અને સુરેન્દ્રનગરમાં કોળી મતદારો બહુમતીમાં છે. આ મતવિસ્તારમાં 40 ટકા મતદારો કોળીપટેલ છે. સોમાભાઈ એમના સર્વમાન્ય નેતા છે. કૉંગ્રેસે ફરી એમને જ ટિકિટ આપીને મેદાનમાં ઊતાર્યા છે તો એમના સામે ભાજપના ડૉ. મહેન્દ્ર મુંજપરા જંગમાં છે.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી સાત વિધાનસભા બેઠકોમાંથી વિરમગામ, ધંધૂકા, દસાડા, લીંમડી, ચોટિલા અને ધાંગધ્રા એમ છ કૉંગ્રેસ પાસે છે, જ્યારે ભાજપ પાસે વઢવાણની એક જ બેઠક છે. 2017ના આ પરિણામો પ્રમાણે કુલ મતોમાં કૉંગ્રેસ પાસે ભાજપ કરતાં આશરે 50,000 મતોની સરસાઈ છે.

મોદીલહેરમાં લોકસભાની ચૂંટણીમાં હાર્યા પછી પણ સોમાભાઈ 2017ની વિધાનસભા ચૂંટણીમાં લીંબડી બેઠક પરથી ભાજપના કિરીટસિંહ રાણા જેવા મજબૂત ઉમેદવારને હરાવી વિધાનસભામં પહોંચ્યા હતા. સોમાભાઈ 1989, 1991 અને 2004માં ભાજપની ટિકિટ પર અહીંથી જીત્યા હતા તો 2009માં કૉંગ્રેસની ટિકિટ પર જીતી આવ્યા હતા.

અહીં 40 ટકા જેટલા કોળી મતદારો ઉપરાંત ક્ષત્રિય, માલધારી-ભરવાડ, પાટીદાર, દલિત, મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10-10 ટકાની આસપાસ છે. બાકી રહેલા મતદારોમાં બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણો અને સથવારા સમાજના મતદારો મુખ્ય છે.