સાબરકાંઠાઃ પરંપરા કરતાં જ્ઞાતિનાં સમીકરણો વધારે નિર્ણાયક

ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી આ બેઠકને ઐતિહાસિક એટલા માટે ગણાવી શકાય કે આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદાનો આ બેઠકથી ભવ્ય વિજય થયો હતો. 1951 થી 1962 એમ ત્રણ લોકસભા ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાએ કોગ્રેસના પ્રતિનિધિ તરીકે આ બેઠક પરથી ચૂંટાયા હતા. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઇ પટેલનાં પુત્રી મણીબહેન પટેલ પણ આ જ બેઠક પરથી 1973માં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે વિજેતા બન્યાં હતાં.

સાબરકાંઠા લોકસભા બેઠક પર કૉંગ્રેસનો દબદબો આમ તો 1951થી લઈને 1973 સુધી રહ્યો હતો. જો કે 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ અહીંથી વિજેતા બન્યા હતા.

આઝાદીથી લઈને આજ સુધી 12 ચૂંટણીમાં કોગ્રેસ વિજેતા બની, જયારે 1991માં ભાજપને અહીંથી પહેલીવાર વિજય મળ્યો હતો. રામાયણ સિરિયલમાં રાવણ તરીકે લોકપ્રિય બનેલા અરવિંદ ત્રિવેદી ભાજપના ઉમેદવાર તરીકે અહીંથી જીત્યા હતા. એ પછી 1996માં અહીં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં પત્ની નીશા ચૌધરી વિજેતા બન્યાં હતાં.

2014ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કૉંગ્રેસી ઉમેદવાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા સામે ભાજપના દિપસિંહ રાઠોડનો મુકાબલો હતો અને કૉંગ્રેસ માટે મજબુત ગણાતી આ બેઠક પર પણ કૉંગ્રેસના બાપુને ટનાટન હારનો સામનો કરવો પડ્યો હતો.

સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં હિંમતરનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ એમ કુલ સાત વિધાનસભા બેઠકો છે, જેમાંથી કૉંગ્રેસ પાસે ખેડબ્રહ્મા, ભિલોડા, બાયડ અને મોડાસા એમ ચાર બેઠક છે, જ્યારે ભાજપ પાસે હિંમતનગર, ઈડર અને પ્રાંતિજ એમ ત્રણ બેઠક છે. વિધાનસભાની મતગણતરી પ્રમાણે સાબરકાંઠા બેઠક પર કૉંગ્રેસ ભાજપથી 14013 મતની સરસાઈ ભોગવે છે. જોકે હમણાં જ અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી બાયડના કૉંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ અલ્પેશને ટેકો આપતા કૉંગ્રેસ માટે હાલત કફોડી થઈ શકે છે.

અહીં આશરે છ લાખ ક્ષત્રિય ઠાકોર, 3.5 લાખ એસ.ટી. અને 1.5 લાખ મુસ્લિમ મતદારો છે. આ સંજોગોમાં સ્વાભાવિક રીતે જ ક્ષત્રિય-ઠાકોર મતદારો જે તરફ વળે એ પક્ષ વિજેતા બની શકે છે.

ભાજપે આ બેઠક પર સીટિંગ સાંસદ દિપસિંહ રાઠોડને રિપિટ કર્યા છે જ્યારે કૉંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોરને મેદાનમાં ઊતાર્યા છે. શંકરસિંહ વાઘેલા બાપુ આ વખતે પ્રત્યક્ષ ચૂંટણી મેદાનમાં નથી, પણ એ કઈ તરફ ઝોક ઢાળે છે એ જોવાનું પણ રસપ્રદ બની રહેશે.

અહીં કુલ 20 ઉમેદવારો જંગમાં છે.