રાજકોટઃ ભાજપની સાથે મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા પણ દાવ પર

લોકસભાની સૌથી જૂની બેઠકોમાંની એક રાજકોટ લોકસભા બેઠક પર વર્ષોથી ભાજપનો કબ્જો રહ્યો છે. રાજકોટ બેઠક પર 1977માં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ ચૂંટાયા હતા. વર્ષ 1989 પછી આ બેઠક સતત ભાજપ પાસે રહી છે, પણ 2009ની ચૂંટણીમાં અહીં એ સમયે કૉંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ભાજપના અબજોપતિ ઉમેદવાર કિરણ પટેલને 24,735 મતોથી મ્હાત કરીને રાજકીય અપસેટ સર્જ્યો હતો.

અગાઉ 1996થી આ બેઠક પર ભાજપના ડૉ. વલ્લભ કથિરિયા જીતતા આવ્યા છે. ફરી 2014માં ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાએ કૉંગ્રેસના કુંવરજીભાઈને 2,46,428 મતની જંગી સરસાઈથી પરાજય આપ્યો હતો.

જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો, અહીં અંદાજિત મતદારો 18,65,710 જેટલા છે, જેમાં સૌથી વધુ પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. પાટીદાર 5,50,000 મતદારો છે, એમાંય વધુ મતદારો લેઉવા પટેલ છે છતાં બન્ને પક્ષોએ કડવા પટેલ ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યાર બાદ ત્યારબાદ કોળી મતદારો, દલિત અને ક્ષત્રિય મતદારો છે. પાટીદાર મતદારો અહીં  નિર્ણાયક સાબિત થઇ શકે છે.

રાજકોટ લોકસભા બેઠકમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ તેમજ જસદણ, ટંકારા, વાકાંનેર કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ સાતેય વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે પાંચ છે અને કૉંગ્રેસ પાસે ટંકારા અને વાકાંનેર એમ બે બેઠક છે. 2017માં જસદણની બેઠક પરથી કૉંગ્રેસના કુંવરજી બાવળિયા અહીંથી જીતેલા પણ ગયા વર્ષે એ ભાજપમાં જોડાતા ભાજપના ઉમેદવાર તરીકે ફરી અહીંથી જીત્યા છે. આ સંજોગોમાં રાજકોટની બેઠક પર ભાજપ પટેલ મતદારો ઉપરાંત કોળી મતદારો ઉપર પણ મદાર રાખીને બેઠો છે.

આ બેઠક પર હાલ ભાજપના સિટિંગ સાંસદ મોહન કુંડારિયા અને કૉંગ્રેસના લલિત કથગરા વચ્ચે સીધો મુકાબલો છે. લલિત કથગરા પણ કૉંગ્રેસના ધારાસભ્ય છે અને હાર્દિક પટેલની પાસ ટીમથી નજીક ગણાય છે એટલે કૉંગ્રેસે આ પરિબળનો ફાયદો લેવા માટે લલિતભાઈને મેદાનમાં ઊતાર્યા છે.

આમ તો રાજકોટ બેઠક પર આ વખતે ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડે અને એનો ફાયદો સૌરાષ્ટ્રની અન્ય બેઠકો પર ભાજપને મળે એવી ચર્ચા હતી, પણ ભાજપે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખ્યા પછી છેવટે મોહનભાઈ પર જ વિશ્વાસ મૂક્યો છે. થોડા સમય પહેલાં પાટિદારોની નારાજગીની ચર્ચા વચ્ચે અઘરી ગણાતી આ બેઠક ભાજપ માટે હવે કદાચ સરળ બની શકે છે. ભાજપ સરકારે રાજકોટને નવી એઈમ્સ આપવાની અને ગ્રિનફિલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરીને મતદારોને પોતાની તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે.

રાજકોટની બેઠકના પરિણામ પર રાજ્ય સરકારનું ભાવિ પણ અવલંબિત એટલા માટે છે કે રાજકોટ એ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હૉમગ્રાઉન્ડ છે અને એમની વ્યક્તિગત પ્રતિષ્ઠા પણ અહીં દાવ પર લાગેલી છે.

આ બેઠક પર કુલ 10 ઉમેદવારો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]