કચ્છઃ કોના કાંગરા ખરશે?

દેશના છેવાડાના સરહદી વિસ્તાર કચ્છની લોકસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. કચ્છ લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાંથી એક છે. 1952ની પહેલી લોકસભા ચૂંટણીમાં કચ્છમાંથી કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ એમ લોકસભાની બે બેઠકો હતી. આ બંને બેઠકો કોંગ્રેસે જીતી હતી. 1957માં માત્ર કચ્છ બેઠક થઈ ત્યારે પણ કોંગ્રેસના ભવાનજી અરજણ ખીમજી જીત્યા હતા. સ્વતંત્ર પાર્ટીની સ્થાપના પછી કચ્છના રાજવી પરિવારના હિંમતસિંહજી જાડેજા 1962માં આ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા. 2009ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડાઈ હતી ને એ વખતે આ બેઠક અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત જાહેર થતાં ભાજપનાં પૂનમબહેન જાટને ટિકિટ આપી હતી. આ બેઠક પર છેલ્લી 5 લોકસભા ચૂંટણીઓમાં એટલે કે 25 વર્ષથી ભાજપ સતત ચૂંટાઈ આવ્યું છે.

2014માં ભાજપના વિનોદ ચાવડાને 5,62,855 મત મળ્યાં હતાં તેની સામે કોંગ્રેસના ઉમદેવાર ડો. દિનેશ પરમારને 3,80,373 મત મળ્યા હતાં. આ સરસાઈ કચ્છના ઈતિહાસમાં સૌથી મોટી સરસાઈ છે. જ્યારે 2009માં ભાજપે મહિલા ઉમેદવાર પૂનમબહેન જાટને તક આપી હતી. પૂનબહેન 71 હજાર મતની સરસાઈથી કોંગ્રેસના વાલજી દનિચા સામે જીત્યા હતા. કચ્છમાં બેઠકનું સમીકરણ જોઈએ તો હાલ ભાજપની સ્થિતિ મજબુત ગણી શકાય, કારણ કે પંચાયતથી લઈને લોકસભા સુધી ભાજપની સત્તા છે. કચ્છની લોકસભાની બેઠકમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ,રાપર, અને મોરબી મળીને કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી 2017ની વિધાનસભા ચૂંટણી પછી ત્રણ કૉંગ્રેસ અને ચાર ભાજપ પાસે છે.

 

કચ્છ લોકસભા બેઠક પર કુલ 17,30,353 મતદારો છે. આ મતદારોનાં જ્ઞાતિસમીકરણો ભાજપની તરફેણમાં છે કેમ કે આ મતવિસ્તારમાં સવર્ણ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત એ બધી જ્ઞાતિઓના મતદારોની સંખ્યા 7-8 ટકાની આસપાસ છે એટલે કોઈ એક જ્ઞાતિનું ચોક્કસ પ્રભુત્વ નથી.

કચ્છ બેઠક પરથી જીતીને લોકસભામાં પહોંચવા માટે આ વખતે 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભાજપે વિનોદ ચાવડાને રિપિટ કર્યા છે તો કૉંગ્રેસે નરેશ મહેશ્વરીને મેદાનમાં ઊતાર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]