દાહોદ: શું ભાભોરને ભારે પડશે કટારાનો હાથ?

અનુસૂચિત જનજાતિ માટે ફાળવાયેલી દાહોદ લોકસભા બેઠકમાં કુલ 16,57,702 મતદારો છે, જેમાંથી 10,47,442 આદિવાસી, 2,42,380 ઓ.બી.સી., 4,52,694 દલિત અને બે લાખ જેટલા અન્ય મતદારો છે. પરંપરાગત રીતે દાહોદની બેઠક કૉંગ્રેસની મજબૂત બેઠકોમાંની એક રહી હતી, પણ છેલ્લાં બે દાયકાથી આ બેઠક પર ભાજપનો પ્રભાવ રહ્યો છે. કૉંગ્રેસ અહીં 10 વાર અને ભાજપ 3 વાર જીતી છે. આ મતવિસ્તારમાં સંતરામપુરા, ફતેપુરા, ઝાલોદ, લિમખેડા, દાહોદ, ગરબડા અને દેવગઢબારિયા એમ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી ત્રણ કૉંગ્રેસ અને ચાર ભાજપ પાસે છે.

જોકે 2014ની ચૂંટણીમાં ભાજપના જસવંતસિંહ ભાભોરે અઢી લાખ જેટલી જંગી સરસાઈથી જીત મેળવી છે. અત્યારે જસવંતસિંહ કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી છે. ભાજપે ફરી એમને જ ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસે ભાજપ તરફથી બેવાર આ બેઠક જીતનારા બાબુભાઈ કટારાને પક્ષમાં લઈ એમને ટિકિટ આપી છે. બાબુભાઈ કટારા પર ભૂતકાળમાં કબૂતરબાજીના પણ આક્ષેપો થયેલા છે.કૉંગ્રેસમાંથી એમના અને પૂર્વ સાંસદ ડૉ. પ્રભા તાવિયાડ વચ્ચે સ્પર્ધા હતી, પણ છેવટે કૉંગ્રેસે બાબુભાઈ પર પસંદગી ઊતારી છે.

કૉંગ્રેસના સોમજીભાઈ ડામોર આ બેઠક પર 1977થી 1998 સુધી સળંગ સાતવાર ચૂંટાયા હતા.  એ પછીની 1999 અને 2004ની લોકસભામાં ભાજપના બાબુભાઈ કટારા ચૂંટાયા, પણ 2009માં ફરી આ બેઠક કૉંગ્રેસના ડૉ. પ્રભાબહેન તાવીયાડે જીતી લીધી. રસપ્રદ વાત છે કે બે દાયકા સુધી સતત સાત ટર્મ અહીંથી ચૂંટાયેલા કોંગ્રેસી સોમજીભાઈ ડામોરે કોંગ્રેસ છોડીને 2004માં નવશક્તિ પાર્ટી તરફથી અને 2009માં ભાજપનો ખેસ પહેરીને અહીંથી ચૂંટણી લડી હતી, પણ બન્નેમાં એમનો કારમો પરાજય થયો હતો.

મુખ્યત્વે ગ્રામીણ અને આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠકમાં હાલના તબક્કે ભાજપનો હાથ ઉપર ગણાય છે. જોકે આદિવાસી મતદારો છેલ્લે કોના તરફ ઢળશે એ કહેવું મુશ્કેલ છે.

2019ની લોકસભા માટે આ બેઠક પરથી 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.