ભરૂચઃ છોટુભાઈ કૉંગ્રેસનો ખેલ બગાડશે?

ભાજપ માટે અમુક અંશે સુરક્ષિત ગણાતી આ બેઠક પર આ વખતે જંગ ખરાખરીનો ખેલ ખેલાઇ શકે છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા અહેમદ પટેલનો વિસ્તાર હોવા છતાં ય 1989 થી આ બેઠક પર ભાજપ જીતતો આવ્યો છે. અહીંથી ત્રણ વખત ચૂંટાયેલા અહેમદ પટેલને 1989 માં ભાજપના ચંદુભાઇ દેશમુખે હરાવ્યા પછી કોંગ્રેસ અહીંથી ક્યારેય જીતી નથી. 2014 માં ભાજપના મનસુખ વસાવા અહીંથી 1,53,273 મતે જીત્યા હતા.

કુલ 15.56 લાખ મતદારો ધરાવતી ભરૂચ લોકસભા બેઠકમાં 5.50 લાખ આદિવાસી, 3.50 લાખ મુસ્લિમ, 3 લાખ ઓ.બી.સી. અને 1 લાખ દલિત મતદારો છે. સ્વાભાવિક રીતે જ આદિવાસી મતદારો અહીં મહત્વની ભૂમિકા કરશે. કરજણ, દેડિયાપાડા, જાંબુસાર, વાગરા, જઘડિયા, ભરૂચ ને અંકલેશ્વરની વિધાનસભા બેઠકો આવરી લેતા આમતવિસ્તારમાંથી ભાજપ પાસે વાગરા, ભરૂચ અને અંકલેશ્વર બેઠક છે, જયારે કોંગ્રેસ પાસે કરજણ, ડેડિયાપાડા, જંબુસર અને ઝઘડિયા બેઠક છે. વિધાનસભાના મત પ્રમાણે કોંગ્રેસ અહીં ભાજપથી ફક્ત 1964 મતથી જ પાછળ છે એટલે કોંગ્રસ આ બેઠક પર આશા રાખી રહી છે.

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે કૉંગ્રેસે શેરખાન પઠાણને ટિકિટ ફાળવી છે. મજબૂત આદિવાસી નેતા ગણાતા છોટુ વસાવાએ પણ જંગમાં ઝુકાવ્યું છે એટલે અહીં ત્રિકોણીય જંગ જામ્યો છે. છોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટા કોંગ્રેસ સાથે ગઠબંધન કરે એવી શક્યતા હતી, પણ ગઠબંધન ન થતાં હવે એનો ફાયદો ભાજપને મળે એવી શક્યતા છે.

આ બેઠક પર અત્યારે 17 ઉમેદવારો જંગે ચઢ્યા છે.