બનાસકાંઠાઃ મતદારોની પસંદ પરબતભાઈ કે પરથીભાઈ?

ઉત્તર ગુજરાતની આ મહત્વની ગણાતી બેઠક પર જ્ઞાતિના સમીકરણો સૌથી મહત્વનો ભાગ ભજવે છે. દૂધની ડેરીનું રાજકારણ પણ જિલ્લાના રાજકારણમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલું છે. ચૌધરી સમાજ કઈ તરફ વળે છે એના પર પણ ઘણો બધો આધાર રહે છે. 2014માં ભાજપના હરિભાઈ ચૌધરીનો કોંગ્રેસના જોઈતાભાઈ પટેલ સામે આશરે બે લાખ મતોથી વિજય થયો હતો.

આ વખતે ભાજપે સિટીંગ સાંસદ અને કેન્દ્રમાં મંત્રી રહેલા હરિભાઈ ચૌધરીને પડતા મુકીને રાજ્ય સરકારમાં મંત્રી તરીકે કાર્યરત ધારસભ્ય પરબત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે ડેરીના રાજકારણના જૂના ખેલાડી એવા પરથી ભટોળને મેદાનમાં ઉતાર્યા છે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. બનાસકાંઠા લોકસભા બેઠકના પ્રથમ ઉમેદવાર અકબરભાઈ ચાવડા હતા. આ બેઠક પરથી વિજેતા થઈ કોંગ્રેસના બી.કે.ગઢવી અને જનતાદળના જે.વી.શાહ કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે. જ્યારે સૌથી વધુ વખત હાલના ભાજપી સાંસદ હરિભાઈ ચૌધરી ચાર વખત વિજેતા થયા છે.

બનાસકાંઠા લોકસભા બેઠકમાં સૌથી વધુ ઠાકોર અને ચૌધરી મતદારો છે. છેલ્લાં 20 વર્ષમાં 6 ભાજપે હરિભાઈ ચૌધરીને છવાર ટિકિટ આપી છે, જેમાં હરિભાઈ ચાર વખત જીત્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની 9માંથી 6 બેઠક કોંગ્રેસ પાસે છે. સ્વતંત્રતા પછી આ બેઠક પર દસવાર કૉંગ્રેસ અને પાંચવાર ભાજપ વિજયી બન્યો છે. છેલ્લાં વરસોમાં કુદરતી આપત્તિઓનો ખૂબ ભોગ બનેલા આ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવો પડ્યો હતો. અહીં જ્ઞાતિ સમીકરણો કે પાર્ટીના નામની સાથે સાથે મતદારો સ્થાનિક પસંદગીના વ્યક્તિવિશેષને જીતાડતા આવ્યા છે એટલે ભૂતકાળમાં આ બેઠક પરથી અલ્પ સંખ્યા ધરાવતા સમાજના ઉમેદવારો પણ ચૂંટાયા છે.  કુલ 22,17,913 મતદારોમાં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો સૌથી વધુ છે. આમ આ બેઠક પર ચૌધરી સમાજ અને જ્ઞાતિ ફેક્ટર મહત્વના છે.

આ લોકસભા મતવિસ્તારની વાવા, ધાનેરા, દાંતા, પાલનપુર, દિયોદર, થરાદ, ડીસા, કાંકરેજ ને વડગામ એમ કુલ નવ વિધાનસભા બેઠકોમાંથી ત્રણ ભાજપ પાસે ને પાંચ કૉંગ્રેસ પાસે છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો મુજબ કુલ મતોમાં કૉંગ્રેસ ભાજપ કરતાં આશરે 25,000 મત આગળ છે.

ભાજપના યુવા નેતા શંકર ચૌધરી માટે પરબત પટેલ જીતે એ મહત્વનું કેમ કે પરબત પટેલ જીતીને સંસદમાં જાય તો એમની ખાલી પડેલી બેઠક પર શંકર ચૌધરી વિધાનસભામાં લડી શકે. શંકર ચૌધરી અને કપાયેલા સાંસદ હરિભાઈ ચૌધરી વચ્ચે છૂપો ગજગ્રાહ છે.

આ બેઠક પર કુલ 14 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે, જેમાં ભાજપના પરબત પટેલ અને કૉંગ્રેસના પરથી ભટોળ વચ્ચે સીધો મુકાબલો છે.