આણંદ: ભરતસિંહ ગઢ પાછો લેશે કે બકાભાઈ બાજી મારશે?

ગુજરાતની લોકસભા બેઠકોમાં હાલના તબક્કે કોંગ્રેસની જીતવાની સૌથી વધારે શક્યતા કોઈ બેઠક પર હોય તો એ બેઠક આણંદ લોકસભા બેઠક છે. આણંદ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક છે અને છેલ્લી 9 લોકસભા ચૂંટણીમાંથી 6 વાર આ બેઠક કોંગ્રેસે જીતી છે. ભાજપનો ગુજરાતમાં ઉદય 1989ની લોકસભા ચૂંટણીથી થયો. એ પછી ભાજપે આ બેઠક 3 વાર જીતી છે.

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ છે તેનું કારણ સોલંકી-ચાવડા પરિવાર છે. આ બેઠક પર પહેલાં કોંગ્રેસના ઈશ્વરભાઈ ચાવડા જીતતા. ઈશ્વરભાઈ ચાવડા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા અને હાલના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના દાદા થાય.

ઈશ્વરભાઈની વિદાય પછી તેમનો દોહિત્ર અને માધવસિંહના પુત્ર ભરતસિંહ સોલંકી મેદાનમાં આવ્યા. ભરતસિંહે 2004 અને 2009માં આ બેઠક સરળતાથી જીતી હતી. 2014માં નરેન્દ્ર મોદીની લહેરના કારણે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપે જીતેલી. એ વખતે ભરતસિંહ પણ હારી ગયેલા પણ 2017ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ સાબિત કર્યું કે, આ વિસ્તારમાં કોંગ્રેસ પાછી બેઠી થઈ ગઈ છે ને ફરી પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે.

આણંદ લોકસભા મતવિસ્તાર હેઠળ ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા એ સાત વિધાનસભા મતવિસ્તારો આવે છે. કોંગ્રેસે આ 7 બેઠકોમાંથી 5 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. ભાજપના ફાળે ઉમરેઠ અને  ખંભાત એ બે બેઠકો આવી. ખંભાત બેઠક ભાજપ માંડ માંડ 2318 મતે જીત્યો હતો જ્યારે ઉમરેઠ બેઠક પર તો ભાજપની સરસાઈ માત્ર 1993 મતની હતી. તેની સામે કોંગ્રેસ સોજીત્રા બેઠકને બાદ કરતાં બાકીની બેઠકો સારી સરસાઈથી જીતી ગઈ હતી. લોકસભાનાં સમીકરણો અલગ હોય છે પણ આ 7 વિધાસભા બેઠકોમાં બંને પક્ષને મળેલા કુલ મતો ગણવામાં આવે તો કોંગ્રેસને 61,214 મત વધારે મળ્યા હતા.

આણંદમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે તેનું કારણ આ મતવિસ્તારનાં જ્ઞાતિનાં સમીકરણો છે. આણંદ મતવિસ્તારમાં કુલ મતદારોના 35 ટકા મતદારો અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના છે જ્યારે 25 ટકા પાટીદારો છે. ઓબીસીમાં પણ બહુમતી મતદારો બારૈયા જ્ઞાતિના છે. માધવસિંહ સોલંકી બારૈયા છે તેથી આખો સમાજ તેમની પડખે રહે છે.

આણંદ મતવિસ્તારમાં પાટીદારોની સંખ્યા નોંધપાત્ર છે પણ પાટીદારોમાં વિભાજન છે. ઉત્તર ગુજરાતમાં પાટીદારો ભાજપની મજબૂત મતબેંક મનાતા પણ ચરોતરમાં તમામ પાટીદારો ભાજપ સાથે નથી.

દલિત મતદારોનું પ્રમાણ 8 ટકા જેટલું છે અને તે પણ કોંગ્રેસની પરંપરાગત મતબેંક છે. આ રીતે કોંગ્રેસ પાસે આગવી મતબેંક છે અને તેનો લાભ તેને મળે છે.

ભાજપે અહીં ભરતસિંહ સામે સીટિંગ સાંસદ દિલીપ પટેલને પડતાં મૂકી મિતેશ પટેલને ટિકિટ આપી છે.

આ વખતે આણંદ બેઠક પર 10 ઉમેદવારો ઊભા છે.