ચૂંટણીપ્રચારમાં પૂરજોશમાં જામી છે હાર્દિકની રાજકીય ઈનિંગ…

ચૂંટણીના ગરમ માહોલમાં એક તરફ બન્ને મુખ્ય રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓ વચ્ચે ભાષણોની હોડ જામેલી છે તો બીજી તરફ ઉમેદવારો વચ્ચે જામેલી છે જંગ પોતપોતાની પાર્ટીના સ્ટાર-પ્રચારકો પાસેથી પ્રચાર કરાવવાની. અલબત્ત, આ માહોલમાં કૉંગ્રેસી ખેમામાંથી જાણવા જેવી વાત એ ઊડી આવે છે કે હાર્દિક પટેલ અત્યારે ગુજરાત-કૉંગ્રેસના સ્ટાર-પ્રચાકરોમાં સૌથી ટોચના સ્થાને છે.

લલિત વસોયાએ પોરબંદરમાં જ્યારે ઉમેદવારી પત્રક ભર્યું ત્યાંથી હાર્દિકે કૉંગ્રેસ તરફથી સત્તાવાર ચૂંટણીપ્રચાર આરંભ્યો હતો ને અત્યાર સુધી સતત સભા-રેલીઓ સંબોધી રહ્યો છે. મુંબઈમાં ગુજરાતીઓનો પ્રભાવ જોતાં કૉંગ્રેસે ત્યાં પણ હાર્દિકના નામનું પાસું ફેક્યું હતું અને ઉમેદવાર અભિનેત્રી ઊર્મિલા માર્તોડકરની સભામાં હાર્દિકે સંબોધન કર્યું હતું. ઉપરાંત, કૉંગ્રેસના ઉત્તર પ્રદેશ માટેના 40 સ્ટાર-પ્રચારકોમાં ગુજરાત-કૉંગ્રેસથી એકમાત્ર કૉંગ્રેસી આગેવાન તરીકે હાર્દિક પટેલનું જ નામ છે. રાજસ્થાન માટેના સ્ટારપ્રચારકોમાં પણ હાર્દિકનું નામ સામેલ છે. કૉંગ્રેસના ઉમેદવારો તરફથી પણ સભા સંબોધન અને પ્રચાર માટે હાર્દિક પટેલની માગ ઘણી વધારે છે. પ્રચાર માટે કૉંગ્રેસના પીઢ નેતાઓ કરતાં પણ અત્યારે હાર્દિક વધારે ડિમાન્ડમાં છે. આ માટે પાર્ટીએ હાર્દિકને ખાસ હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. ગુજરાતમાં જ્યાં-જ્યાં પાટિદાર મતદારોનું પ્રભુત્વ હોય ત્યાં-ત્યાં હાર્દિક અત્યારે સભાઓ ગજવી રહ્યો છે.

હાર્દિકના મીડિયા-કૉ-ઓર્ડિનેટર અને નજીકના સાથી નિખિલ સવાણી chitralekha.comને જણાવે છે એમ અત્યાર સુધી હાર્દિકે પચ્ચીસ જેટલી રેલી સંબોધી છે અને હજી આવનારા દિવસોમાં બીજી વીસ જેટલી સભાઓ સંબોધશે એવી શક્યતા છે. આમ આ ચૂંટણી પ્રચારમાં કુલ 45 જેટલી સભા-રેલીઓ હાર્દિકના નામે બોલશે.

શક્યતા એવી પણ છે કે ચૂંટણીના પડઘમ શાંત થતાં અગાઉ 20 એપ્રિલની આસપાસ અમદાવાદમાં હાર્દિક એક જંગી સભાને સંબોધે. અમદાવાદના મતદારોને ધ્યાનમાં રાખી આવું વિશાળ આયોજન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સભા માટે અમદાવાદ આસપાસની ચારેય બેઠકોના મતદારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

સ્વાભાવિક છે કે અત્યારે પ્રજાના જે વર્ગમાં થોડી પણ અસંતોષ અને સત્તાવિરોધી લાગણી છે એમને કૉંગ્રેસ પોતાના મતદારોમાં ફેરવવા મથી રહી છે અને એ માટે થોડાં વરસ અગાઉ જ પાટિદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલના નામ-ચહેરાનો આ ચૂંટણીમાં પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસોમાં કૉંગ્રેસને કેટલી સફળતા મળે છે એ તો ચૂંટણી પરિણામોમાં જ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે હજી એક મહિના પહેલાં જ, ગત 12 માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં અમદાવાદમાં સત્તાવાર રીતે કૉંગ્રેસમાં જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]