પરિણામો પહેલાં જ ઇવીએમને લઇને વિપક્ષી દળોએ ઉઠાવ્યા પ્રશ્નો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવવામાં માત્ર હવે 48 કલાકનો સમય બાકી રહ્યો છે. પરંતુ પરિણામો પહેલા જ એક્ઝિટ પોલના તારણોને લઇને વિપક્ષમાં ગણગણાટ શરુ થઈ ગયો છે. આજે વિપક્ષના ઘણા નેતાઓએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડૂની આગેવાનીમાં બેઠક કરી હતી. તમામ નેતાઓની માંગ વીવીપેટની ચીઠ્ઠીની ગણતરી અને ઈવીએમને લઈને ચિંતા કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ અને સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબ પહોંચી ગયા છે. અહીંયા ચંદ્રાબાબુ નાયડૂની આગેવાનીમાં વિપક્ષની બેઠક થઈ રહી છે. રાજદના નેતા મનોજ ઝા પણ બેઠકમાં પહોંચ્યા છે. બેઠક પહેલા સપા નેતા રામગોપાલ યાદવે કહ્યું કે વિપક્ષ ડરેલો નથી અને જેઓ ડરી ગયા છે તે લોકો ગુફામાં બેસી ગયા છે.

લોકસભા ચૂંટણી પહેલા થયેલી વિપક્ષની બેઠક ખતમ થઈ ગઈ છે. બેઠક બાદ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડૂ, કોંગ્રેસ દ્વારા અહમદ પટેલ અને ગુલામ નબી આઝાદ ચૂંટણી આયોગ સાથે મુલાકાત કરવા પહોંચી ગયા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા વિપક્ષ ઈવીએમને લઈને ખટપટ કરી રહ્યો છે. આ વચ્ચે વિપક્ષને એક અવાજ મળ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈવીએમને લઈને આવી રહેલા સમાચારો પર ચિંતા વ્યક્ત કરી છે. પ્રણવ મુખર્જીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈવીએમને લઈને આવી રહેલા સમાચારો ચિંતાજનક છે. ઈવીએમની સુરક્ષા કરવી તે ચૂંટણી આયોગની જવાબદારી છે. તેમણે કહ્યું કે ચૂંટણી આયોગે જનતાનો ભરોસો તુટવા ન દેવો જોઈએ.

ટ્વિટર પર નિવેદન જાહેર કરતા પ્રણવ મુખર્જીએ લખ્યું કે લોકતંત્રમાં લોકોના નિર્ણય પર કોઈપણ પ્રકારનું સંકટ ન આવવું જોઈએ. લોકોનો નિર્ણય હંમેશા કોઈપણ પ્રકારના સંશયથી અલગ થઈને સર્વોચ્ચ રહેવો જોઈએ.

પૂર્વ રાષ્ટ્રપતિએ લખ્યું કે, સંસ્થાનોમાં વિશ્વાસ રાખતા મારુ માનવું છે કે જે કાર્ય કરી રહ્યા છે તે જવાબદારીને સંસ્થાને યોગ્ય રીતે નિભાવવી જોઈએ. પ્રણવ મુખર્જીએ લખ્યું કે અત્યારે જે પણ સંશય સામે આવી રહ્યા છે, તેના પર ચૂંટણી આયોગને કાર્યવાહી કરવી જોઈએ જેથી આ સંશયોને કોઈ જગ્યા ના મળે.