કશ્મીર ભારતથી છૂટું નહીં થાય: દક્ષિણ ગુજરાતમાં અમિત શાહની ગર્જના

વલસાડ- લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વલસાડ તેમજ છોટાપુરમાં ચૂંટણી પ્રચાર માટે આવી પહોચ્યાં હતાં. અમિતશાહે ધરમપુર તાલુકાના માલનપાડામાં એક જંગી ચૂંટણી સભા સંબોધ્યા બાદ છોટાઉદેપુર લોકસભા વિસ્તારના બોડેલી ખાતે પણ ચૂંટણી સભાને સંબોધી હતી.

અમિત શાહ એ અનેક મુદ્દે કોંગ્રેસ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતાં. મહત્વનું છે કે, વલસાડ લોકસભા બેઠકની એક રાજકીય માન્યતા છે કે સામાન્ય રીતે માન્યતા છે કે વલસાડની બેઠક જીતે તેની દિલ્હીમાં સરકાર બને છે.  આથી પોતાના સંબોધનમાં અમિત શાહે પણ આ માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં અમિતશાહે એર સ્ટ્રાઈક દેશની સુરક્ષા સહિતના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. પોતાના ભાષણમાં અમિત શાહે જણાવ્યું કે જ્યારે ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઇક બાદ આખા દેશમાં ઉજવણી જેવો માહોલ હતો. પરંતુ બે જગ્યાએ શોકનો માહોલ હતો. એક પાકિસ્તાનમાં અને બીજો કોંગ્રેસની કાર્યાલયમાં.

શાહે જણાવ્યું કે ભૂતકાળમાં ઈન્દિરા ગાંધીએ મોરારજીભાઇ દેસાઈ સાથે ખૂબ અન્યાય કર્યો છે. સરદાર સાહેબ હોય કે મોરારજીભાઇ દેસાઈ હોય ગુજરાતને અન્યાય કરવો એ કોંગ્રેસની પરંપરા રહી છે. ભારતીય સેના પાકિસ્તાન અને આતંકવાદીઓને સણસણતો જવાબ આપે ત્યારે કોંગ્રેસમાં માતમ કેમ છવાઈ જાય છે? કોંગ્રેસના મોટા-મોટા નેતાઓ આતંકીઓને છાવરનારા નિવેદન આપે છે.

છોટાઉદેપુર લોકસભામાં બોડેલી ખાતે આયોજિત જંગી જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે, કોંગ્રેસના સાથી પક્ષના નેતા ઓમર અબ્દુલ્લાના દેશમાં બે વડાપ્રધાન હોવાની વાત કરે છે. શું રાહુલબાબા ઓમર અબ્દુલ્લાના નિવેદનથી સહમત છે ? સત્તા હોય કે ન હોય ભાજપાના કાર્યકર્તાઓમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી કશ્મીર ભારતથી છૂટું નહીં થાય. કશ્મીર તો ભારતનું અભિન્ન અંગ છે. ભાજપા તેના સંકલ્પ પત્રમાં ૩૭૦ની કલમ હટાવવાની વાત કરે છે તો કોંગ્રેસ દેશદ્રોહની કલમ હટાવવાની વાત કરીને દેશની એકતા અને અખંડિતતા સાથે ચેડા કરવાનું કામ કરે છે.

નરેન્દ્રભાઈ મોદી દેશના વિવિધ ભાગોમાં ઘૂસેલા ઘૂસણખોરોને દેશની બહાર કાઢવા માટે એન.આર.સી. લાવ્યા તો કોંગ્રેસે તેનો વિરોધ કર્યો. કોંગ્રેસને દેશના નાગરિકોના માનવઅધિકારોની ચિંતા નથી પરંતુ ઘૂસણખોરોના માનવઅધિકારોની ચિંતા છે. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતથી આસામ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઘૂસણખોરોને દેશની બહાર કાઢવાનું કાર્ય કરશે. દેશની સલામતી-સુરક્ષા-અખંડિતતા એ ભાજપા માટે પ્રાથમિકતા છે.