લોકસભાની 26 બેઠકો માટે જાણો ક્યાં કેટલાં ફોર્મ ભરાયાં અને રદ થયાં

અમદાવાદ- ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાશે જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ હતી.  અંતિમ તારીખ સુધીમાં કુલ 572 ઉમેદવારી ફોર્મ મળ્યાનું ચૂંટણી પંચે જાહેર કર્યુ છે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 8 એપ્રિલ છે.

લોકસભાની 26 બેઠકો માટે કુલ 572 ઉમેદવારી ફોર્મમાંથી 120 ફોર્મ રદ્દ થયાં હતાં, એટલે કે કુલ 452 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 43 ઉમેદવારો સાથે સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ ઉમેદવારો નોંધાયા છે, જ્યારે 8-8 ઉમેદવારો સાથે દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર સૌથી ઓછા ઉમેદવારો નોંધાયા છે. જોકે, સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ફોર્મ પરત ખેંચાયા બાદ બેઠકદીઠ સ્પર્ધાની સ્થિતિ સ્પષ્ટ થશે. રદ થયેલા ઉમેદવારીપત્રકોમાં એફિડેવિટમાં ક્ષતિઓ, એકથી વધુ ફોર્મ અને ડમી ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ફોર્મ ભરવાના છેલ્લા દિવસ એટલે કે, 4 એપ્રિલ સુધીમાં 4 વિધાનસભા પેટાચૂંટણી માટે 83 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. વિધાનસભા પેટાચૂંટણીમાં જામનગર ગ્રામ્યમાં 32, ઊંઝામાં 21, ધ્રાંગધ્રામાં 19 અને માણાવદરમાં 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ચારેય બેઠકો પરથી કુલ 15 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 28 ઉમેદવારો સાથે જામનગર ગ્રામીણ પર સૌથી વધુ અને માણાવદર બેઠક પર 8 ઉમેદવારો સાથે સૌથી ઓછા ઉમેદાવારોએ ઉમેદવારી નોંધાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]