ચૂંટણી જંગમાં GST કેમ મુખ્ય મુદ્દો બની રહ્યો છે…

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ જીએસટી મુખ્ય મુદ્દો બની રહ્યો છે. કારણ કે ગુજરાત એ વેપારીઓનું રાજ્ય છે. જીએસટી પછી ગુજરાતના તમામ વેપારીઓ ભારે પરેશાન થયા હતા, જીએસટીને કારણે તેમના ધંધા પર વિપરીત અસર પડી છે, પરિણામે તેમના માનસ પર ઘેરી છાપ પડી છે. આનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી રહી છે. ચૂંટણી પ્રચારમાં વારંવાર જીએસટીનો મુદ્દો ઉઠાવીને તેઓ વેપારીઓને યાદ કરાવી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 2019માં આવનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલના સ્વરૂપમાં જોવામાં આવી રહી છે. દેશમાં જ્યારથી જીએસટી લાગુ થયો ત્યારથી ગુજરાતમાં તે ખૂબ જ ચર્ચાતો વિષય બની ગયો છે. ગુજરાત એ વાણિયાનું રાજ્ય અને વેપાર-ધંધા માટે ખુબ જાણીતું છે. જીએસટીનો અમલ થયાં પછી ગુજરાતી વેપારીઓને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાત કોંગ્રેસને આ અસંતોષને કારણે જે ગુજરાતમાં 22 વર્ષ પછી સત્તા મેળવવાની ઈચ્છા રાખી રહ્યાં છે. ભાજપને પણ આ મુદ્દાનો ખ્યાલ આવતાની સાથે જ કેટલીય ચીજો પરનો ટેક્સ રેટ ઘટાડ્યો છે, અને તેમાંય વળી ગુજરાતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સૂરતના ચૂંટણીપ્રચાર દરમિયાન સૂરતમાં કાપડના વેપારીઓને સંબોધન કર્યું હતું. કાપડના વેપારીઓએ જીએસટીની સામે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ જીએસટીનું નવુ નામ આપ્યું ‘ગબ્બર સિંહ ટેક્સ’7 ઓકટોબરે જીએસટી કાઉન્સીલે 27 વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડયો હતો. જેમાં ગુજરાત સાથે જોડાયેલા કેટલીય ચીજવસ્તુઓ હતી. સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન જેવી નાયલોન, પોલિયસ્ટર વિગેરે, મેનમેઈડ સ્ટેપલ ફાઈબર વગરના સિલાઈ કરવા દોરા વિગેરે વસ્તુઓ પર ટેક્સમાં રાહત આપી હતી. તે ઉપરાંત ખાખરા અને અન્ય અનબ્રાન્ડેડ નમકીનોને 5 ટકા ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યા હતા. તદઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ માઈક્રો સિંચાઈના સાધનો પર જીએસટી હટાવી દેવાની જાહેરાત કરી હતી.

આમ હાલ તો જીએસટી ચૂંટણી જંગમાં મુખ્ય મુદ્દો બન્યો છે અને કોંગ્રેસ તેને એનકેશ કરવા માગે છે.