મતદાનમથક માટે ક્વીક રીસ્પોન્સ ટીમની વિશેષ વ્યવસ્થા

ગાંધીનગર– વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદારો પોતાના મત સમયસર આપી શકે તે માટે ચૂંટણીપંચ દ્રારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચ આ મતદાનની પ્રક્રિયા સરળતાથી અને શાંતિપૂર્વક થાય તે દિશામાં ચોક્કસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ ઘ્વારા એક નવતર પ્રયોગ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાન મથકોમાં એક પુરુષ બાદ બે મહિલા મતદાન કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનું મુખ્ય કારણ પુરુષ કે મહિલાઓની કોઈ મોટી લાઈનો ન લાગે તેવો હશે તેમ દેખાય છે.
વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથકની 100 મીટર સુધીના અંતરમાં કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારના પ્રતિનિધિ પોતાના પક્ષના પ્રતીક સાથે ઉમેદવારને મળી શકશે નહીં અને રાજકીય રીતે પ્રચાર કે લાલચ આપી શકશે નહિ તે માટે ખાસ વૉચ ગોઠવવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા બીજી એક અગત્યની બાબત પર ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં જે તે મતવિસ્તારના મતદાર ન હોય અને ઉમેદવાર પણ ન હોય તેવા વ્યક્તિને અન્ય વિસ્તારમાં આવેલ મતદાન મથક પર જવા દેવામાં આવશે નહીં તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવનાર છે.
ચૂંટણીમાં તમામ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને વિશેષ પ્રકારની વૉચ રાખવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્રારા તમામ મતદાન મથકોનું વીડિયોગ્રાફી કરવામાં આવશે આ વીડિઓગ્રાફીનું નિરીક્ષણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ ઓબ્ઝર્વર દ્વારા કરવામાં આવશે. જેથી ચૂંટણી પ્રક્રિયાની સીધી દેખરેખ ચૂંટણી પંચને ધ્યાને રહે. ઉપરાંત મતદાનના દિવસે મતદાનની ચાલુ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ પ્રકારના વાયરલેસ સેટથી સજ્જ મોબાઈલ વાનમાં ક્વિક રિસ્પોન્સ ટીમને તૈયાર કરવામાં આવેલ છે. આમાં ટીમના અધિકારીઓ અને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવેલ છે. જેથી મતદાન મથક પર કોઈપણ પ્રકારની પરિસ્થિતિ તંગ થાય તે પહેલા આ ટીમ અને પોલીસ કૉલ મળતાની સાથે જ પહોચી શકશે. આમ મતદારોને અને મતદાન મથક પર ફરજ બજાવતા કર્મચારી/અધિકારીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.
આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાનના દિવસે મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારની મુશ્કેલી કે સમસ્યા ઉભી થાય તો કોઈપણ નાગરિક સ્થાનિક મામલતદાર કચેરી અગર તો જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરી શકશે. જેથી ઉભી થયેલ પરિસ્થિતિ હલ થઇ શકે.