PM મોદીનું હોમસ્ટેટ ગુજરાત ચૂંટણીને લઇ દેશની નજરમાં

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતાધારી ભાજપ પક્ષને જ્ઞાતિવાદ, મોંઘવારી, નોટબંધી, જીએસટી, આંતરિક જૂથવાદ જેવા મહત્વના પરિબળોનો સામનો કરવો પડશે. આ પરિબળોને લઈને પ્રજા સત્તાધારી પક્ષની વિરુદ્ધ જઈને મતદાન કરે તો સતાધારી પક્ષની હાર થાય અને તેના આગામી વર્ષમાં અન્ય રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડે. બીજી તરફ કોંગ્રેસ પણ આ બધા મુદ્દાને લઈને પ્રજાની સમક્ષ જઈ રહી છે, આ મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે. જો પ્રજા આ વાત સ્વીકારે અને કોંગ્રેસ સત્તામાં આવે તો રાજકીય ક્ષેત્રે મોટી ઊથલપાથલ થાય તેમ ચર્ચાઈ રહ્યું છે.

ભાજપ માટે દેશભરમાં ગુજરાત મોડેલ સ્ટેટ છે. ગુજરાત થઈને જ ભાજપે દિલ્હીની ગાદી મેળવી છે. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ સતા પર છે, હવે પરાજિત થાય તો ઘરઆંગણે જ ભાજપની પડતીનો પ્રારંભ થાય. ગુજરાતની ચૂંટણી પછી સવા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ નબળો પડ્યાંના અર્થઘટન સાથે રાષ્ટ્રીય ક્ક્ષાએ વિરોધ પક્ષોને સંગઠિત થવાની તક મળી જાય.

કોંગ્રેસે ગુજરાતમાં “કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે” નારા સાથે જોરશોરથી પ્રચાર આરંભ્યો છે. ભાજપ “હું છું વિકાસ હું છું ગુજરાત” સૂત્ર વહેતું મૂક્યું છે. જો ભાજપ ફરી સરકાર રચવામાં સફળ થાય તો વડાપ્રધાન મોદી આવતી લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ વધુ મજબૂત બનશે. અને જો  સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો સફળ થાય તો કોંગ્રેસ પ્રેરિત રાજકીય નવસર્જન સાથે ભાજપના અરમાનોનું વિસર્જન થઈ જશે. આવી સ્થિતિ દેશના રાજકીય માહોલમાં બદલાવ લાવવાનો રસ્તો ખોલી શકે છે.

ગુજરાતમાં અગાઉની ચૂંટણીઓ કરતાં મુદ્દા અને માહોલ આ વખતે મહદઅંશે અલગ છે. મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપ અને કોંગ્રેસના સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય ક્ક્ષા સુધીના નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ગુજરાતનું પરિણામ દેશને નવી રાજકીય દિશા ચીંધનારું બની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]