૧૮૨ બેઠકોમાંથી ૬૦ બેઠકો ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ

ગાંધીનગરગુજરાતમાં વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી હોય આમાં ત્રણ ચાર મુખ્ય જ્ઞાતિના મતદારો મહત્વની ભૂમિકામાં હોય છે. જેમાં ખાસ કરીને પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મ, મુસ્લિમ, દલિત અને આદિવાસી વિસ્તારના મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં પંચમહાલ, સાબરકાંઠાના આદિવાસી મત વિસ્તાર તરફ એક નજર કરીએ તો આદિવાસી મતદારોની અંદાજે ૮૦થી ૮૫ લાખની વસ્તી છે. આ મતો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ મતદારો જે બાજુ વળે તે બાજુ સરકાર બનાવવામાં સફળ થાય છે.

રાજયના કુલ ૩૩ જિલ્લાઓ પૈકી ૩૦ જિલ્લામાં ઓછાવત્તા પ્રમાણમાં આદિવાસી મતદારો જોવા મળે છે. ભૂતકાળમાં આ આદિવાસી મત વિસ્તાર કોંગ્રેસ સાથે રહેતો હતો, પરંતુ ગુજરાતમાં નરેંદ્ર મોદીએ શાસનની ધૂરા સંભાળ્યા બાદ આ આદિવાસી વિસ્તારમાં ભાજપે એક અનોખુ સ્થાન જાળવી લીધું છે.

૧૯૯૫ સુધી આ આદિવાસી વિસ્તાર પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. જે ૨૦૦૭ પછી અને ૨૦૧૨થી ભાજપે કબજો કરી લીધો છે. અને આ વિસ્તારોને સંપૂર્ણપણે ભાજપ રૂપ બનાવી દીધા છે. ધણાં વર્ષોથી આ સમાજ પોતાના હક્કો માટે લડતો રહ્યો છે. પરંતુ વર્તમાન સરકારે આમાના કેટલાય નાના મોટા હક્કો સીધા હાથમાં આપી એક ચોક્કસ પ્રકારનું હવામાન ઊભું કરવામાં ભાજપ સફળ રહ્યું છે.

વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો છે, તેમાથી ૬૦ જેટલી બેઠકો ઉપર આદિવાસી સમાજ ઓછા વત્તા પ્રમાણમાં પ્રભુત્વ ધરાવે છે. જેના કારણે કોઈ પણ સરકાર આવે તો આ સમાજની અવગણના કરી શકે તેમ નથી. આમ આ સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે તેમ કહી શકાય. ગુજરાતનાં આદિવાસી વિસ્તારો વર્ષોથી ગાંધીવાદી વિચાર ધારાને વરેલા છે. અને આ વિસ્તારોમાં નાની – મોટી સ્વેછિક સંસ્થાઓમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારનો વિકાસ જોઇયે તો અન્ય  રાજયની સરખામણી એ ઘણો સારો છે. આજની સ્થિતિએ આ સમાજનું ભૂતકાળમાં જે શોણ થતું હતું તેમાં ઘટાડો થયો છે.

આદિવાસી વિસ્તારના લોકો ધીરે ધીરે ભણી ગણી આગળ વધતાં થયા છે. જેમાં ખાસ કરીને સરકારી નોકરીમાં તેમણે મળતા લાભોના કારણે મામલતદાર, ડેપ્યુટી કલેકટર, કલેક્ટર સચિવ જેવી મહત્વની જ્ગ્યાઓ સુધી પહોચવામાં સફળતા મેળવી રહ્યાં છે. ભૂતકાળની સરકારોમાં આદિવાસીઓને એક ક્ક્ષાની રાજકીય વોટ બઁક ગણવામાં આવતી હતી. આમાં સુધારો આવ્યો અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આ સમાજે કોંગ્રેસનાં નેતાઓને નવો રાહ બતાવી દીધો અને વિચારમાં મૂકી દીધા. આનું મુખ્ય કારણ આ સમાજ હવે ધીરે ધીરે ખૂબ જ સમજુ અને પીઢ થતો ગયો છે. આવનારા દિવસોમાં આ સમાજ કયા પક્ષ તરફ વળે છે તે જોવાનું રહ્યું.