ચૂંટણીને પગલે પ્રજાની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો… કેવી રીતે ?

ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે પ્રજાની અનેક મુશ્કેલીઓમાં વધારો થયો છે. આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના નવા કામ કરી શકતી નથી. પ્રજાલક્ષી કોઈ નવા નિર્ણયો લઈ શકતી નથી. તેમજ જે વિકાસના કામ પુરા થયા હોય તેના ઉદઘાટન થશે નહી, સરકારી કોઈ કામ થઈ શકશે નહીં. તે ઉપરાંત જાહેર સેવાઓ પણ ચૂંટણીના કામમાં જોતરાશે, જેથી હવે બે મહિના ગુજરાતની પ્રજા અનેક મુશ્કેલીઓમાંથી પસાર થશે.લગ્નપ્રસંગ, અપડાઉન કે ભણતાં વિધાર્થીઓ, કર્મચારીઓ, વેપારીઓ જેમને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યહારતરફથી હવે પુરતી બસ સેવા નહી મળે, કારણ કે સરકારી બસો અને વાહનો ચૂંટણી પંચ અને ચૂંટણીના કામમા લાગી જશે, જેથી ગુજરાતની પ્રજાને અવરજવર માટે ખાનગી વાહનો જેવા કે રિક્ષા, જીપ, મિનિબસમાં અપડાઉન કરવું પડશે. એએમટીએસ અને જીએસઆરટીસીની બસો આગામી દિવસોમાં ચૂંટણીપંચ માટે ફરજિયાત આપવા પડશે. ચૂંટણી પંચ દ્રારા ચૂંટણીની કામગીરી માટે આ વાહનો ડિટેઇન કરવામાં આવે છે. જેને કારણે ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે અવરજવર કરશે.

ચૂંટણી આચારસંહિતા લાગતાની સાથે જ સરકારના વહીવટીતંત્રમાં કોઈ કામ થતાં નથી અને જ્યાં કામ માટે મળવા જવાનું થાય તો સરકારી કચેરીમાં જવાબ મળે કે ૨૦ ડિસેમ્બર પછી આવજો. હમણા તો આચારસંહિતા છે. તેવી જ રીતે ચૂંટણી આચારસંહિતા પહેલા કરેલા સરકારી કામો માટે કોન્ટ્રાકટરો, સ્ટેશનરી સપ્લાયર્સના વેપારીઓ વિગેરેને પોતાના નાણાં મેળવવા બિલો રજૂ કર્યા હતા, ત્યારે પણ ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થાય પછી પેમેન્ટ લેવા આવજો તેવા સરકારી જ્વાબોનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં નાણાકીય વ્યવહારો અટકી પડે છે.

આ ઉપરાંત કોઈ સામાજિક, ધાર્મિક કે લગ્નપ્રસંગ માટે બુક કરવામાં આવેલ હૉલ માટે પણ આ પરિસ્થિતીનો સામનો નગરજનોએ કરવો પડે છે. ચૂંટણીપંચ દ્રારા આવા હૉલ પોલીસ બંદોબસ્ત, ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા માટે રહેવા તેમજ જમવા માટે કલેક્ટર હસ્તક લઈ લેવામાં આવે છે. જેના કારણે નગરજનોએ પોતાનો શુભપ્રસંગ કેવી રીતે કરવો તેની મૂંઝવણમાં પડી જતા હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]