મોદી સરકારને ટોણોઃ આધાર કાર્ડ સ્વીસ બેંકો સાથે ક્યારે જોડો છો..?

અમદાવાદ– નોટબંધીનું મુખ્ય નિશાન કાળાં નાણાંને ડામવાનું કેન્દ્ર સરકાર વારંવાર કહ્યું હતું. કાળાં નાણાં સાથે સ્વીસ બેંક ખાતાં એક સિક્કાની બે બાજુની જેમ જોડાયેલાં છે ત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો પણ ઉછળ્યો છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે મોદી સરકારને ટોણો મારતાં પૂછ્યું છે કે હવે આધાર કાર્ડને સ્વીસ બેંક ખાતાં સાથે ક્યારે જોડો છો…?

આધાર કાર્ડને બેંક ખાતાંઓ સાથે ફરજિયાત જોડવાના મોદી સરકારના નિર્ણયને લઇને આ ટોણો મારવામાં આવ્યો છે. હાર્દિકો લખ્યું હતું કે હું વિચારી રહ્યો છું કે આધાર કાર્ડને સ્વીસ બેંકોના ખાતાં સાથે ક્યારે જોડવામાં આવશે..? સુરેન્દ્રનગરમાં અનામત. ખેડૂત અને બેરોજગારી મુદ્દે લાખો લોકોની હાજરી મને વધુ મજબૂત લડાઇ લડવા માટે મને મજબૂર કરે છે. લોકોમાં સરકાર વિરુદ્ધ ઘણો ગુસ્સો છે. આ લોકો મારા સાથે નહીં, મુદ્દાની લડાઇ સાથે છે.

હાર્દિકનું કહેવું છે કે આધાર કાર્ડને મોબાઇલ અને બેંક એકાઉન્ટ સાથે જોડવું અનિવાર્ય બનાવી સરકાર બેરોજગારી જેવા મહત્ત્વના મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. વિધાનસભા ચૂંચણીમાં ભાજપ વિરુદ્ધ પૂર્ણપણે ઉતરી ચૂકેલાં આ યુવા નેતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે કથિત ગુપ્ત મુલાકાત અને બીજાં કોંગ્રેસી નેતાઓ સાથેની મુલાકાતોની વાતો બહાર આવી રહી છે ત્યારે આ રીતે પાટીદારોના અનામત માટેના ગુસ્સાને વોટમાં ફેરવવાની તક હાર્દિક પટેલને મળી રહી છે.