ફોર્મ ભરવા પ્રમાણપત્રોની ચોક્સાઇ કરવામાં વ્યસ્ત બન્યાં ઉમેદવારો

ગાંધીનગર– રાજ્યમાં આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ છે તેમાં મુખ્ય પક્ષોએ તો શરુઆત નથી કરી પણ અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા ફોર્મ લઇ રહ્યાં છે.
મુખ્ય રાજકીય પક્ષો પોતાની પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત છે. આવતીકાલે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોની આખરી યાદી બંને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા બહાર પાડવામાં આવશે. જે ઉમેદવારોને પક્ષ તરફથી સૂચના આપવામાં આવશે તે ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે.
 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારોને ઉમેદવારી કરવાનો આત્મવિશ્વાસ છે તેવા ઉમેદવારો ઉમેદવારી ફોર્મમાં ભરવાની વિગતો જેવી કે પોતાની મિલકત, બેંક બેલેન્સ, ચાલચલગત પ્રમાણપત્ર, મિલકત વેરા, પાણી વેરા, ગટર વેરા, તેમ જ સરકારમાં ભરવાના થતાં કોઈપણ પ્રકારના વેરા બાકી છે કે નહીં તેવા પ્રમાણપત્રો લેવા દોડધામ શરૂ થઇ ગઈ છે.
આ ઉપરાંત ઉમેદવાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ અથવા ઉમેદવાર કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહી જેવી અગત્યની બાબતોના પ્રમાણપત્રો પણ લેવા પડે છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ ખૂબ જ મહત્વનો બની રહે છે ભૂતકાળમાં છેલ્લી ઘડી સુધી મેન્ડેટ મળતો હોવાની ઉમેદવારોને દોડધામ વધી જતી હોય છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે વિસાવદર મત વિસ્તારમાં આ મેન્ડેટ બાબતે રસપ્રદ કિસ્સો બન્યો હતો. કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારની જાહેરાત પછી પક્ષ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ કોઈ નાનો છોકરો લઈને ભાગી ગયો હતો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને સમય હોય નહીં તો ઉમેદવાર બિનહરીફ જાહેર પણ થઇ શકે છે.
ઉમેદવારી કરનાર ઉમેદવારે પોતાના ચૂંટણી ફોર્મમાં 20 ટેકેદારોના નામ દર્શાવવાના હોય છે. આ 20 ટેકેદારોમાં જો કોઈ ટેકેકાર ગુનાહિત કે સરકારી કર વગેરે ભરવાના બાકી હોય અને વિગતો દર્શાવી ન હોય તો ઉમેદવારીપત્રો રદ  થવાને પાત્ર બનતા હોય છે.
સંભવિત ઉમેદવારો ગમે તે પક્ષના હોય પણ આ પ્રમાણપત્રો મેળવવાની દોડધામમાં લાગી ગયા છે.પ્રમાણપત્રોની ચકાસણી ખૂબ જ અગત્યની બની રહે છે. એક ભૂલ પણ ઉમેદવારી રદ કરી શકે છે.તેથી બધું કામ છોડી અત્યારે આ કામ અગત્યનું બની રહે છે
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]