ચૂંટણી જંગઃ ભાજપ-કોંગ્રેસ માટે કયા પડકારો મોં ફાડી ઊભા છે?

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગ્યાં છે, ત્યારે સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે ભાજપ જીતશે કે કોંગ્રેસ?… હાલ ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ પાટીદારોને રીઝવી રહ્યો છે, પાસના કાર્યકર્તાઓ સાથે બેઠકો ચાલી રહી છે. અલ્પેશ ઠાકોરના ઓબીસીના મતો કોંગ્રેસના પંજાને જશે, તે નક્કી થઈ ગયું છે. બીજીતરફ જિગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસની વાતચીત ચાલે છે. ભાજપ પણ તેના દાવપેચ અંગે રણનીતિ ઘડી રહ્યો છે. જનવિકલ્પ મોરચો નવો આવ્યો છે. બાપુ કેવો ખેલ ખેલે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. આમ આદમી પાર્ટીમાં ગાબડાં પડ્યાં છે. ગઈકાલે આમ આદમીના 100 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં છે, આમ ચૂંટણી પ્રચાર પહેલાં જ જંગમાં સોગઠાં ગોઠવાઈ રહ્યાં છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે આ બંને પક્ષ સામે કયા કયા પડકારો મો ફાડીને ઊભાં છે ?

ભાજપ સામેના પડકારો
* પટેલ અને ઓબીસીનો મોટોવર્ગ-૩ વર્ષથી આંદોલન ચલાવે છે. આ વર્ગ અત્યાર સુધી ભાજપની વોટબેંક છે.* ભાજપનો વાસ્તવિક પડકાર ૧ર ટકા પટેલ વોટ અને પ૦ ટકા ઓબીસી વોટમાં પ્રવર્તેલી નારાજગી દૂર કરવાનો છે.* રાજ્યમાં ભાજપની મુશ્કેલી એ છે કે અત્યારે મુખ્યપ્રધાન તરીકે મોદી નથી અને ગુજરાતનું નેતૃત્વ વહેંચાયેલું છે.* જીએસટીને લઈને ભાજપ વિરુદ્ધ માહોલ બનતો દેખાઈ રહ્યો છે. હાલ ભાજપ જીએસટીને સરળ કરવાની યોજના પર વિચાર કરી રહ્યો છે.

* સરકારે ચૂંટણી પહેલાં અનેક રાહતો જાહેર કરી છે પરંતુ તેની કેટલી અસર પડશે તે જોવાનું છે.

* ભાજપ લાંબા સમયથી સત્તા ઉપર છે એવામાં એન્ટિઈન્કમબન્સી ફેરફાર પણ મહત્વની ભૂમિકા ભજવશે.

કોંગ્રેસ સામેના પડકારો

* કોંગ્રેસ પાસે ભાજપ જેવું સંગઠન નથી, નેતૃત્વને લઈને સીટ ઉપર વિજય મેળવી શક્યો ન હતો.

* કોંગ્રેસમાં અત્યારે શંકરસિંહ વાઘેલા નથી, માત્ર રાહુલ ગાંધી પર જ પ્રચારનો આધાર, સ્થાનિક નેતાઓ ભીડ એકઠી કરી શકે તેમ નથી.

*શું જાતિગત સમીકરણ કોંગ્રેસ પોતાની તરફ ખેંચી શકશે ? શું શહેરી વિસ્તારમાં ભાજપને હંફાવવા કોંગ્રેસ પાસે નેટવર્ક છે ?

* જીએસટી મામલે વેપારીઓની નારાજગીનો લાભ ઉઠાવવાની કોંગ્રેસની તાકાત કેટલી છે તે જોવાનું રહ્યું.

* કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી લબલબી રહી છે. શું પ્રદેશ નેતાઓ આંતરિક વિખવાદ મીટાવી શકશે ?