ગુજરાતમાં 25 હજાર લગ્નો, ચૂંટણી તારીખ બદલવા માગ

અમદાવાદ-14મીએ ચૂંટણીપંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાનું નિર્ધારિત છે તેવામાં વિધાનસભા ચૂંટણીની તારીખો પાછળ ઠેલવાની માગણી થઇ હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી તારીખ આગળ લઇ જવાની માગ વહેતી કરાઇ છે.

રાજકીય પક્ષોનું કહેવું છે રાજ્યમાં 14મી ડીસેમ્બર પછી ચૂંટણી કરાવાય, કારણ કે ગુજરાતમાં લગભગ 25000 જેટલાં લગ્નોના આયોજન થયાં છે તેની અસર મતદાન ઉપર પડશે.નવેમ્બર-ડીસેમ્બરમાં લગ્નના સારાં મુહૂર્ત 23 નવેમ્બરથી શરુ થાય છે જે 28 નવેમ્બર સુધી છે.આ સપ્તાહમાં ઘણાં લગ્નો છે જેને લઇને પ્રચારકાર્યમાં મુશ્કેલી ઊભી થવાનો અંદાજ છે. 9મી ડીસેમ્બર અને 14 ડીસેમ્બરની તારીખોની અંદર પણ ઘણાં જ લગ્નો છે. 14 ડીસેમ્બર પછી મુહૂર્તો છે પણ તેમાં વધુ પ્રમાણમાં લગ્નના આયોજન નથી થયાં.

તારીખો ઉપરાંત આ વર્ષે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ છે જેને લઇને પરિવાર રાજ્યની બહાર જઇને એક સ્થળે રોકાઇને લગ્ન અને તેને લગતી વિધિઓ સંપન્ન કરવા ચાર-પાંચ દિવસ રોકાય તેમ છે ત્યારે ઘણાં લોકો રાજ્યની બહાર હશે. આ વર્ષે ગુજરાતમાંથી બહાર અન્યત્ર વેડિંગ ડેસ્ટિનેશન માટે ઇવેન્ટ આયોજકો પાસે જયપુર, ઉદયપુર અને ગોવામાં બૂકિંગ થયેલાં છે.

આ સંજોગોમાં કસોકસ મોટાપાયે રુપિયા ખર્ચી ચૂંટણીપ્રચાર કર્યા પછી મતદારો જ જો બૂથ સુધી ન પહોંચે તો વર વિનાની જાન જેવું બને તેવી સ્થિતિ ટાળવા 14 ડીસેમ્બર પછી લગ્નના આયોજન કરવા માગણી થઇ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]