ચૂંટણીમાં પક્ષના જ ઉમેદવારને હરાવવાની મોસમ

ગાંધીનગર- રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાની તારીખ જેમજેમ નજીક આવતી જાય છે તેમ તમામ રાજકીય પક્ષમાં રાજકીય માહોલ જોઇ ઉમેદવારો પોતાની ટિકિટ માગવામાં લાગી જાય છે. જો કોઈ પક્ષમાં કોઈ નવા ઉમેદવારનું નામ આવે છે, ત્યારે સ્થાનિક કાર્યકરોમાં રોષની લાગણી પ્રગટ થાય છે અને આ ઉમેદવારને કેવી રીતે હરાવવા કે તેને કેવી રીતે બદનામ કરવો એવા કામમાં લાગી જાય છે. વર્તમાન પરિસ્થિતિમાં પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવાને બદલે કઇ રીતે પતાવી દેવો તેની હરીફાઈ ચાલી રહી છે. આ પ્રક્રિયા ઘણી વખત તો એટલી નિમ્ન કક્ષાએ પહોંચે છે કે વ્યક્તિના ચારિત્ર તેમ જ પરિવારજનો પર આક્ષેપો, અશ્લિલ સીડી વગેરે નુસ્ખાઓ કરી ન ગમતાં ઉમેદવારને કેમ બદનામ કરવો તેમાં પણ હરીફાઈ ચાલી રહી છે.
આ વખતની ચૂંટણીમાં જ્યારથી સોશિઅલ મીડિયા, વોટ્સએપ, ફેસબૂક વગેરે પ્રાપ્ત સુવિધાના કારણે ઉમેદવારોની વર્ષો પહેલાંની કોઈ ભૂલ કે ગ્રૂપના ફોટોગ્રાફ્સ જેમાંથી ઉમેદવાર બદનામ થાય તેવા ફોટા કરામત કરી જુદાં પાડી ઉમેદવારને નિમ્ન કક્ષા સુધી બદનામ કરવો તે પ્રવૃતિ આપણને આગામી દિવસોમાં ઉમેદવારીપત્રોની કામગીરીપૂર્ણ થતાંની સાથે જ જોવા મળશે. ભૂતકાળમાં ભાજપના જ એક સંગઠનના ખૂબ જ જવાબદાર વ્યક્તિ ઉપર આવી જ એક ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી સીડી બહાર પાડવામાં આવી હતી, જે સી.ડી.એ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી આજે પણ એ સીડીની ભાજપ પક્ષમાં ચર્ચા ચાલી રહી છે.
છેલ્લા ૧૫ -૨૦ વર્ષથી ખૂબ જ ઊતરતી ક્ક્ષાએ ચૂંટણી લડાઈ રહી છે. ઉમેદવારો એકબીજાને કેટલી હદે બદનામ કરી સાચાંખોટાં આક્ષેપો કરતાં થઇ જાય છે. જેમાં ક્યાંક ધીરેધીરે લોકશાહી પ્રણાલીને લૂણો ન લાગે તેની તકેદારી જાળવવાનો સમય પાક્યો છે.