ચૂંટણી જીતવા મતદાનમથક પર ભાર મૂકવાની BJPની રણનીતિ

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી ભાજપ પક્ષ 150 બેઠકોના ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં આગળ વધી રહ્યો છે. આ ટાર્ગેટને એચીવ કરવાની ભાજપ પક્ષ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. પક્ષ દ્વારા રાજયના 182 બેઠકોમાં સૌપ્રથમ સર્વે આ વખતે જ્ઞાતિવાદનો કર્યો છે. પક્ષ આ તૈયારીને પ્રથમ ગણે છે. ત્યારબાદ ઉમેદવારની પસંદગીને ધ્યાને લે છે. ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીની તૈયારીની સાથે જ મતદાન મથકોમાં દરેક મતદાન મથક દીઠ 25 કરતાં વધારે કાર્યકરોની ટીમ બનાવી સૌથી વધુ મતદાન થાય અને પક્ષ તરફી  થાય તેવી વ્યવસ્થાનું આયોજન કર્યું છે.
આ આયોજનમાં જે કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે તે તમામ સક્રિય અને પક્ષને વફાદાર હોય તેવાને પ્રાધાન્ય આપ્યું છે. આમ બુથ મેનેજમેન્ટ જે ચૂંટણી માટે અગત્યની વાત હોય છે. ભાજપ મોવડી મંડળે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા બુથ મેનેજમેન્ટ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે કાર્યકરોમાં એક ઉત્સાહ વધે અને મતદારોને મતદાન મથક સુધી લાવવામાં જોર રહે.
વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બંને ગુજરાતના છે અને ગુજરાતની આ ચૂંટણી જીતવી ખૂબ અગત્યની બાબત છે. આ ચૂંટણીમાં જો ભાજપને પછડાટ મળે તો આગામી દિવસો અને આગામી વર્ષ 2018માં અન્ય રાજ્યમાં આવતી ચૂંટણીઓમાં આની મોટી અસર પડે. આ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ પક્ષ દ્વારા અલગ પ્રકારની વ્યૂહરચના અપનાવી છે. પાર્ટીએ ભૂતકાળમાં જ્યાં નબળા બૂથ હતાં અને ઓછા મતથી ભાજપના ઉમેદવારો હાર્યા હતાં, ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
જે વિધાનસભા વિસ્તારમાં ભાજપની સ્થિતિ મજબૂત છે ત્યાં પાર્ટી તરફથી પહેલેથી જ નક્કી કરવામાં આવેલ તૈયારી મુજબ બૂથ પર કામકાજ કરવામાં આવશે. જે વિધાનસભા મતવિસ્તારમાં નબળી પરિસ્થિતિ છે ત્યાં નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભાજપ સંભવિત મતદારો કોઈપણ સંજોગોમાં મતદાનમથક સુધી પહોંચે તે જરૂરી છે. ઉપરાંત નબળા બૂથ ઉપર એવા મતદારોની ઓળખ કરવામાં આવશે, જે કોઈને કોઈ કારણોસર ભાજપથી દૂર થયા છે. આવા ઓળખી કાઢવામાં આવેલ મતદારોને તેમની નારાજગીનું કારણ સમજી તેમને સમજાવી મતદાનમથક સુધી લઇ જવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આમ કોઈપણ સંજોગોમાં આ ચૂંટણી જીતવી એ ભાજપ માટે અત્યંત જરૂરી છે.