ભાજપને અંદરોઅંદરના વિખવાદ અને વાણીવિલાસ ભારે પડશે

ગાંધીનગર– ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સીધો ફાયદો થતો દેખાય છે. બે દાયકા સુધી સત્તામાં રહેલ ભાજપ સામે એન્ટીઈન્કમ્બન્સી, નોટબંધી, GST, જેવા મહત્વના મુદ્દાને પ્રજા ધ્યાને લે તો કોંગ્રેસ માટે વિજયની તક ઉજળી રહે છે. રાજકીય અવલોકન કરીએ તો 2002 ગોધરાકાંડથી ત્રણ વર્ષ સુધી હાલના વડાપ્રધાન ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા, હિન્દુત્વનો મુદ્દો ખૂબ ચાલ્યો છતાં ત્રણે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે 60થી વધારે સીટો જાળવી રાખી હતી. આમ આ વખતે કોંગ્રેસને ફાયદો થાય તેવી સ્થિતિ દેખાય છે.
 આ ઉપરાંત પાટીદાર સમાજ 50 કરતા વધારે બેઠકો પર નિર્ણાયક છે. તો બીજી બાજુ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ક્ષત્રિય સમાજે બાંયો ચઢાવી છે. જાહેરમાં પ્રમુખ જીતુ વાઘાણી માફી માગે તેવી લાગણી વ્યક્ત કરી છે. પાટીદાર સમાજ ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ નિર્ણાયક બની રહેશે.
તાજેતરમાં  વડોદરા ખાતે સ્નેહમિલન દરમિયાન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલાં ઉચ્ચારણો શાંત પડ્યાં નથી ત્યાં ભાજપના જ વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલ વાણીવિલાસ વાયરલ થયો છે. તો રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સામે વિસ્તારમાં રોષની લાગણી ઉભી થતી જોવા મળી છે.
ભાજપ આવી હકીકતોની માહિતી મળતાં મોવડી મંડળ ચોંકી ઉઠ્યું છે. આ રોષ શાંત પાડવા ભાજપ હાઈકમાન્ડે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી સુધી ગુજરાતમાં અવારનવાર ગુજરાત ગૌરવ મહાસંપર્ક કાર્યક્રમ દ્વારા લોકોના ઘેરે જઈ સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. પરંતુ આ મહાસંપર્ક કાર્યક્રમને હજુ પ્રજામાંથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળતી નથી.
આવનાર દિવસોમાં ભાજપને કેવી સફળતા મળે છે તે જોવું રહ્યું, અને કોંગ્રેસ પણ આ વખતે ખૂબ જ આકર્ષક લડાઈના મૂડમાં આવી છે. ભાજપની નબળાઈઓનો ફાયદો ઉઠાવવા તનતોડ મહેનત કરી રહી છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]