ગુજરાત ગૌરવ મહાસંપર્કમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જોડાશે

અમદાવાદ-ગુજરાતમાં ૧૨ નવેમ્બર સુધી ભાજપ દ્વારા હાથ ધરવામાં આવનાર ગુજરાત ગૌરવ મહાસંપર્કમાં રાષ્ટ્રીય નેતાઓ, ગુજરાત ભાજપાના અગ્રણીઓ જોડાશે, અને ઘરે ઘરે ગુજરાતના ગૌરવ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ અને વિકાસ કાર્યોની પત્રિકા પહોંચાડશે. ગુજરાતની જનતા જનાર્દનના આશીર્વાદ મેળવશે.

​ભાજપાના પ્રદેશ પ્રવક્તા ડો. જગદીશ ભાવસારે ૧૧ નવેમ્બરના રોજ ગુજરાત ગૌરવ મહાસંપર્ક માટે ગુજરાત આવનારા રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રધાનોના પ્રવાસ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનવ સંશાધન વિકાસપ્રધાન પ્રકાશ જાવડેકર રાજકોટ ખાતે, ભારતના રક્ષાપ્રધાન નિર્મલા સીતારામન અમદાવાદ, ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી તેમ જ ટેક્સટાઇલપ્રધાન સ્મૃતિ ઇરાની નવસારી ખાતે મહાસંપર્કમાં જોડાશે.

​કેન્દ્રીયપ્રધાન જે. પી. નડ્ડા માણસા, રામવિલાસ પાસવાન અમદાવાદ, કૃષ્ણપાલ ગુર્જર આણંદ, ક્રિષ્ણા રાજ રાજકોટ અને વિજય રાહતકર પાટણ, મહેસાણા, અમદાવાદ ખાતે ગુજરાત ગૌરવ મહાસંપર્કમાં  જોડાશે.​