વાક્ચાતુર્ય સાથે જોડાયેલો તહેવાર એટલે વાક બારસ

“પડે ચડે જીભ વડે જ માનવી.” એ સાંભળીએ એટલે વિચાર આવે કે શું જીભનું એટલું બધું મહત્વ? એવું કહેવાય છે કે મૌનમાં ખુબ શક્તિ છે. પણ માત્ર મૌન ક્યાં સુધી કામ કરે? વાણી અને એ પણ સંયમિત વાણી, એ સાચે જ માનવીય વ્યવહારનો પાયો બને છે. વાણી એટલે વાક. વાક્ચાતુર્ય સાથે જોડાયેલો તહેવાર એટલે વાક બારસ. સમયની સાથે અપભ્રંશ થઇ અને એ વાઘ બારસ બની ગયો.

આમ જોવા જઈએ તો દિવાળીના તહેવારમાં વ્યક્તિત્વ સાથે જોડાયેલી ઘણી બધી બાબતો છે. માણસ મધુર ભાષી હોય કે મુત્સદી હોય એ જરૂરી નથી. કે પછી માત્ર મૌન ધરીને બેસી રહે એ પણ યોગ્ય નથી. સાચા સમયે યોગ્ય વાત કરવી ખુબ જરૂરી છે. યોગ્ય વાણીથી વ્યવહાર દીપે છે. અને સૌજન્યશીલ વ્યવહાર એ વ્યક્તિત્વ નિખરે છે. સારું વ્યક્તિત્વ સરાહનીય બને છે. આજે જયારે માત્ર પોતાને ફાયદો થાય એ પ્રકારની વાણીનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે ત્યારે વાક્શક્તિની જરૂર જણાય છે. કોઈની ખુશામત કરવી કે ખોટા વખાણ કરવા એ તો ગુલામીની ભાવના છે. નિર્ભયપણે સાચી વાત સહજ રીતે રજુ કરવાની કળા જ સાચી ઓળખ આપી શકે છે.

આસો મહિનાની કૃષ્ણ પક્ષની બારમી તિથી એટલે વાક્બારસ અથવા વાઘ બારસ. અને એ જ દિવસે દિવાળીના તહેવારની શરૂઆત થાય. સારી વાણી પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતીની આરાધના, સાધના જરૂરી છે. સરસ્વતી કળા, જ્ઞાન, વિજ્ઞાન અને વાણીની દેવી છે. માતાની આરાધનાથી વ્યક્તિત્વમાં નિખાર આવે છે. સરસ્વતી માત્ર સંગીતની દેવી નથી. પણ હા, એની સાધનાથી જીવન સંગીતમય જરૂર બને છે. સરસ્વતી પૂજન પીળા વસ્સ્ત્ર અને પીળા ફૂલથી થાય છે. પીળો રંગ એટલે ગુરુનો રંગ. ગુરુત્વ ભરેલું વ્યક્તિત્વ એટલે સરળ, સહજ, સભાનતા વાળું વ્યક્તિત્વ. જેમાં સમજણશક્તિ છે, અન્ય માટે સન્માન છે અને શંકાને સ્થાન નથી. મનમાં શંકા જાગે ત્યારે વિશ્વાસનું બાષ્પીભવન થઇ જાય અને વાણી પર કાબુ ઓછો થઇ જાય. તેથીજ સરસ્વતી પૂજન અને સાધના વાણીને વધારે પ્રિય બનાવે છે.

કેટલાક લોકો વાણીનો ઉપયોગ અન્યને નીચા દેખાડવા કે રાજકારણ રમવામાં વાપરે છે. અંતે એવા લોકો પકડાઈ જાય છે. પણ જો વાક્શક્તિ સારી હોય તો વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપુર બને અને આસપાસના લોકોમાં પ્રિય બને છે. શું બોલવું એના કરતા પણ શું ન બોલવું એની સમજણ વધારે જરૂરી છે. અને એના માટે પ્રેક્ટીકલ અપ્રોચ જરુઈર છે. જો ઘરની મુખ્ય વ્યક્તિને આટલી સમજણ આવી જાય તો તે ઘર ઝળહળે છે. કોઈને શબ્દજાળમાં ફસાવવા કરતા શબ્દોની કીમત સચવાઈ રહે અને શબ્દો પર ભરોસો આવે એ જરૂરી છે. 1 નવેમ્બરે સાંજે સરસ્વતી આરાધના કરીએ અને વાણી થકી વ્યક્તિત્વમાં નિખાર લાવી સફળ બનીએ. હવે વિચાર આવશે કે આ સાધના કોણ કરી શકે? જ્ઞાન અને વાણીને  કોઈ એક વિચારધારા સાથે બાંધી શકાય ખરા? બસ તો જવાબ નજર સામે જ છે. માનવમાત્ર સરસ્વતી આરાધના કરી શકે છે. જેટલો વધારે ભાવ, તેટલી વધારે સફળતા અનુભવાય.

(મયંક રાવલ- વાસ્તુ સાયન્ટીસ્ટ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]