કાળરાત્રિ: પ્રચંડ બ્રહ્માંડઊર્જાનું તંત્રવિજ્ઞાન!

ભારતભરમાં અને વિશેષતઃ ગુજરાતમાં કાળી ચૌદશની રાત અંગે ઘણી ભ્રમણા પ્રવર્તે છે. ગોળ કુંડાળામાં પગ નહીં મૂકવાથી શરૂ કરીને મોડી રાતે નિર્જન વિસ્તારમાં પ્રવેશનિષેધ સુધીના ઘણા નિયમોના સૌ કોઈ સાક્ષી છે, જેની પાછળનું પ્રમુખ કારણ છે: તંત્ર વિશેની ગેરસમજ! સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, તંત્ર એટલે ટેક્નોલૉજી! જેવી રીતે રાજતંત્ર, પ્રજાતંત્ર અને લોકતંત્ર જેવા શબ્દો દેશની જુદી જુદી ‘સિસ્ટમ’ સૂચવે છે, એવી જ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી થતી તંત્રસાધના પણ દુર્લભ ટેક્નોલૉજી અથવા સિસ્ટમ હસ્તગત કરવાની પૌરાણિક પદ્ધતિ છે!

તંત્રોક્ત રાત્રિસૂક્તમ્ જણાવે છે,

कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा ।

त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्रींस्त्वं बुद्धिर्बोधलक्षणा ॥

જેનો અર્થ છે, “હે દેવી, તું જ કાળરાત્રિ, મોહરાત્રિ, મહારાત્રિ અને દારુણરાત્રિ છો! તું જ ઈશ્વરી છો અને તું જ શ્રી (ઐશ્વર્યસ્વરૂપ બીજમંત્ર) તેમજ હ્રીં (માયાસ્વરૂપ બીજમંત્ર) છો! હે મહાશક્તિ, તું જ બોધસ્વરૂપા પણ છો.”

આ શ્લોકની અંદર કાળી ચૌદશને શા માટે કાળરાત્રિ કહેવામાં આવે છે, એનું રહસ્ય છુપાયેલું છે. વર્ષની દરેક અમાવસ્યા યુક્ત ચતુર્દશીને ‘કાળરાત્રિ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. દિવાળીની આગલી રાત એટલે કે કાળીચૌદશ આમાંની એક છે. બીજુ મહત્વનું કારણ એ છે કે, કાળી ચૌદશને દિવસે જ ભગવતી મહાદેવીના રૌદ્ર સ્વરૂપ મહાકાળીનું પ્રાગટ્ય થયું હોવાનું વર્ણન ગ્રંથોમાં મળી આવે છે.

સર્વવિદિત છે કે કાળી ચૌદશને દેશના કેટલાક ભાગોમાં ‘નર્ક ચતુર્દશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હોવાની પૌરાણિક કથા છે.  આથી જ, દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં દિવાળીના તહેવારને રામના અયોધ્યાગમન તરીકે નહીં, પરંતુ શ્રીકૃષ્ણના નરકાસુર વધના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે તંત્રશાસ્ત્રના પ્રમુખ રહસ્યોમાંની એક છે! બંગાળમાં કૃષ્ણને દસ મહાવિદ્યામાંની સર્વપ્રથમ મહાવિદ્યા મહાકાળીના પતિ તરીકે પૂજવામાં આવે છે. તંત્રવિજ્ઞાન પ્રમાણે, કૃષ્ણ અને કાળી બંનેનો બીજમંત્ર ‘ક્લીં’ છે! બંનેનો વાન પણ શ્યામ છે!

ક્રોનૉલૉજી સ્પષ્ટ છે. ફરી ફરીને પ્રત્યેક તંત્રગ્રંથો આ દિવસને ‘મહાકાળી’નું પર્વ ગણાવે છે. બોધ લેવા જેવી વાત એ છે કે તંત્રનું નામ સાંભળીને ભાગવાને બદલે એના ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન થવો જોઈએ. મનુષ્યને એ જ વસ્તુનો ડર લાગે છે, જે અજ્ઞાત છે! જ્યાં જ્ઞાનનો પ્રકાશ પથરાય, ત્યાંથી ભયરૂપી અંધકાર અવશ્ય દૂર થાય છે.

જેવી રીતે ન્યુક્લિયર ઊર્જાનો ઉપયોગ સારા અને ખરાબ બંને કામો માટે થઈ શકે, એવી જ રીતે તંત્રવિજ્ઞાનનો પણ થઈ જ શકે! જે પૂરવાર કરે છે કે તંત્રવિજ્ઞાન ખરાબ ન હોઈ શકે, પરંતુ તેને ઉપયોગમાં લેનાર વ્યક્તિના ઈરાદા જરૂર હોઈ શકે.

કમનસીબી એ છે કે તંત્રવિજ્ઞાનનું નામ પડતાંની સાથે જ લોકોના માનસપટ પર દારૂ, માંસ અને સમાગમની છબી ઉપસી આવે છે. મોટાભાગના માણસોને એ નથી ખબર કે તંત્રના કુલ છ પ્રકાર છે: દક્ષિણાચાર તંત્ર, વામાચાર તંત્ર, કૌલાચાર તંત્ર, મિશ્રાચાર તંત્ર, સમયાચાર તંત્ર અને દિવ્યાચાર તંત્ર.

આમાંના દક્ષિણાચાર, દિવ્યાચાર અને સમયાચાર તંત્રમાં તો સંપૂર્ણપણે સાત્ત્વિક પદાર્થો અર્થાત્ ફળ, ફૂલ, કંકુ, ચોખા, હળદર, નારિયેળ વગેરેનો ઉપયોગ થાય છે. આ પ્રકારના તંત્રમાં દારૂ, માંસ કે તાંત્રિક સેક્સને કોઈ સ્થાન નથી.

માટે, કાળકા દેવીની આ કાળરાત્રિને ભૂત-પ્રેત-પિશાચની રાત ગણવાને બદલે દિવ્યાતિદિવ્ય પર્વ તરીકે ઉજવવી જોઈએ. આપણા સમાજમાં ધૈર્યા જેવી વ્હાલસોયી બાળકીઓની નિર્મમ હત્યાઓને રોકવી હશે તો અંધશ્રદ્ધાની સાંકળો તોડીને બંધનમુક્ત થવું પડશે. પરંપરાઓનું અનુસરણ થવું જ જોઈએ, પરંતુ તેની પાછળ છુપાયેલું વિજ્ઞાન સમજ્યા વગર નહીં! સનાતન ધર્મ અત્યંત તાર્કિક અને માર્મિક છે. તેના ઊંડાણમાં ઉતરવા માટે વિચારધારા અને દ્રષ્ટિકોણ બંનેની ક્ષિતિજનો વિસ્તાર થવો નિતાંત આવશ્યક છે.

(પરખ ઓમ ભટ્ટ)

(પરખ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વ અને લેખન-જગતનું એક જાણીતું નામ છે. ભારતના ટોચના પોડકાસ્ટ શો – The Ranveer Show (TRS) – પર જનારા તેઓ સૌ પ્રથમ ગુજરાતી લેખક છે. ગુજરાત-મુંબઈના પ્રમુખ અખબારો અને સામયિકોમાં લખે છે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ (મહા-અસુર શ્રેણી) થકી એમણે દેશ-વિદેશમાં વસતાં ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવ્યો છે.)