Monday, July 7, 2025
Google search engine
HomeUncategorizedઉદાનવાયુનું સંતુલન અને વિચારોની અભિવ્યક્તિ

ઉદાનવાયુનું સંતુલન અને વિચારોની અભિવ્યક્તિ

।। उदानजयाज्जलपककण्टकादिष्वसग उत्क्रान्तिश्र्च ।।

ઉદાન વાયુનો સંયમ વડે જય કર્યાથી યોગી પાણીમાં તેમજ કાદવમાં ડૂબતો નથી અને કાંટા ઉપર પણ ચાલી શકે છે તથા ઊર્ધ્વગમન પણ કરી શકે છે.

શરીરમાં પાંચ પ્રકારના વાયુ આવેલા છે. અપાનવાયુ, સમાનવાયુ, પ્રાણવાયુ, ઉદાનવાયુ અને વ્યાનવાયુ. આ પાંચ વાયુ જો સમાન હોય તો માનસિક, શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. આજે આપણે વાત કરવાના છીએ ઉદાનવાયુની.

શરીરમાં આ મુખ્ય પાંચ પ્રકારના વાયુ ઉપરાંત બીજા વાયુ પણ જાણવા જેવા છે. જેમ કેઃ

નાગ જે વાયુ પેટનું દબાણ ઓડકાર દ્વારા ઓછું કરે છે.

કર્મ જે વાયુ આંખની પાંપણનું હલનચલન-ફરકવું નિયમિત રાખી, તીવ્ર પ્રકાશ કે બહારની વસ્તુને આંખમાં જતી અટકાવે છે.

કકર જે વાયુ નાકમાં જતી કે ગળામાં ઉતરી જતી વસ્તુને ડાન્સ કે ઉધરસ દ્વારા અટકાવે છે.

દેવદત્ત જે વાયુ થાકેલા શરીરને બગાસા દ્વારા વધારાનો પ્રાણવાયુ પૂરો પાડે છે.

ધનંજય જે વાયુ મૃત્યુ પછી પણ શરીરમાં રહે છે. જેના કારણે કોઈવાર મૃતદેહ ફુલી જાય છે.

ઉદાનવાયુ એ ઊર્જાને નીચેથી ઉપર તરફ લઈ જાય છે. વિશુદ્ધ ચક્રનું સ્થાન ગળામાં છે. એ ઉદાનવાયુ ગળાથી મસ્તિષ્કના ભાગમાં આવેલો છે. મુખ્યત્વે આ વાયુને અભિવ્યક્તિ છે. કારણ કે, એ તેનો મુખ્ય ગુણ છે. આ વાયુથી સંદેશાવ્યવહાર અને અભિવ્યક્તિ વિશેષ અસર થાય છે. જ્યારે ઉદાનવાયુ સંતુલિત હોય ત્યારે આપણે આપણા વિચારો, લાગણીઓ, ભાવનાઓને સારી રીતે વ્યક્ત કરી શકીએ છીએ. શબ્દોમાં મૂકી શકીએ છીએ. ઘણું બધું કહેવું હોય, અંદર ને અંદર મૂંઝાયા કરતાં હોઈએ, વ્યક્ત ન કરી શકતા હોઈએ ત્યારે ઉદાન વાયુનું મૂળ સ્થાન એટલે વિશુદ્ધ ચક્ર એને કાર્યશીલ કરવું જોઈએ.

આ ઉદાનવાયુ પર કામ કરીએ તો thyroid gland ઉપર પણ આપોઆપ કામ થઈ જાય છે. Hypothyroid હોય કે hyperthyroid હોય એના ડિસોર્ડર બધાં જ સંતુલિત થઈ જાય છે. નિયમિત – રોજ અમુક આસનો કરવાથી ચોક્કસ પરિણામ મળે છે. ઉદાન વાયુ જો અસંતુલિત હોય તો આંખમાંથી પાણી પડ્યા કરવું, કાનમાં દુઃખવું, દાંતની નાની નાની તકલીફો થવી એ બધું જ બહુ સામાન્ય છે. અમદાવાદમાં એક એવા પણ ડેન્ટિસ્ટ છે, જે ઉદાનવાયુ ઉપર કાબૂ મેળવી એટલે કે, જાલંધર બંધ કરાવી દાંત પાડે છે. જેમાં લોહીનું એક ટીપું નથી પડતું કે દર્દીને કોઈ વેદના પણ થતી નથી. નવાઈ લાગે તેવી વાત છે. પરંતુ મારી નજર સમક્ષ મેં આ રીતે દાંત પડતા જોયા છે. હવે વિચારો યોગની જુદી જુદી ક્રિયાઓમાં કેટલી તાકાત રહેલી છે. સવાલ એ છે કે જે નવા    નવા યોગ શિક્ષકો  બહાર પડ્યા છે. જેમનામાં અનુભવ નથી અને ઊંડુ યોગશાસ્ત્રનું જ્ઞાન પણ નથી અને બીજાને યોગ કરાવવાનું શરૂ કરી દે છે. યોગશાસ્ત્ર દરિયા જેટલું ગહન અને વિશાળ છે. પહેલા એને સમજવું પડે. યોગશાસ્ત્ર એ શરીર, મન અને આત્મા સાથે કામ કરતું શાસ્ત્ર છે એને સામાન્ય ન સમજવું જોઈએ. હવે વાત કરીએ ઉદાનવાયુને સમાન કઈ રીતે કરવું. થોડા આસનો – ચક્રને કાર્યશીલ કરવાનું અને એના પ્રાણાયામ પણ છે – અને કેટલાક બંધ પણ છે.

આસનોમાં – સર્વાંગાસન (3 બ્લેન્કેટ અને બેલ્ટ સાથે), મત્સ્યાસન તકિયા સાથે, ઉષ્ટ્રાસન, સેતુબંધ સર્વાંગાસન, કટી ઉત્થાન ઈંટ સાથે, વ…

પ્રાણાયામ – ઉજ્જયી પ્રાણાયામ, આંતર કુંભક પ્રાણાયામ, deep breathing વિથ કુંભક.

બંધ – જાલંધર બંધ,  મૂળ બંધ

યોગાચાર્ય શ્રી બી.કે.એસ આયંગરજી એ શોધ કરીને ઘણા સાધનો બનાવ્યા છે. ખૂબ મનોમંથન પછી  જુદા જુદા લાકડાના સાધનો, બ્લેન્કેટ, બેલ્ટ, દોરડા સાથે આસનો વ્યવસ્થિત કરાવે છે અને ધાર્યું પરિણામ આપે છે.

આજે આપણે સર્વાંગાસન એમની રીતે જોઈશું ને એમાં કેટલી વધારે અસર થાય છે એ સમજીશું. ફોટામાં જોયા પ્રમાણે સર્વાઈકલ ને તકલીફ પહોંચાડ્યા વિના સર્વાંગાસનમાં વધારે વાર સુધી રોકાઈ શકાય છે. ઉદાનવાયુને સંતુલિત કરવામાં બીજા કોઈ ભાગને નુકસાન ન પહોંચાડી શકાય. માટે બેલ્ટ અને બ્લેન્કેટ સાથે સર્વાંગાસન એકદમ વ્યવસ્થિત રીતે આસન થાય છે. તકિયા સાથે મત્સ્યાસન પણ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. પરંતુ એક વાર કોઈ આયંગર યોગના નિષ્ણાત પાસે શીખીને જાતે કરી શકાય.

જાલંધર બંધ પણ એટલું જ અસરકારક છે. ઉદાનવાયુ માટે શ્વાસ લઇ બધો શ્વાસ બહાર કાઢી ને ડોકને નીચે કરી ડાઢી છાતી સાથે મૂકી દેવી. જેટલું રોકાવાય એટલું રોકાવું. પાછા આવીએ ત્યારે મોઢું ન ખોલવું. એવી જ રીતે ઉજ્જઈ પ્રાણાયામમાં નાકથી શ્વાસ લેવો. ગળામાંથી ઘસાઈને અંદર જાય ને ગળામાંથી ઘસાઈને શ્વાસ બહાર આવે, એક અવાજ આવતો હોય છે જે, શરૂઆતમાં નહીં આવે પણ સતત અભ્યાસ પછી આવશે ને થાઇરોઇડ ગ્રંથિ અને ઉદાન વાયુને સંતુલિત કરવામાં મદદરૂપ થશે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular