Saturday, August 9, 2025
Google search engine
HomeUncategorizedસુનીતાએ બોક્સ ખોલ્યું તો એમાં...

સુનીતાએ બોક્સ ખોલ્યું તો એમાં…

સુનીતાએ ગયા વર્ષે ઠીકઠાક બચત કરેલી તેમ છતાં તેમાંથી કોઈ સારી ડિઝાઇનનું મંગળસૂત્ર આવે તેમ નહોતું. ખૂટતા પૈસા પતિ પાસેથી લઈને તે મંગળસૂત્ર ગઈ દિવાળી પર જ ખરીદી શકી હોત, પણ ઘરમાં રંગરોગાન કરાવવાની જરૂર પડી એટલે તેણે પોતાની બચતમાંથી પૈસા આપી દીધેલા અને દાગીના ખરીદવાનો વિચાર માંડી વાળેલો. બચેલા પૈસામાં ઉમેરો કરી કરીને હવે તે પોતાની ઈચ્છા પૂરી કરવા આતુર હતી. આ વર્ષે બીજો કોઈ ખર્ચ પણ નહોતો એટલે બધું ઉજળું ઉજળું દેખાતું હતું. પતિએ પણ કહેલું કે જરૂર પડશે તો થોડા પૈસા તે ઉમેરશે.

દિવાળીને એકાદ મહિનાની વાર હતી ત્યારે તેણે ઓનલાઇન ડિઝાઇન્સ જોઇને અને તેના ભાવનો અંદાજ લગાવી લીધો. કેટલીક બ્રાન્ડની ડિઝાઇન તો સુંદર હતી પણ તેની ઘડામણ બહુ મોંઘી લાગતી હતી. આખરે તેણે એક વેબસાઈટ પર અમુક નમૂના પસંદ કરી લીધા અને દિવાળીના થોડા દિવસ પહેલા રૂબરૂ જ શો-રૂમમાં જઈને મંગળસૂત્ર ખરીદવાનું નક્કી કર્યું. જો કે નવરાત્રિ પૂરી થઇ ત્યાં સુધીમાં તો સોનાનો ભાવ વધવા લાગેલો.

દિવાળી આવતા સુધીમાં તો ભાવ આસમાનને ચુંબશે એવું વિચારીને દિવાળીના દસેક દિવસ પહેલા સુનીતા તેના પતિ અને દીકરી સાથે સોનીને ત્યાં ગઈ અને મંગળસૂત્રનો ઓર્ડર કરી દીધો. અડધા પૈસા એડવાન્સ આપ્યા. વળતાં એક રેસ્ટોરાંમાં ડિનર કરીને ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં ખૂબ થાકી ગયેલા એટલે તરત જ ઘસઘસાટ ઊંઘી ગયા.

દિવાળી નજીક આવી ગઇ. એક દિવસ સવારે ઓફિસ જવા માટે સુનીતાના પતિએ બાઈક ચાલુ કરવા મથામણ કરી પણ કેમેય કરીને બાઇક ચાલુ જ થતું નહોતું. પેટ્રોલ ય પૂરું ભરેલું હતું એટલે બીજો જ કઈંક ફોલ્ટ હોવો જોઈએ એમ વિચારીને તે બાઈક છોડીને રિક્ષામાં ઓફિસ જવા નીકળ્યો. સાંજે તે બાઇકને ગેરેજમાં લઇ ગયો તો ખબર પડી કે રિપેરીંગમાં મોટો ખર્ચ આવે એમ છે. વિચારીને નક્કી કરીશ એવું કહીને તે બાઇકને ઘસેટીને પાછો ઘરે લાવ્યો.

‘બાઈક રિપેર નહિ થાય તો કેવી રીતે ચાલશે?’ સુનીતાએ ભોજન પીરસતાં પૂછ્યું.

‘મુશ્કેલી તો પડશે પણ હું થોડા દિવસ સુધી રિક્ષામાં જતો રહીશ. થોડા પૈસા ભેગા કરીને નવી બાઈક જ લઇ લઈશ તેવું વિચારું છું.’ પતિએ કહ્યું.

‘એટલા પૈસા ભેગા કરવામાં તો ઘણો સમય નીકળી જશે.’

‘જોઈએ. જયારે થાય ત્યારે.’

સુનીતાએ વધારે ચર્ચા ન કરી. ભોજન પૂરું કરીને બન્ને ટીવી જોવા બેઠા. સુનીતાના મનમાંથી પતિના બાઈકની ચિંતા ગઈ નહીં. રાત્રે અચાનક વિચારનો એક ચમકારો થયો એ પછી તેને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે દીકરી શાળાએ જતી રહી અને પતિ ઓફિસ જવા નીકળી ગયો. સુનીતા તૈયાર થઇ અને સોનીની દુકાને પહોંચી. પોતાના ઓર્ડરની રિસિપ્ટ બતાવી, ઓર્ડર કેન્સલ કરીને મંગળસૂત્ર માટે એડવાન્સમાં આપેલા પૈસા પાછા લીધા.

સાંજે પતિ ઓફિસેથી આવે ત્યારે તેને પૈસા આપી દઈને બીજા દિવસે ધનતેરસના શુભ મુહૂર્તમાં જ બાઈક ખરીદી લેવી તેવું સુનીતાએ વિચાર્યું. મંગળસૂત્ર આવતા વર્ષે આવી જશે તેવો વિશ્વાસ હવે તેના મનમાં સારી રીતે બેસી શક્યો નહિ.

સાંજે પતિ સાથે ડિનર કર્યા બાદ તેણે પોતાના બધા જ પૈસા લાવીને તેના હાથમાં મુક્યા અને કહ્યું, ‘તમારી બાઈક માટે.’

તેનો પતિ સુનિતા સામે ભાવભીની નજરે જોઈ રહ્યો.

‘શું જરૂર હતી? તું બે વર્ષથી મંગળસૂત્ર લેવાનું વિચારતી હતી. હવે જયારે વ્યવસ્થા થઇ છે તો તે મારા માટે થઈને પોતાનું મંગળસૂત્ર જતું કર્યું?

‘તમારી નવી બાઈક આવી જાય તો મંગળસૂત્ર તો પછી ય લઇ લઈશું. આમેય સોનાનો ભાવ કેટલો ચડી ગયો છે. લોકો તો ગાંડા થયા છે પીળા લોઢા પાછળ.’ સુનીતાએ છણકો કરતા કહ્યું.

‘તું આ પૈસા મારી ઓફિસ બેગમાં મૂકી દે. આગળના ખાનામાં મૂકજે.’ તેના પતિએ સોફા પર ટેકો લેતા ટીવી ચાલુ કર્યું.

સુનીતાએ પતિની બેગ ખોલી તેમાં પૈસા મૂકવા હાથ નાખ્યો તો મખમલ જેવું કઈ સ્પર્શ્યું એટલે અંદર નજર કરી. લાલ રંગના મખમલના કપડાના કવરવાળું બોક્સ બહાર કાઢી ને જોયું તો તેની આંખો ચાર થઇ ગઈ. આ એ જ જેવેલરનું બોક્સ હતું, જ્યાંથી તે મંગળસૂત્ર લેવાની હતી. ઉતાવળે બોક્સ ખોલ્યું તો તેમાં તેણે પસંદ કરેલું મંગળસૂત્ર હતું.

‘તમે કેવી રીતે..?’ સુનીતાથી પૂરું વાક્ય બોલાયું નહિ.

‘ઓર્ડર કેન્સલ થયાનો મેસેજ મારા મોબાઈલ પર આવ્યો એટલે હું સમજી ગયો કે તું જ ડાહી થઈને પૈસા પાછા લેવા ગઈ હોઈશ.. એટલે મેં ઓફિસમાં એડવાન્સ માટે વિનંતી કરીને મંગળસૂત્ર જેટલા પૈસા લીધા અને જ્વેલર પાસેથી મંગળસૂત્ર લઇ લીધું.

‘પણ શું જરૂર…’

‘દરેક વખતે પત્નીને જ ત્યાગ કરવાનો હક નથી હોતો હો!’ પતિનો મીઠો અવાજ સુનીતાના કાનમાં સંગીતની જેમ ગુંજી રહ્યો. સોનાની ચમક એની આંખોના આંસુમાં પ્રતિબિંબિત થઇ ઉઠી.

(રોહિત વઢવાણા)

 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular